Saturday, April 18, 2026
HomeGujaratઅમદાવાદના અનેક વિસ્તારોમાં 18 ઇંચ વરસાદ, વાસણા બેરેજના 8 દરવાજા ખોલાયા ,...

અમદાવાદના અનેક વિસ્તારોમાં 18 ઇંચ વરસાદ, વાસણા બેરેજના 8 દરવાજા ખોલાયા , જાણો સવારે શહેરની શું સ્થિતિ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગઇકાલે રવિવારનો દિવસ હોવાના કારણે અનેક લોકો પરિવાર સાથે મજા માણવા માટે ઘરેથી નીકળ્યા હતા પરંતુ આ મજા સજામાં ફેરવાઇ ગઈ હતી. વરસાદની તોફાની બેટિંગના કારણે શહેર હિલોળે ચડ્યું હતું. અનેક રસ્તાઓની હાલત સ્વિમિંગપુલ જેવી બની ગઈ હતી. ભારે વરસાદના કારણે સાબરમતી નદીના 8 ગેટ ખોલવા પડ્યા હતા. જો કે હજી પણ વરસાદથી સંકટ ટળ્યું નથી હવામાન વિભાગ દ્વારા હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત આજે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાતે વરસેલા વરસાદના પાણી સવાર સુધી ન ઉતરતા નોકરી જનારા લોકો અટવાયા છે.

અમદાવાદમાં ગઇકાલે વરસેલા વરસાદના કારણે સવાર પડી જવા છતાં અનેક વિસ્તારોમાં પાણી ઉતાર્યા નથી. શહેરમાં ગઇકાલે સાંજે અતિભારે વરસાદ વરસ્યો હતો. થોડા વિરામ બાદ મોડી રાત્રે ફરી વાર ધોધમાર વરસાદ ખબક્યો હતો. સાંજે 7 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધીમાં એલિસબ્રિજ, વાસણા અને પાલડીમાં 18 ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે આશ્રમરોડ, વાડજ, ઇન્કમટેકસમાં 14.62 ઇંચ વરસાદ પડયો હતો. સોમવારે સવારે 7 વાગ્યાની સુધીમાં છેલ્લા 12 કલાકમાં અમદાવાદમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

- Advertisement -

અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ફરી વળતાં ઘરવખરીનો સામાન પાણીમાં તરતો થયો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જો કે રાત્રે પડેલા વરસાદના કારણે આજે સવારે પરિમલ અંડરપાસ, અખબારનગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ, મકરબા ક્રોસિંગ અંડરપાસ હજી પણ બંધ છે. મોડી રાત્રે ધોધમાર વરસાદના કારણે વેજલપુર વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતાં અંધારપટ છવાઈ ગયો હતો.

અમદાવાદમાં સાંજે પડેલા ધોધમાર વરસાદના કારણે વાસણા બેરેજના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 17, 18, 19, 20, 21, 22, 23, 24 નંબરના ગેટ ખોલાયા હતા. સાબરમતી નદીમાં 18 હજાર 904 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. વરસાદના કારણે નહેરુનગરથી માણેકબાગનો BRTS રૂટ બંધ કરાયો હતો. ઉપરાંત માણેકબાગ ચાર રસ્તા પાસે કમર સુધી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મોટા ભાગની સરકારી અને પ્રાઈવેટ બસ કલાકો સુધી કતારમાં ધરણીધર પાસે આવેલા ઓવરબ્રિજ પર થંભી ગઈ હતી. જો કે માણેકબાગથી માંડ કરીને પાણીમાંથી બહાર નીકળેલા વાહન ચાલકોને ધરણીધર પાસે પણ પાણી ભરાઈ જતાં કલાકો સુધી ઓવરબ્રિજ પર જ થંભી જવું પડ્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular