17 વર્ષીય સગીરે નજીવી બાબતે સાગરિત સાથે મળી યુવકને છરાના ઉપરાછાપરી ઘા માર્યા
નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ઘરના ઓટલે બેસીને મોટીથી વાતો કરતા શખસોને ઠપકો આપનારા યુવકની અમદાવાદ શહેરમાં શનિવારની રાતે હત્યા કરી દેવાઈ છે. નજીવી બાબતનું વેર રાખીને શહેરના બહેરામપુરા વિસ્તારમાં યુવકની હત્યા કરાતા કાગડાપીઠ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચ દોડતી થઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે હત્યા કેસમાં સંડોવાયેલા એક સગીર સહિત બે શખસોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં આયોજનબદ્ધ રીતે હત્યાનું કાવતરૂં રચીને તેને અંજામ આપ્યો હોવાની વિગતો સામે આવી છે.
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં હિમેશ દિનેશભાઈ પરમાર નામનો યુવક પરિવાર સાથે રહેતો હતો. હિમેશ પરમારના ઘરના ઓટલા પર બેસીને કેટલાંક શખસો મોટે મોટેથી વાત કરતા હોવાથી યુવકે તેમને ઠપકો આપ્યો હતો. આ વાતનું વેર રાખીને કેટલાંક શખસોએ હિમેશ પરમારની હત્યા કરવા કાવતરૂં રચ્યું હતું. શનિવારે રાત્રિના સાડા આઠેક વાગે બહેરામપુરા હીરા લક્ષ્મી ફલેટની સામે હાજર હિમેશ પરમારને કેટલાંક શખસોએ આંતરી તેના પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તિક્ષણ હથિયાર વડે હિમેશની છાતીની વચ્ચે ઘા માર્યો હતો. છાતી ઉપરાંત હાથની આંગળીઓ, કલાઈ તેમજ પડખાના ભાગે ઘા મારતા હિમેશ જમીન પર ફસડાઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ હિમેશ પરમાર (ઉ.20)ને સારવાર અર્થે એલ.જી.હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન હિમેશે શ્વાસ છોડી દેતા કાગડાપીઠ પોલીસે અજાણ્યા શખસ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. સરા જાહેર હત્યાના બનાવના પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને હત્યા મામલે તપાસ આરંભી હતી.
ક્રાઈમ બ્રાંચની ટીમને ગૌતમ સોલંકી ઉર્ફે ઈન્ડો તેમજ એક 17 વર્ષીય સગીરની હત્યામાં સંડોવણીની જાણકારી મળતા બંનેને શોધી કઢાયા હતા. પકડાયેલા આરોપીઓ પાસેમાં સગીર મુખ્ય હુમલાખોર હોવાનું ક્રાઈમ બ્રાંચે જણાવ્યું છે. હિમેશની હત્યા કરવા માટે સગીર આરોપી સુરેન્દ્રનગરના ચોટીલા વિસ્તારમાંથી એક ખંજર/છરો ખરીદી લાવ્યો હતો. હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓને કાગડાપીઠ પોલીસને સોંપવામાં આવ્યા છે. કાગડાપીઠ પોલીસ હત્યામાં વપરાયેલા હથિયાર તેમજ અન્ય શખસોની સંડોવણી અંગે તપાસ આરંભી છે.








