પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણી નજર સામે ફરતા મંત્રીઓનો રૂઆબ, સરકારી ગાડી અને કમાન્ડોનું રક્ષણ જોઈ આપણને કદાચ અંદાજ નહીં આવે કે આ મંત્રીએ પોતાની જીંદગીની સફરમાં કેટલા કષ્ટો વેઠયા છે. આપણા મંત્રીમંડળમાં અનેક મંત્રીઓ એવા પણ છે જેઓ જન્મજાત ગર્ભ શ્રીમંત છે, પણ અનેક રાજનેતાઓ એવા પણ છે જેમની જીંદગીની શરૂઆત અતિસામાન્ય હતી, આવા જ એક કેબીનેટ મંત્રી છે પ્રદિપ પરમાર, અને આ તેમની કહાની છે…
અમદાવાદના દલિત પરિવારમાં જન્મેલા પ્રદિપ પરમારનું નસીબ પણ ગરીબી સાથે લખાયું હતું, પહેલા અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહ્યા અને પછી અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં રહેતા પ્રદિપ પરમાર મેઘાણીનગરની શારદા સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, એક સાંજે ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો માહોલ ગમગીન હતો. ઉંમર નાની હતી પણ ગરીબી માણસને બહુ જલદી મોટો બનાવે છે, નાનકડા પ્રદિપને પહેલા તો ખબર પડી નહીં પણ મમ્મી પાસેથી જાણવા મળ્યું કે પપ્પા જે મિલમાં કામ કરતા હતા તે મિલ બંધ થઈ ગઈ છે.

પિતા પાસે કામ ન્હોતું ઘરમાં ત્રણ ભાઈઓ અને બે બહેન ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે તેવો પ્રશ્ન હતો, હજી તો પ્રદિપની ઉંમર ભણવાની અને રમવાની હતી, પણ તે જ દિવસે પ્રદિપે સ્કૂલના દફતરને તીલાંજલી આપી અને કામ કરવાનો નિર્ણય કર્યો, ઘરમાં એક સાઈકલ સિવાય કોઈ વ્યવસ્થા ન્હોતી, પૈસા પણ ન્હોતા, કામ પણ શરૂ કરવુ, પણ એક મિત્ર પાસે ઓટો રિક્ષા હતી, સાંજ પડે તે રિક્ષા ચલાવી ઘરે આવે એટલે પ્રદિપ તેની રિક્ષા લઈ આખી રાતથી લઈ વહેલી સવાર સુધી ઓટો રિક્ષા ચલાવે, આમ ઘરની ગાડી પાટે ચડાવવા માટે રિક્ષાથી પોતાની સફર શરૂ કરી પણ સમસ્યા એવી હતી કયાંક ટ્રાફિકની કોઈ ભુલ થાય તો પોલીસ મેમો આપતી હતી, આમ કરતા કરતા દસ મેમો ભેગા થઈ ગયા એક દિવસ પોલીસે ફરી પકડયો અને રિક્ષા કબજે કરી કોર્ટમાં જમા કરાવી દીધી.
આમ મહિનાઓ સુધી રિક્ષા ચલાવી લાગ્યું કે આ ધંધો આપણને રાઝ આવશે નહીં, ધંધો બદલી બીજો ધંધો કરવાનો નિર્ણય કર્યો અને ઘરની પાસે કલાપીનગરમાં પાનનો ગલ્લો શરૂ કરવાનો નિર્ણય કર્યો પણ પ્રદિપે જયાં ગલ્લો શરૂ કર્યો તેની બાજુમાં એક જુનો ગલ્લો હતો તેના માલિકે પ્રદિપે ધંધો શરૂ કર્યો તે પસંદ પડયુ નહીં, એટલે તરત એક પોલીસવાળો આવ્યો અને તેણે ધમકાવવાની શરૂઆત કરી, જો કે ત્યારે પ્રદિપ પોલીસનો સામનો કરી શકે તે સ્થિતિમાં ન્હોતો પણ ગલ્લા ઉપર એક લશ્કરી જવાન ત્યાં ઉભો હતો તેણે પોલીસ સાથે પ્રદિપનો પક્ષ લઈ માથાકુટ શરૂ કરી અને મામલો બગડયો રાત પડતા પોલાીસના ધાડેધાડા આવી ગયા, હજી તો માંડ ધંધો શરૂ કર્યો હતો ત્યાં ઉપાધી આવી પણ ત્યારે પ્રદિપની મદદે સ્થાનિક રાજકીય નેતા નરેન્દ્ર દીક્ષીત વગેરે આવી ગયા આખરે સમાધાન થયુ પણ ત્યારે પ્રદિપને સમજાયુ કે રાજકીય પક્ષમાં હોઈએ તો બધા જ આપણું સાંભળે છે.
સમય કોંગ્રેસની સરકારનો હતો, પણ જુના જનસંઘી બચુભાઈ સોંલકી સાથે પારિવારીક સંબંધ હતો એટલે બચુકાકા સાથે જવાની શરૂઆત કરી રાજકારણના પહેલા પગથીયે આવી તે ઉભા રહ્યા, પણ પછી બીજા નાના મોટા કામ કરી ઘર તો ચલાવ્યુ પણ પછી રાજકારણમાં જવાની ઈચ્છા તીવ્ર બની પહેલા કોર્પોરેટર, પછી વર્ષો સુધી સામાન્ય કાર્યકર બની ભાજપમાં કામ કર્યા પછી ભાજપે ધારાસભાની ટીકીટ આપી અને મંત્રી પણ બનાવ્યા. મંત્રી પ્રદિપ પરમારને પુછવામાં આવ્યું કે તમારી મઝાક થાય છે કે તમે 10મું ધોરણ ભણ્યા છતાં મંત્રી બની ગયા ત્યારે કેવું લાગે છે, ત્યારે પરમારે કહ્યું હું વધારે ભણી શકયો નહીં તેનું કારણ ઘરની આર્થિક સ્થિતિ હતી, પણ તેની મઝાક થાય તે વાજબી નથી, જયાં સુધી શિક્ષણ અને સમજનો સવાલ છે ત્યાં સુધી મારા અનુભવે સમજ ઘાટ્ટી બની છે, હું મંત્રી થયો ત્યારે મને વિચાર આવ્યો મારા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરી દિકરીઓ જયારે માસીક ધર્મમાં આવે ત્યારે કોઈ વ્યવસ્થા નથી, મેં મંત્રી થયા પછી તમામ કન્યા છાત્રાલયમાં સેનેટરી નેપકીન આપવાની શરૂઆત કરી, મારા અનુભવે મને લોકોના પ્રશ્ન અને તેમના નિરાકરણની ખબર પાડી છે.
મંત્રી થયા પછી ગાંધીનગરના સરકારી બંગલમાં રહેવાને બદલે અમદાવાદના કલાપીનગરના નાનકડા ઘરમાં કેમ રહો છો? તેના ઉત્તરમાં પરમાર કહે છે, મારા મત વિસ્તારના લોકો અતિ સામાન્ય છે, તેઓ પોતાના પ્રશ્ન માટે ગાંધીનગર કેવી રીતે આવી શકે એટલે મેં તેમની વચ્ચે જ રહેવાનો નિર્ણય કર્યો છે અને બીજી વ્યકિતગત બાબત એવી છે કે હું નાનપણથી લોકોની વચ્ચે મોટો થયો છું રાતે બે વાગે પણ ઘરે પહોંચુ ત્યારે પણ મારે ત્યાં માણસો હોય છે, આમ હું માણસો વગર જીવી શકતો નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












