નવજીવન ન્યૂઝ.કચ્છ : ભુજનાં ક્રાઈમ અગેઈન્સ્ટ વિમેન્સ સેલના સસ્પેન્ડેડ મહિલા PSI અર્ચના મુકેશ રાવલ સામે ભુજના બી ડિવિઝન પોલીસ મથકમાં તોડપાણી અંગેની ગંભીર કલમો તળે બે વર્ષ પહેલા ગુન્હો દાખલ થયો હતો. મહિલા પોલીસ અધિકારી સામેના આ ગંભીર ગુનામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન અંગેની અરજીને ફગાવી દેવામાં આવી છે. બે વર્ષથી કાયદાકીય જોગવાઈનોનો લાભ મેળવીને ધરપકડથી ભાગી રહેલી મહિલા સબ ઇન્સ્પેક્ટર સામે તેમનો ડિપાર્ટમેન્ટ કેવી કાર્યવાહી કરે છે તે અત્યાર સુધી તો જોયું જ હશે હવે આગળ પણ જોવાનું રહ્યું.
બે વર્ષ પહેલા કોરોનાકાળ દરમિયાન ભુજમાં યુનિવર્સિટી રોડ પર કારમાં સવાર યુવકને ગાંજાના કેસમાં ફીટ કરવાની ધમકી આપી ૫૦ હજારમાં તોડ કરવાનો કારસો રચવામાં આવ્યો હતો. જેમાં ૩૦ હજાર પડાવવાના ગુનામાં મહિલા PSI અર્ચના રાવલ, ડ્રાઈવર હરી પી. ગઢવી અને એક મહિલા કોન્સ્ટેબલ વિરુધ્ધ ભુજ B ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો. જેમાં હરીની ધરપકડ કરાઈ હતી અને પૂછપરછમાં તેણે ૧૫ હજાર રૂપિયા મહિલા PSI રાવલને આપ્યાં હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ફરિયાદમાં રાવલનું નામ ઉમેરવા સાથે આ ગુનામાં ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ ૭, ૧૨, ૧૩ (૧) (a)નો ઉમેરો કર્યો હતો.
મામલો ગંભીર હોવાની સાથે સાથે ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા અને માધાપરમાં બાઈક શૉ રૂમના મેનેજર તરીકે કામ કરતાં ૨૪ વર્ષિય રોહન રામદાસ નીપાણીકર (મરાઠી)એ આ અંગે તારીખ ૦૪-૦૩-૨૦૨૦ના રોજ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં આઈપીસી ૩૮૪ ૨૯૪ (b) ૫૦૬ (૧), ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેને પશ્ચિમ કચ્છનાં તત્કાલીન એસપી સૌરભ તોલંબિયાએ ખૂબ જ ગંભીરતાથી લઇને તપાસ ભુજ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જયેશ પંચાલને સોંપી હતી.
મામલો પોલીસ કર્મચારીનો હતો, કાર્યવાહી થાય તે પહેલા અન્ય કેસમાં થાય છે તેમ મહિલા સબ ઇન્સ્પેક્ટર અર્ચનાએ ભુજની સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જેને કોર્ટે નામંજૂર કરી દીધી હતી. હાઈકૉર્ટમાં જ્યારે મામલો ગયો ત્યારે જજ ઈલેશ જે. વોરાએ બંને પક્ષની દલીલો, ફરિયાદ અને તપાસની વિગતો જાણીને આગોતરા ફગાવી દેતાં જણાવ્યું હતું કે ગુનામાં મહિલા PSIની પ્રથમદર્શનીય સંડોવણી હોવાનું પુરવાર થાય છે. તેમણે હરી ગઢવીને ક્યાંય અટકાવ્યો નથી. ઘટનાસ્થળે તેમની હાજરી હતી અને તેમણે ૧૫ હજાર રૂપિયા મેળવ્યાં હતા. શેષ ૨૦ હજાર રૂપિયા ના મળે તો ફરિયાદી રોહનને માદક દ્રવ્યના ખોટા ગુનામાં ફીટ કરી દેવાનો નિર્દેશ આપ્યો હતો. PSIની ફરજ હતી કે ફરિયાદી હેરાન ના થાય અને જો તેની પાસે ગાંજો હતો તો તેની વિરુધ્ધ ફરિયાદ દાખલ થાય. હરી ગઢવીએ રચેલાં સમગ્ર ષડયંત્રનો PSI એક ભાગ હતા.
ભુજની કોર્ટ દ્વારા આગોતરા જામીન ના-મંજુર કરવા અને હાઇકોર્ટમાં અપીલ કરવા વચ્ચે એકાદ મહિનાનો સમય હતો. પરંતુ પોલીસની ઢીલી કાર્યવાહી થઈ અને મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટ દ્વારા વચગાળાની રાહત આપવામાં આવી હતી. હવે બે વર્ષ જેટલા સમય પછી હાઇકોર્ટ દ્વારા આ કેસમાં ગંભીર અવલોકન કરીને મહિલા પીએસઆઇ અર્ચનાની આગોતરા જામીનની અરજીને ફગાવી દેવામાં આવી છે. હવે પ્રશ્ન એ છે કે, અબ્દુલ બજાણીયાની જેમ આ કેસમાં પણ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
શુ હતી સમગ્ર ઘટના
રોહન નામનો ભુજનો યુવાન તેના ત્રણ મિત્રો સાથે કારમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હતો ત્યારે કચ્છ યુનિવર્સિટી રોડ પર પોલીસની જીપે તેમને અટકાવી જીપના ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ હરી ગઢવીએ કારની તલાશી લીધી હતી. તલાશી સમયે ડ્રાઈવર સીટ નીચેથી કથિતપણે ગાંજાની પડીકી મળી આવી હતી. ત્યારબાદ હરી ગઢવીએ તેને ગાંજાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તોડ માટે એક લાખ રૂપિયા માંગ્યા હતા. રકઝક બાદ ૫૦ હજાર નક્કી થયાં હતા. રોહને મિત્રો પાસેથી ૩૦ હજારની વ્યવસ્થા કરી નાણાં હરી ગઢવીને આપેલાં. બાકીના ૨૦ હજાર બીજા દિવસે બપોર સુધીમાં આપી દેવા નક્કી થયેલું. ૩૦ હજાર પૈકી ૧૫ હજાર માટે હરી ગઢવી યુવકોને પોલીસ જીપમાં બેસાડી જ્યુબિલી સર્કલ પાસે આવેલા એટીએમ ખાતે લઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બાકીના ૧૫ હજાર રૂપિયા ગૂગલ પે મારફતે મેળવ્યાં હતા.
તપાસ ભુજના DySP જયેશ પંચાલ પાસે…
મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ચકચારી મામલાથી લઈને અબ્દુલ બજાણીયા જેવા મહા ઠગના કેસ, નિખિલ ડોંગા કેસમાં તબીબની તપાસ ઉપરાંત જયંતિ ભાનુશાલી મર્ડર કેસમાં અગત્યના દસ્તાવેજો અંગે ખાતાકીય તપાસનો સામનો કરી ચૂકેલા ભુજનાં ડેપ્યુટી એસપી જયેશ એન.પંચાલ પાસે પીએસઆઇ અર્ચનના કેસની તપાસ છે. પશ્ચિમ કચ્છના એસપી સૌરાભસિંગની પ્રામાણિકતા અને કડકાઈ સામે લેશમાત્ર શંકા નથી, પરંતુ અન્ય કેસની જેમ આ કેસમાં પણ પડદા પાછળ કઈંક ખેલ પાડી દેવામાં આવે તો નવાઈ નહીં.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












