Tuesday, June 23, 2026
HomeGeneralતેનું નામ લક્ષ્મી પણ તેણે સરસ્વતીની ઉપાસના કરવાનો નિર્ણય કર્યો

તેનું નામ લક્ષ્મી પણ તેણે સરસ્વતીની ઉપાસના કરવાનો નિર્ણય કર્યો

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): હું તેને 2013માં પહેલી વખત મળ્યો અમદાવાદના એક અખબારમાં ચિફ રિપોર્ટર તરીકે જોડાયો હતો. અખબારના એડીટરે મને એક પછી એક રિપોર્ટરનો પરિચય કરાવ્યો, એડીટરે કહ્યું આ લક્ષ્મી છે, તે તમારી ટીમમાં કામ કરશે. એકાદ બે દિવસ પછી લક્ષ્મી સાથે મારે વાત થઇ મેં તેને પૂછ્યું ક્યાં રહે છે, તેણે કહ્યું મારું ઘર અરવલ્લી જિલ્લાનું આક્રુદમાં આવેલુ છે, પણ અહિયાં અમદાવાદ સિવિલના કવાર્ટરમાં મારા એક સંબંધી સાથે રહુ છુ. લક્ષ્મી સાથે વાત કરી ત્યારે તેના ભાષામાં હજી પેલુ ગામઠીપણુ હતું. જો કે તેનો તેને જરા પણ સંકોચ નહોતો. તેની વાતમાં એક પ્રકારના આત્મવિશ્વાસની સાથે લડી લેવાની તૈયારી હતી, કોઈ પણ પત્રકારમાં લડી લેવાની તૈયારી હોય તો બાકીની લડાઈઓ બહુ સામાન્ય થઈ જતી હોય છે. એક વખત બીજા એક રિપોર્ટરે ક્રાઈમ સ્ટોરી લખી, સ્ટોરીમાં એક સંપ્રદાયનો ઉલ્લેખ હતો, સાંજ પડતા તે સંપ્રદાયના લોકો અખબારની ઓફિસમાં આવી ગયા, એડીટરે સ્ટોરી લખનાર રિપોર્ટરે પાસે સ્ટોરી સંબંધીત દસ્તાવેજ માંગ્યા, જો કે ત્યારે રિપોર્ટરે જવાબ આપ્યો, મારી સ્ટોરી સાચી છે, એકાદ દિવસ આપો પોલીસ સ્ટેશનમાંથી લઈ આપી દઈશ.

પણ તેવુ થયું નહીં, જે સંપ્રદાયના લોકો ઓફિસમાં આવ્યા હતા તેમની વગ કામ કરી ગઈ. પોલીસ સ્ટેશનમાં રહેલા દસ્તાવેજ લેવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. એડીટરનું દબાણ વધી રહ્યુ હતું કારણ તેમની તૈયારી નહોતી કે તેઓ જેમના અંગે લખાયુ તે સંપ્રદાયના લોકોને નારાજ કરે. મને લક્ષ્મીની યાદ આવી, આમ તો તે હજી એકદમ જુનિયર રિપોર્ટરે હતી, પાછી ક્રાઈમ સ્ટોરી હતી, છતાં મેં ચાન્સ લીધો મેં લક્ષ્મીને આ દસ્તાવેજ પોલીસ સ્ટેશનમાંથી લઈ આવવાનું કામ સોંપ્યુ. મારા આશ્ચર્ય વચ્ચે તે સાંજે મારી સામે દસ્તાવેજ સાથે હાજર હતી, મેં તેને પૂછ્યું કઈ રીતે લાવી તેણે કહ્યું પહેલા તો ડીસીપી સાહેબ મને કાગળ આપવાની ના પાડતા હતા, પણ મેં તેમને કહ્યું એક કલાક આપુ છુ, જો મને એક કલાકમાં મને કાગળ નહીં મળે તો પછી મારે જે કરવાનું હશે તે કરીશ અને તેમણે મને તરત કાગળ આપી દીધા. મેં તેને પૂછ્યું એક કલાક પછી તુ શુ કવાની હતી. તે એકદમ ખડખડાટ હસવા લાગી તેણે કહ્યુ હું પોલીસ અધિકારીનું શુ બગાડી શકુ પછી તેની દેશી સ્ટાઈલમાં કહ્યું બસ દમ માર્યો અને કામ થઈ ગયુ.

- Advertisement -



2011 પહેલા લક્ષ્મીનો અમદાવાદ સાથે કોઈ નાતો ન્હોતો. દિવાળીના તહેવાર આવે ત્યારે વર્ષમાં એક વખત પપ્પા સાથે કપડાં ખરીદવા અમદાવાદ આવતી હતી. 2011માં પોતાના ગામ આક્રુદથી લક્ષ્મી એલએલબીનું ફોર્મ લેવા ગુજરાત યુનિવર્સિટી આવી હતી. ત્યારે તેનું ધ્યાન પડ્યુ બાજુના ટેબલ ઉપર જર્નાલિઝમના એડમિશનના ફોર્મ આપવામાં આવી રહ્યા હતા. ત્યાં સુધી તેણે ક્યારે પત્રકારત્વ અંગે સાંભળ્યું પણ ન્હોતું. તેને વિચાર આવ્યો પત્રકારત્વ ભણવું છે, તેણે ફોર્મ ભર્યું અને એન્ટ્રન્સ પણ આપી, પણ પરીક્ષા આપવા આવી ત્યારે અમદાવાદની છોકરીઓ અને તેમનું અંગ્રેજી સાંભળી લક્ષ્મીને લાગ્યું કે આપણો ચાન્સ તો લાગશે જ નહીં. પણ ત્રણ દિવસ પછી ફોન આવ્યો કે તમે પરિક્ષામાં પાસ છો અને પ્રવેશ આપવામાં આવે છે. અમદાવાદથી એકસો કિલોમીટર દુર રહેતી લક્ષ્મી રોજ સવારે છ વાગે એસટી બસ પકડી અમદાવાદ આવવા લાગી. ઘરની સ્થિતિ અત્યંત સામાન્ય પાસ કઢાવી તે અમદાવાદ આવી, એકાદ વખત તો અમદાવાદના માહોલથી ડરી પાછી બસ પકડી ગામ જતી રહી હતી.

અમદાવાદની છોકરીઓ યુનિવર્સિટીની કેન્ટીનમાં નાસ્તો કરતી પણ લક્ષ્મી પાસે તો તેના પણ પૈસા ન્હોતા, સવારે છ વાગે લક્ષ્મીના મા ભાખરી બનાવી આપતી તેનો ડબ્બો લઈ આવતી સાંજે છ વાગે ગામ પાછી પહોંચતી અને સાંજે ઘરે જઈ બાળકોના ટયૂશન લેતી હતી. તે ગુજરાતી માધ્યમમાં ભણતી હતી પણ સમસ્યા એવી હતી કે પ્રોફેસર્સ અંગ્રેજીમાં ભણાવતા હતા, પણ લક્ષ્મીને ભાષાની સમસ્યા નડી નહી તેની અન્ય સાથી વિદ્યાર્થીની દિવ્યા જે  હિન્દી ભાષી હતી તે કલાસની નોટનું હિન્દી કરી આપતી અને લક્ષ્મી હિન્દીનું ગુજરાતી ભાષાંતર કરી અભ્યાસ કરતી હતી અને લક્ષ્મીએ ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ પુર્ણ કર્યો. લક્ષ્મી કહે છે કે, માતા પિતાને શિક્ષણ સાથે ખાસ કોઈ સંબંધ નહી ઘરે ખેતી અને પશુપાલન તેમનો વ્યવસાય, ખાસ કરી તેની જ્ઞાતિની છોકરીઓ પીટીસી કરે અને શિક્ષક તરીકે નાની મોટી નોકરી કરે, પણ લક્ષ્મીની આંખે એક મોટુ સ્વપ્ન જોયુ લક્ષ્મીના પિતાએ તેના સ્વપ્નોને પાંખો આપવાનું કામ કર્યું અને લક્ષ્મી પત્રકાર થઈ ગઈ. લક્ષ્મીને પત્રકાર બનાવવામાં મહત્વની ભુમિકામાં ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા ડો. સોનલ પંડયાની પણ છે. ડો. સોનલ પંડયાનો અભીગમ કાયમ એવો રહ્યો છે કે ખાસ કરીને દલીત આદિવાસી અને વંચીત સમાજ સહિત મહિલાઓ પણ આ ક્ષેત્રમાં આગળ આવે.

- Advertisement -



પત્રકાર થયા પછી કામ તો અમદાવાદ જ કરવાનું હતું એક અખબારમાં નોકરી પણ મળી પણ હવે રહેવુ ક્યાં તે પ્રશ્ન હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લક્ષ્મીના એક માસીને કેન્ટીનનો કોન્ટ્રાકટ હતો. તેમણે લક્ષ્મીની રહેવાની જમવાની વ્યવસ્થા કરી પણ તેમણે પૈસા લેવાની ના પાડી એટલે લક્ષ્મી તેમને કેન્ટીનના કામમાં મદદ કરવા લાગી અને એક અખબારમાં પત્રકાર તરીકે નોકરીની શરૂઆત કરી. તેનું કામ અને તેનો જુસ્સો તેની ઓળખ બની ત્યાર પછી તેણે ટીવી ચેનલ અને અંગ્રેજી અખબારોમાં પણ કામ કર્યું. આજે તે એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ પોર્ટલ માટે કામ કરે છે. ગુજરાત અને દેશમાં અનેક મહિલા પત્રકારો છે, પણ તે બધા કરતા લક્ષ્મી અલગ એટલા માટે છે કે ગુજરાતના એક નાનકડા ગામડામાંથી વિકટ સ્થિતિઓ વચ્ચે તે અમદાવાદ આવી ભણી અને પત્રકાર થઈ, પણ તેના કરતા પણ મહત્વની બાબત એવી છે કે પત્રકારત્વના દસ વર્ષ પછી પણ તેને કોઈનો પણ પ્રશ્ન હોય તેને પોતાના પ્રશ્ન લાગે છે અને તેના માટે લડે-ઝઘડે છે. લક્ષ્મીને જ્યારે પણ મળવાનું થાય ત્યારે હારી ગયેલી બાજી ફરી જીતવાની તાકાત મળે છે.



Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular