Friday, May 1, 2026
HomeGeneralકારણ કે આપણા 'પ્રધાનસેવક મોદીજી' અમદાવાદ આવે છે: રાતોરાત વૃક્ષ કપાયા, ઝૂંપડા-લારીઓ...

કારણ કે આપણા ‘પ્રધાનસેવક મોદીજી’ અમદાવાદ આવે છે: રાતોરાત વૃક્ષ કપાયા, ઝૂંપડા-લારીઓ હટ્યા, રોડ નવા બન્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ઉત્તરપ્રદેશની ચૂંટણીઓની વ્યસ્તતા બાદ હવે જ્યારે ચૂંટણીઓમાંથી થોડી નિરાંત મળી છે ત્યારે આપણાં પ્રધાન સેવક નરેન્દ્ર મોદી અમદાવાદના પ્રવાશે આવવાના છે. અમદાવાદમાં ઘણા સમય બાદ નરેન્દ્ર મોદી આવવાના છે ત્યારે તેમના સ્વાગતમાં અમદાવાદ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના માટે મોટા ભાગના અધિકારીઓ અને કર્મચારીઓને દોડતા કરી દેવામાં આવ્યા છે. જો કે સામાન્ય દિવસોમાં અમદાવાદીઓ માટે તંત્ર આટલી મહેનત કરતું નથી પણ અહિયાં તો દેશના વડાપ્રધાન આવી રહ્યા છે તો શહેરને શણગારવું તો પડે જ ને! ક્યાંક સાહેબ જોઈને ખખડાવી ન નાખે! અથવા સાહેબના ફોટોઝ ખરાબ આવે તો! આવી ઘણી હળવી ટીખળો હાલ થયેલા શણગાર પછી સાંભળવા મળી રહી છે.



અમદાવાદમાં નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચના રોજ મુલાકાત લઈ રહ્યા છે. જેમાં શુક્રવારે પ્રધાનસેવક નરેન્દ્ર મોદી અમદાવાદના જીએમડીસી મેદાનમાં એક સરપંચ સંમેલનને સંબોધિત કરશે. તેમની આ મુલાકાત ભાજપના વૈચારિક માર્ગદર્શક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધી સભાની બેઠકની શરૂઆત સાથે જ થશે જે આ વખતે અમદાવાદમાં યોજવા જઈ રહી છે. ઉપરાંત અમદાવાદ એરપોર્ટથી લઈ ગાંધીનગર કમલમ્ સુધી રોડ શો યોજવાનો છે જેમાં ચાર લાખ લોકો જોડાવાની ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીના આ બે દિવસીય પ્રવાસના કારણે અમદાવાદ કોર્પોરેશન તો જાણે અમદાવાદને નવું રંગરૂપ આપવામાં લાગી ગયું છે. અમદાવાદનાં જે રસ્તાઓ પરથી પ્રધાનમંત્રી પસાર થવાના છે તે રસ્તાઓ રાતોરાત નવા બની ગયા છે, રસ્તાઓ પરના ડિવાઈડરને રાતોરાત કલર થઈ ગયો છે. ડિવાઈડર પર લાગેલા વૃક્ષો અને છોડો અચાનક નવા નવા શાળાએ જતાં વિદ્યાર્થીની જેમ કાપકૂપ કરીને સુંદર બનાવી દેવામાં આવ્યા છે. રસ્તા પરની ગંદકી તો જાણે ગાયબ જ થઈ ગઈ છે, કોર્પોરેશનના કર્મચારીઓ જાતે દુકાને જઈ જઈને લોકોને સૂચન આપે છે કે કોઈ પણ સંજોગોમાં રસ્તા પર ગંદકી કરવી નહીં. લગભગ હાલ આ વિસ્તારોમાં જે રીતે કામ થઈ રહ્યું છે તેનું 30 ટકા કામ પણ સામાન્ય નાગરિક માટે થતુ હોય તો કોર્પોરેશનના તંત્રને આશીર્વાદની ક્યારેક ખોટ પડે નહીં એવો ઘાટ છે. બીજી બાજુ આ વિસ્તારોમાં લારીઓ પર પાથરણાં વાળાઓએ તો હાલ રોજગારી બંધ કરી અન્યત્ર ખસી જવાની ફરજ પડાઈ છે, અહીં સુધી કે આ વિસ્તારને લગતી ઝુંપડાંમાં રહેતી જનતાને બાળકો સહિત તાત્કાલીક ધોરણે ખાલી કરી ત્યાંથી હટી જવાની ફરજ પડી છે.



12 તારીખે પ્રધાનસેવક અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ‘સરદાર પટેલ સ્ટેડિયમ’માં યોજવા જઈ રહેલા ખેલ મહાકુંભના કાર્યક્રમમાં ભાગ લેવા આવવાના છે. ત્યારે કોર્પોરેશનનું આ સ્ટેડિયમ લાઇટ્સ દ્વારા જાણે કોઈ લગ્ન સમારંભ હોય તેવી રીતે શણગારવામાં આવ્યું છે. સામાન્ય જન ભલે રોજ ખખડતા સ્કૂટરે પસાર થતો હોય પરંતુ હાલ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં જે રોડ વર્ષોથી ખાડા વાળા હતા તે અચાનક નવા બની ગયા છે. રસ્તા પર જે વૃક્ષો હતા તે પૈકીના ઘણા કાપવામાં આવી રહ્યા છે, કારણ કે આપણાં ‘પ્રધાનસેવક મોદીજી’ અમદાવાદ આવે છે.

આ બધુ જોતાં પ્રધાનસેવક મોદીને લોકો એક માત્ર વિનંતી કરી રહ્યા છે કે મહિને એક વાર તો આમદવાદની અલગ અલગ વિસ્તારોની મુલાકાત કરતાં રહો જેથી અમદાવાદ આવું સ્વચ્છ અને સુંદર લાગે અને અમદાવાદ જ કેમ ગુજરાતના બધા જિલ્લા અને દેશના અન્ય રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ પ્રધાનસેવક મુલાકાત કરે તો આખો દેશ જ સ્વચ્છ અને સુંદર થઈ જાય.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular