નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ
આદરણીય મુખ્યમંત્રીજી,
આપ એક આધ્યાત્મિક માણસ છો અને ઈશ્વરમાં ભરોસો રાખનાર છો. તમારી આધ્યાત્મિકતા અને ઈશ્વર પરના વિશ્વાસના કારણે જ તમારું મુખ્યમંત્રી થવું તેને તમે ઈશ્વરનો એક ચમત્કાર અને આશિર્વાદ સમજો છો, તેની મને ખબર છે. મુખ્યમંત્રી થવું તેનું તમને અભિમાન પણ નથી અને મુખ્યમંત્રી પદ પરથી ઉતરી જવું તેનો તમને રંજ પણ નહીં હોય તેની પણ મને ખબર છે. આવો ભાવ બહુ ઓછા રાજકારણીઓમાં હોય છે. ઈશ્વરની અસીમ કૃપા વગર આ પ્રકારનું જીવન શક્ય નથી. તમારા નજીકના લોકો તમારા આ જ સ્વભાવને કારણે તમને દાદા કહીને સંબોધે છે, દાદા ભગવાન ઉપર તમને અગાધ શ્રદ્ધા છે. દાદા ભગવાનની કૃપા તમારી ઉપર સદેવ બની રહે તેવી પ્રાર્થના છે.
હવે મૂળ વાત પર આવું, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, ગુજરાતના જનજનના જીવનમાં સારું બને તેવી તમારી પ્રાથના અને પ્રયત્નો છે તેમાં કોઈ શંકા નથી પરંતુ તમારી એક દીકરી નિલમ મકવાણા અમદાવાદ સિવિલ હોસ્પિટલના જી 12 વોર્ડમાં છે. તે આમરણાંત ઉપવાસ પર છે. નિલમ તમારી દીકરી જ છે કારણ કે તમે રાજ્યના પિતાની ભૂમિકામાં છો. નિલમની જીદ્દ સાચી છે કે ખોટી તે મુદ્દે હું ચર્ચા કરતો નથી પરંતુ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી નિલમ ગુજરાતના 1 લાખ પોલીસ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ગ્રેડ-પેનો જે મુદ્દો છે તે મુદ્દે નિલમની ધરપકડ કરવામાં આવી છે. તમારું કોઈ સંતાન પોતાના અધિકારની વાત કરે અને તેને ગુનો સમજી લેવામાં આવે તે કેટલું વાજબી છે તે અંગે એક વખત વિચાર કરવાની જરુર છે.
સંભવ છે કે બાળકની માગણી અને માગણીની અભિવ્યક્તિ ખોટી હોઈ શકે છે, પણ એ બાળકને જેલમાં ધકેલી દેવાની ક્રુરતા પણ અંતિમવાદી નિર્ણય છે. કદાચ તમારા સંતાનો કરતાં પણ કોન્સ્ટેબલ નિલમ મકવાણાની ઉંમર નાની છે એટલે જ હું નિલમને તમારી દીકરી તરીકે ઓળખાવું છું. નિલમની અભિવ્યક્તિનો દોષ હોઈ શકે પણ તેની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દેવાની વાત એટલા માટે યોગ્ય નથી કારણ નિલમ ગુજરાત પોલીસના 1 લાખ કર્મચારીઓનો અવાજ છે. એક કલાક વીજળી ન આવે તો આપણે તાપ સહન કરી શકતા નથી, ગુજરાત પોલીસના 1 લાખ પોલીસ જવાનો તાપ તો ઠીક વરસાદ અને ઠંડી જોયા વગર રોજના 15 કલાક સરેરાશ રસ્તા પર ફરજ બજાવે છે. આ વાત તમને સમજાવવાની જોકે જરૂર નથી, કારણ કે તમે તો ઈશ્વરમાં ભરોસો કરનાર એક સંવેદનશીલ માણસ છો.
તમારી દીકરી નિલમ છેલ્લા 8 દિવસથી આમણાંત ઉપવાસ પર છે. નિલમની ઘટનાને રાજકીય રીતે મુલવવાની જરૂર નથી, તેને ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે કોઈ નિસબત નથી. એક પોલીસ તરીકે માણસ હોવાનો અધિકાર માગી રહી છે. સંભવ છે કે આપણું સંતાન આપણી સાથે જીદ્દ કરે ત્યારે તેની જીદ્દને પોષવામાં આપણી કેટલીક મર્યાદાઓ પણ હોય, પણ આપણી મર્યાદાઓ આપણા સંતાનને સમજાવવાની અને તેની સાથે સંવાદ કરવાની તૈયારી પણ આપણી હોવી જોઈએ. મુખ્યમંત્રી હોવાની સાથે આપ રાજ્યના ગૃહમંત્રી પણ છો, ગુજરાતને સલામત રાખવાની જવાબદારી સંભાળતા તમારા સંતાનો સાથે સંવેદનશીલ અને સંવાદ કરવો એક પિતા તરીકે તમારી ફરજ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રહેલી નિલમ મકવાણાએ આમરણાંત ઉપવાસ દરમિયાન કાંઈક અઘટીત થાય તો ઓર્ગન ડોનેશન કરવાનો પ્રસ્તાવ પણ હોસ્પિટલ સત્તાવાળાઓ સમક્ષ કર્યો છે. આખી ઘટનાને એક પિતાના નજરથી વિચાર કરજો, જો તમારું કોઈ સંતાન મૃત્યુ પછીની આ પ્રકારની ઈચ્છા વ્યક્ત કરે તો એક પિતાને કેટલી પીડા થાય. નિલમને તમારી દીકરી જ માનજો અને પછી આખી ઘટનાનું મુલ્યાંકન કરશો તો કદાચ તમને, મને અને ગુજરાત પોલીસના અધિકારીઓને તેનો ઉત્તર મળશે.
તમારો દર્શનાભિલાષી
પ્રશાંત દયાળ
![]() |
![]() |
![]() |











