Tuesday, May 26, 2026
HomeGujaratવડોદરામાં લોકોએ જોયું 'લાઈવ મોત': 3 મિનિટ સુધી બિલ્ડિંગની પાળીએ લટકી રહેલો...

વડોદરામાં લોકોએ જોયું ‘લાઈવ મોત’: 3 મિનિટ સુધી બિલ્ડિંગની પાળીએ લટકી રહેલો યુવક નીચે પટકાયો! પરિવારના ગંભીર આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં એક કાળજા કંપાવી દેતી ઘટના સામે આવી છે. સમા વિસ્તારમાં આવેલા ‘અગોરા સિટી સેન્ટર’ના બીજા માળેથી પટકાતા એક 35 વર્ષીય યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. જોકે, મોત પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને રુંવાડા ઉભા થઈ જાય તેમ છે. આ વીડિયોમાં યુવક જીવન અને મરણ વચ્ચે 3 મિનિટ સુધી જંગ લડતો જોવા મળે છે. ઉપર ઉભેલો એક વ્યક્તિ તેને બચાવવા હાથ પકડી રાખે છે, પણ આખરે પકડ છૂટી જતાં યુવક મોતના મુખમાં ધકેલાઈ જાય છે. (Video અત્યંત હચમચાવી દેનારો હોઈ અહીં દર્શાવી રહ્યા નથી.)

CCTVમાં શું દેખાયું?
વાયરલ થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે, અગોરા સિટી સેન્ટરની ઊંચી દીવાલ પર એક યુવક લટકી રહ્યો છે. નીચે લોકોનું ટોળું બૂમાબૂમ કરી રહ્યું છે. ઉપર ઊભેલો એક વ્યક્તિ (સિક્યુરિટી/બાઉન્સર) યુવકનો હાથ પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કરે છે. અંદાજે 3 મિનિટ સુધી આ સંઘર્ષ ચાલે છે. નીચે ઉભેલા લોકો લાચાર બનીને જોઈ રહે છે. અચાનક હાથ છૂટી જાય છે અને યુવક ધડામ કરતા જમીન પર પટકાય છે. લોકોની ચીસો સાથે ત્યાં નાસભાગ મચી જાય છે.

- Advertisement -

મૃતક પોલીસ વિભાગમાં હોમગાર્ડ હતો
મૃતકની ઓળખ નવી નગરી, સમા વિસ્તારમાં રહેતા હિતેન્દ્ર પરમાર (35 વર્ષ) તરીકે થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે મૃતક સમા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. અગાઉ તેણે આ જ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રિશિયન તરીકે પણ કામ કર્યું હતું.

પોલીસની થીયરી: ચોરી કરવા ગયો હતો?
ડીસીપી એન્ડ્રુ મેકવાને એક મીડિયાને જણાવ્યું હતું કે, આ સાઈટ પર અગાઉ વાયરોની ચોરી થતી હોવાથી સિક્યુરિટી રાખવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં શંકા છે કે હિતેન્દ્ર ચોરીના ઈરાદાથી ત્યાં ગયો હોઈ શકે. સિક્યુરિટી જોઈને તે ગભરાઈને ભાગવા ગયો અને દીવાલ પર લટકી ગયો. સિક્યુરિટી ગાર્ડે તેને બચાવવા હાથ પકડ્યો હતો, પરંતુ વજનને કારણે અથવા પકડ છૂટી જતાં તે નીચે પટકાયો હતો.

પરિવારનો આક્ષેપ: ‘ચોરી નહીં, પૈસાની ઉઘરાણી હતી’
બીજી તરફ, મૃતકના ભાઈ અજીતસિંહે પોલીસની થીયરીને નકારી કાઢી છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા મીડિયાને કહ્યું કે, “મારો ભાઈ કોન્ટ્રાક્ટર પાસે કામના બાકી નીકળતા પૈસા લેવા ગયો હતો. અમને જે વીડિયો બતાવ્યો છે તેમાં દેખાય છે કે એક બાઉન્સરે મારા ભાઈને પકડી રાખ્યો છે. ભાઈ ઉપર ચડવાનો પ્રયત્ન કરતો હતો, પણ પેલા વ્યક્તિએ જાણી જોઈને હાથ છોડી દીધો હોય તેવું લાગે છે. મારા ભાઈને નાના બાળકો છે, અમને ન્યાય મળવો જોઈએ.”

- Advertisement -

હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખસેડ્યો છે અને પરિવારના આક્ષેપો તથા CCTV ફૂટેજના આધારે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular