નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : રાજ્યની લગભગ તમામ કલેક્ટર કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર (Corruption in Collector Offices) થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલ (Rajendra Patel Collector) સહિતના અધિકારીઓ NA કૌભાંડમાં જેલના સળિયા ગણી રહ્યાં છે. આમ છતાં કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચાર પર જરા સરખી પણ બ્રેક વાગી નથી. ગાંધીનગર કલેક્ટર કચેરી (Gandhinagar Collector Office) ના નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળાને રૂપિયા 4.50 લાખની લાંચ લેતા ACB Gujarat ની ટીમે રંગે હાથ ઝડપી લીધાં છે. અત્રે નોંધનીય છે કે, નાયબ મામલતદાર બિપીન ખેમચંદ પરમાર લાંચ લેવા માટે કલોલ ઈલેક્શન ડ્યૂટી (Kalol Election Duty) છોડીને ગાંધીનગર કોર્ટ પાસે દોડી આવ્યા હતા.
ગાંધીનગરમાં 200 વારના પ્લૉટનો વેચાણ દસ્તાવેજ કર્યા બાદ પ્રૉપર્ટી કાર્ડ કઢાવવા માટે અરજદારે અરજી કરી હતી. કલેક્ટર કચેરીના જમીન ફાળવણી વિભાગના નાયબ મામલતદાર બિપીન પરમારે (Deputy Mamlatdar Bipin Parmar) અરજીનો હકારાત્મક અભિપ્રાય આપવા પેટે નિવૃત્ત સરકારી પટાવાળા દિનેશ વાળંદ થકી શરૂઆતમાં 21 લાખની લાંચ માગી હતી. રકઝકના અંતે 9.50 લાખ નક્કી થતાં તેના પ્રથમ હપ્તા પેટે 4.50 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં બિપીન પરમાર અને દિનેશ વાળંદને Team ACB એ ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસેથી ઝડપી લીધા હતા. આ મામલે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશન (Gandhinagar ACB Police Station) માં ગુનો નોંધવામાં આવ્યો છે.








