Saturday, June 3, 2023
HomeGeneralઅરે ભાઈ તારી જય-વીરૂની સ્ટોરી સાંભળવી નથી સલીમ અત્યારે શું કરે છે...

અરે ભાઈ તારી જય-વીરૂની સ્ટોરી સાંભળવી નથી સલીમ અત્યારે શું કરે છે તે બોલઃ PSIએ કહ્યું

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-8): પીએસઆઈ ચૌધરીએ ગોપાલની આંખોમાં જોયું, ગોપાલે કહ્યું તેનું નામ સલીમ લાકડાવાલા, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહે છે, મારો જુનો મિત્ર અને ભલો માણસ, ચૌધરની ભવરો થોડી ટાઈટ થઈ, ચૌધરીને ગોપાલે તે ભલો માણસ કહ્યું તે પસંદ પડ્યું નહીં, ગોપાલે પોતાની સમજ પ્રમાણે સ્પષ્ટતા કરતા કહ્યું સાહેબ તે મુસ્લિમ છે, પણ તે મારી સાથે જ નહીં બધા સાથે સારો વ્યવહાર કરે છે. મેં પાલનપુર આવવાનો નિર્ણય કર્યો ત્યારે સલીમ નારાજ હતો. તેણે મને કહ્યું અરે અમદાવાદ છોડી ક્યાં નાના શહેરમાં જાય છે. તેણે મને બહુ સમજાવ્યો કે મારે અમદાવાદ છોડવું જોઈએ નહીં, પણ નીશીનો આગ્રહ હતો એટલે મારે પાલનપુર આવવાનું નક્કી હતું. સલીમ ગુસ્સે પણ થયો તેણે મને બૈરીનો ગુલામ તેવું પણ કહ્યું હતું. ચૌધરીએ ગોપાલને વચ્ચે અટકાવતા કહ્યું અરે ભાઈ તારી જય-વિરૂની સ્ટોરી સાંભળવી નથી સલીમ અત્યારે શું કરે છે તે બોલ. ગોપાલ શાંત થઈ ગયો ફરી વખત તેને લાગ્યું કે સલીમનું નામ બોલી તેણે કયાંક ભુલ તો કરી નથીને.. ચૌધરી તેની સામે જોઈ રહ્યા હતા, તેમણે હવે સત્તાવાહી અવાજમાં પૂછ્યું સલીમ શું કરે છે. ગોપાલે સંકોચ સાથે કહ્યું સાહેબ દારૂનો ધંધો કરે છે, ચૌધરીની આંખો ઝીણી થઈ દારૂનો ધંધો..! દારૂનો ધંધો કરનાર ભલો માણસ છે? ગોપાલે કહ્યું ધંધો ભલે બે નંબરનો કરે પણ માણસ તરીકે સો ટચનું છે. ચૌધરી કંઈક વિચાર કરવા લાગ્યા તેમણે પુછ્યું સલીમ દારૂનો ધંધો કરે છે તો તારી બનાવટી કરન્સીના ધંધામાં કેવી રીતે આવ્યો. વાકય સાંભળતા જ ગોપાલે કહ્યું ના સાહેબ સલીમ આ ધંધામાં નથી તે તો દારૂનો ધંધો જ કરે છે. ચૌધરી કન્ફયુઝ થઈ ગયા તેમને સમજાતું જ ન્હોતું કે સલીમ દારૂનો ધંધો કરે છે કે ફેક કરન્સીનો, ચૌધરીનો પનારો દિવસમાં આવા દસ ગોપાલો સાથે પડતો હતો જેના કારણે મગજ ગરમ જ રહેતું હતું, તે એકદમ ઉભા થયા અને ચેમ્બરના ખૂણામાં પડેલી લાઠી ઉપાડી અપશબ્દ કહી ગોપાલને મારવા ધસી ગયા. ગોપાલ ચૌધરી સાહેબનું આ સ્વરૂપ જોઈ ડરી ગયો, તેણે ના સાહેબ કહી ચીસ પાડી. પોતાની તરફ આવી રહેલી લાઠી પકડી લીધી. ગોપાલની બુમ સાંભળી પેલા પોલીસ દાદા એકદમ અંદર દોડી આવ્યા.



દાદાને જોતા ચૌધરીએ કહ્યું દાદા તમે કહેતા કે છોકરા સારો છે પણ આ તો મને મુર્ખો સમજે છે. દાદાએ ગોપાલ સામે જોયું ગોપાલની આંખમાંથી ડરને કારણે આંસુ ધસી આવ્યા હતા. દાદા સમજી ગયા તેમણે ચૌધરી સાહેબના હાથમાં રહેલી લાઠી લઈ લીધી અને કહ્યું સાહેબ તમારું બીપી શું કામ વધારો છો હું વાત કરી લઉ છું તમે બેસો. ચૌધરી પોતાની ખુરશી ઉપર જઈ બેઠા દાદા એક વખત સાહેબ સામે બીજી વખત ગોપાલ સામે જોયું. ચૌધરીએ થોડી નારાજગી સાથે કહ્યું દાદા તેની સાથે એક સલીમ પણ આ ધંધામાં છે હું તેને સલીમ માટે પૂછી રહ્યો છું તે મને ગોળ ગોળ ફેરવે છે. ગોપાલે ડરતા ડરતા માથું હલાવી દાદાને કહેવાનો પ્રયત્ન કર્યો કે ના દાદા હું ગોળ ગોળ નથી બોલતો. દાદા હજી ઉભા હતા તેમની નોકરી ચૌધરી સાહેબ કરતા વધારે હતી પણ ચૌધરી સાહેબ પીએસઆઈ હતા અને દાદા જમાદાર એટલે સાહેબનો આદેશ થાય નહીં ત્યાં સુધી ખુરશીમાં બેસી શકાય નહીં, પણ ચૌધરી પોતાના જુના પોલીસવાળાના કૌવતને જાણતા હતા અને તેમની કદર પણ કરતા હતા.



તેમણે દાદાને ખુરશી તરફ ઈશારો કરી બેસવાનું કહ્યું દાદાએ પીએસઆઈના ટેબલ સામે રહેલી ખુરશી ગોપાલનો ચહેરો જોઈ શકાય તેવી રીતે ખુરશી ગોઠવી અને બેસતા કહ્યું બેટા બોલ સલીમનો શું રોલ છે. ગોપાલને પોલીસ સ્ટેશનમાં લાવ્યાને હજી બે દિવસ જ થયા હતા, પણ ગોપાલને લાગી રહ્યું હતું તે મહિનાઓથી અહીંયા છે પણ જ્યારે દાદાએ તેને બેટા કહ્યું ત્યારે ગોપાલને લાગ્યું કે તેના પપ્પા જ તેની સાથે વાત કરી રહ્યા છે. ગોપાલ થોડો ભાવુક થઈ ગયો, પણ દાદાનો પ્રશ્ન ગોપાલ સારી રીતે સમજી ગયો, તેણે દાદાને કહ્યું સાહેબ આમ જુવો તો તેનો ખાસ રોલ નથી પણ જ્યારે મારી દુકાન બરાબર ચાલી રહી નથી તેવી ખબર સલીમને પડી ત્યારે તે મને મળવા બે મહિના પહેલા પાલનપુર આવ્યો હતો, તેણે મને કહ્યું ભાઈ આમ કઈ પૈસા મળે નહીં, તેણે મને કહ્યું કે ચલ મેરે દારૂ કે ધંધેમાં આ જા, હોમ ડીલીવરી કા કામ અચ્છા હૈ.



ગોપાલને દાદા ઉપર ભરોસો હતો એટલે એક ક્ષણ શ્વાસ લેવા માટે રોકાઈ કહ્યું સાહેબ ખોટું નહીં બોલું અમદાવાદ રહેતો હતો ત્યારે સલીમના ગ્રાહકને બોટલ આપવા હું પાંચ-સાત વખત ગયો પણ હતો. સલીમે મને તેના પૈસા પણ આપ્યા હતા, પણ સાચું કહું મને પોલીસનો ખુબ ડર લાગે એટલે મેં તેને દારૂનો ધંધો કરવાની ના પાડી હતી. સલીમ મને મળવા મારી દુકાને આવ્યો હતો. તેનું મગજ એટલે શેતાનનું કારખાનું તેણે મારી દુકાનમાં રહેલા પ્રીન્ટર સામે જોતા પુછ્યું આ શું છે, મેં કહ્યું પ્રિન્ટર છે. સલીમ એકદમ કૂદી પડ્યો અને મને કહ્યું મુર્ખ તારી પાસે નોટો છાપવાનું મશીન છે તું મૂર્ખ જેમ પૈસા માટે વલખા મારે છે. સાહેબ મને તેની કોઈ વાત સમજાઈ નહીં તેણે મને કહ્યું તારું નસીબ બદલાઈ જશે અને હું તેની વાતમાં આવી ગયો તેણે મને પૈસાદાર થવાનું સ્વપ્ન બતાવ્યું હતું. હું કરન્સી છાપવા માટે તૈયાર થયો, મને કઈ જ આવડતું ન્હોતું. સલીમ ક્યારેય સ્કૂલ ગયો નથી પણ કોમ્પ્યુટરનો એક્સપર્ટ છે. તેણે મને ગુગલમાં કઈ રીતે પ્રીન્ટર ઉપર નોટ છાપી શકાય તેના વીડિયો બતાડયા મને લાગ્યું કે આ તો બહુ સહેલુ છે. આખી વાત ચુપચાપ સાંભળી રહેલા ચૌધરીએ અચાનક ગોપાલને પુછ્યું તું પકડાઈ ગયો છે તેની સલીમને ખબર છે? ગોપાલે વિચાર કર્યો અને કહ્યું કદાચ ખબર નહીં હોય, ચૌધરીએ દાદા સામે જોયું દાદા સમજી ગયા એકદમ ઉભા થઈ ચેમ્બરની બહાર ગયા, ચેમ્બરમાં ચૌધરી અને ગોપાલ જ હતા, દાદા તરત પાછા આવ્યા. તેમના હાથમાં ગોપાલનો પીએસઓ પાસે જમા કરાવેલો ફોન હતો. તેમણે ફોન ઓન કર્યો અને ગોપાલ તરફ ફોન મુકતા કહ્યું સલીમને ફોન લગાવ. સ્પીકર ઓન રાખજે, તેને શંકા થાય નહીં કે તું પોલીસ સ્ટેશનમાં છે તેને મળવા બોલાવ. દાદાએ ચૌધરી સામે જોયું ચૌધરીના ચહેરા ઉપર એક સ્મિત હતું.

- Advertisement -



ગોપાલે ફોન ડાયલ કર્યો ફોન સ્પીકર ઉપર હોવાને કારણે ચેમ્બરમાં બધા રિંગ સાંભળી શકતા હતા, થોડીક રિંગ પછી સલીમે ફોન ઉપાડી પુછ્યું બોલ મેરે ભાઈ બહુત દિનો કે બાદ યાદ કીયા. ગોપાલે દાદા અને ચૌધરી સામે એક નજર કરતા કહ્યું અરે સલીમડે તું પણ મને ક્યાં યાદ કરે.. સલીમે ઉત્તર આપ્યો અરે ભાઈ અમદાવાદના પોલીસવાળાની તો ખબર છે સાલા હપ્તાખાઉ, સલીમ પોલીસને ભાંડી રહ્યો હતો, ગોપાલને થયું કે ફોન કાપી નાખે પણ તેવું તે કરી શકે તેમ નહોતો સલીમે કહ્યું અરે ગયા મહિને દરિયાપુરનો વહીવટદાર હપ્તો લઈ અને ચોકીવાળાએ મારી ઉપર કેસ કરી દીધો, સલીમ સતત બોલ્યા કરતો હતો. ચૌધરીએ ગોપાલને ઈશારામાં કહ્યું તેને પાલનપુર બોલાવ, ગોપાલે તેની વાત કાપતા કહ્યું અરે સલીમ પેલા પ્રિન્ટરમાં કંઈક ગરબડ છે અડધી જ નોટ પ્રિન્ટ થાય છે. સલીમ જાણે કંપનીનો એન્જિનિયર હોય તેમ કહ્યું કોઈ ચિંતા નહીં આવતીકાલે મારે અજમેર શરીફ જવાનું છે તો પહેલા તારે ત્યાં આવી પછી અજમેર જઈશ. દાદાએ ગોપાલ પાસેથી ફોન લીધો અને તરત કટ કરી નાખ્યો દાદા અને ચૌધરીના ચહેરા ઉપર એક લુચ્ચું સ્મિત હતું, પણ પોલીસનું કામ જ કંઈક આવું હોય છે.



(ક્રમશઃ)

PART 7 : ગોપાલે સાચુ બોલવાનું નક્કી કર્યુ અને પોલીસ સામે એક નવુ નામ આવ્યુ, સલીમ. PSI ચૌધરીએ તેનો નંબર નોંધ્યો


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular