Nepal GEN-G આંદોલન દરમિયાન જેલ તોડી અમદાવાદ આવેલા ડ્ર્ગ્સ કેસના આરોપીને SOG એ પકડ્યો હતો
નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ભારતના વિદેશ મંત્રાલયના તાબામાં આવતા સશસ્ત્ર સીમા બળના ડીજી (DG SSB)એ ગુજરાત પોલીસનું સન્માન કરવાની જાહેરાત કરી છે. Director General SSB એ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી, ડીસીપી એસઓજી, પીએસઆઈ તેમજ 5 પોલીસ કર્મચારીને ડીજી સિલ્વર ડિસ્ક, કૉમેન્ડેશન સર્ટિ અને રોલ આગામી સમયમાં એનાયત કરશે. અત્રે નોંધનીય છે કે, દેશના ઇતિહાસમાં સશસ્ત્ર સીમા બળે પ્રથમ કોઈ રાજ્ય પોલીસને બિરાદાવી હોય તો તે છે Gujarat Police.
Nepal થી ભાગી આવેલા આરોપીને SOGએ પકડ્યો
નેપાળમાં થયેલા GEN-G Protest દરમિયાન જેલ તોડીને સંખ્યાબંધ કેદીઓ ફરાર થઈ ગયા હતા. જેમાં ડ્ર્ગ્સ સિન્ડીકેટનો પણ એક આરોપી હતો. જુલાઈ-2025માં કાઠમાંડુ એરપોર્ટ પર બેંગકૉકથી 13 કિલો હાઈબ્રીડ ગાંજો લઈને ધર્મેશ રસિકલાલ ચુનારા (રહે. ઠક્કરબાપાનગર, અમદાવાદ) આવતા ઝડપાઈ ગયો હતો. જુલાઈમાં તેની ધરપકડ કરાઈ ત્યારથી તે નેપાળની જેલમાં કેદ હતો. અમદાવાદ એસઓજીના પીએસઆઈ જે.બી.દેસાઈ (PSI J B Desai)ને ધર્મેશ ચુનારા અમદાવાદમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. જેના આધારે તેને ગત જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં શોધી કાઢી ઝડપી લેવાયો હતો.
SOGએ આરોપીને નેપાળ બૉર્ડર પર SSBને સોંપ્યો
ધર્મેશ ચુનારાને અટકમાં લીધા બાદ Ahmedabad SOG Team ભારત-નેપાળ બૉર્ડર પર પહોંચી હતી. જાન્યુઆરી મહિનાના અંતમાં ડ્રગ્સ રેકેટના આરોપીને સશસ્ત્ર સીમા બળને સોંપ્યો હતો. ત્યારબાદ સશસ્ત્ર સીમા દળે આરોપીને નેપાળ તંત્રને હવાલે કર્યો હતો.
કોનું-કોનું કરાશે સન્માન ?
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ, એસઓજી ડીસીપી રાહુલ ત્રિપાઠી અને પીએસઆઈ જે.બી.દેસાઈને ડીજી સિલ્વર ડિસ્ક અને કૉમેન્ડેશન સર્ટિફિકેટ અપાશે. જ્યારે એસઓજીના એએસઆઈ મહેન્દ્રસિંહ મંગળસિંહ, હે.કૉ. મુકેશભાઈ કાનાભાઈ, વિજેન્દ્ર ભંવરલાલ અને કૉન્સ્ટેબલ રાહુલસિંહ જીલુસિંહ તથા જયપાલસિંહ દશરથસિંહને ડીજી કૉમેન્ડેશન રોલ એનાયત થશે.








