નવજીવન ન્યૂઝ. ડાંગ: સામાન્ય રીતે પોલીસનું કામ લોકોનું રક્ષણ કરવાનું હોય છે, પરંતુ ડાંગ જિલ્લાના કેટલાક યુવાન શ્રમિકોએ અમદાવાદ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. આ યુવકોનું કહેવું છે કે અમદાવાદનાં ગીતા મંદિર બસ સ્ટેશન નજીક જ્યારે તેમણે કચ્છથી ડાંગ જઇ રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને આતંકવાદી છો તેમ કહીને માર માર્યો હતો અને ત્યાર બાદ તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાં પણ તેમને માર મરવામાં આવ્યો હતો. આ અંગે આ યુવાનોએ ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
ડાંગના આદિવાસી વિસ્તારના કેટલાક યુવાનો રોજગારી મેળવવા માટે કચ્છમાં દાડમની ખેતી કરવા માટે જતાં હોય છે, તેવી જ રીતે આ યુવકો પણ દાડમની ખેતી કરવા માટે કચ્છ ગયા હતા. જ્યારે તેમણે કામ પતાવીને ડાંગ પરત ફરી રહ્યા હતા તે સમયે તેમણે અમદાવાદ બસ સ્ટેશન આગળ બસની રાહ જોઈ રહ્યા હતા તે સમયે એક પોલીસકર્મીએ આવીને આ યુવકોની તલાસી લેતા તેમની બેગમાંથી તેમની દાડમની ખેતી કરવા માટેની કાતર મળી આવી હતી, જે જોઈને પોલીસકર્મી ‘તમે આતંકવાદી છો’ તેમ કહીને એક યુવકને મારવાનું ચાલુ કર્યું અને પછી તેને પોલીસ ચોકીમાં લઈ ગયા અને ત્યાં પણ યુવકને માર માર્યો. જ્યારે આ યુવકનો મિત્ર શોધતો શોધતો આવ્યો ત્યારે તેને પણ પોલીસે માર માર્યો હતો અને મોડી રાતે આ યુવકોને છોડી દીધા હતા.
આ યુવકો જ્યારે આહવા પહોંચ્યા ત્યાં તેમણે આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવા ગયા ત્યારે હોસ્પિટલ દ્વારા MLC (MEDICO-LEGAL CASE) કરવા માટે પોલીસને જાણ કરી હતી જેમાં આહવા પોલીસને આ યુવાનોએ આખી ઘટના અંગે વાત કરી હતી અને MLC રિપોર્ટમાં પોતાની સાથે ઘટેલી ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. MLC રિપોર્ટ મુજબ ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમાં આ યુવકોની અરજી લેવામાં આવી છે.
આ ઘટના અંગે ડાંગ જિલ્લા અધ્યક્ષ રવિરાજસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “આવી એક ઘટના બની હતી, જેમાં કેટલાક યુવકોએ હોસ્પીટલમાં ડોક્ટર સામે અમદાવાદ પોલીસ દ્વારા માર અમર્યો હોવાની કબૂલાત કરી હતી જેના કારણે હોસ્પિટલ દ્વારા પોલીસને બોલાવીને આ અંગે MLC રિપોર્ટ બનાવીને આ યુવકોનું નિવેદન લેવામાં આવ્યું હતું. જો કે આ યુવકોના કહેવા મુજબ આ ઘટના 7 તારીખની છે અને તેમણે 9 તારીખે નિવેદન લખવ્યું છે. તેમના નિવેદન મુજબ અમે તેમની અરજી અમદાવાદ કમિશનરને મોકલી આપી છે, હવે આગળની વધુ તપાસ અમદાવાદ પોલીસ કરશે.”
ગુજરાતનાં એક એડવોકેટ કુશલ તમંચે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આવા સંજોગોમાં ફરિયાદી ઈચ્છે તો દેશના કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી ઝીરો નંબરની FIR કરી શકે છે ભલે ઘટના કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોય. આ અંગે ડાંગ SPએ જણાવ્યુ હતું કે ઝીરો FIR માટે કેટલીક જોગવાઈ છે, આ કિસ્સામાં ફરિયાદીને માર કોને માર્યો તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, મારવા વાળા પોલીસ હતા કે હોમગાર્ડ હતા કે પછી કોઈ ખાનગી સિક્યુરિટી હતા તેની કોઈ જાણ ફરિયાદીને નથી જેથી આ તપાસનો પ્રશ્ન છે. અમે આ અરજી અમદાવાદ પોલીસને ટ્રાન્સફર કરી દીધી છે એટલે હવે આગળની વધુ તપાસ અમદાવાદ પોલીસ કરશે, છતાં ફરિયાદીને અમારા તરફથી જે કઈ પણ મદદની જરૂર હશે તે અમે કરીશું.








