Delhi Mumbai Expressway Accident : વડોદરા જિલ્લામાંથી પસાર થતાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર 24 કલાકમાં બીજો એક ગમખ્વાર અકસ્માત (Fatal accident on expressway in Vadodara district) સર્જાયો છે. વડોદરા જિલ્લાના કરજણ પાસે એક્સપ્રેસ-વે પર સાઈડમાં પાર્ક કરાયેલી કારને આઈસરે પાછળથી ધડાકાભેર ટક્કર મારતા ત્રણ લોકોના મોત (Fatal accident Karjan Vadodara) નિપજ્યા છે. જ્યારે પાંચેક લોકો ઘાયલ થતાં તેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સેલવાસથી કારમાં નીકળેલો પરિવાર રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિરે દર્શને જતો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે હવે મોતનો રસ્તો બની રહ્યો છે. એકાદ મહિનામાં અનેક ગમખ્વાર અકસ્માત આ એક્સપ્રેસ-વે પર થઈ ચૂક્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પાદરા નજીક ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં 4ના મોત નિપજ્યા હતા. ત્યારબાદ 24 કલાકમાં કરજણ પાસે બીજો ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. સેલવાસથી રાજસ્થાન જઈ રહેલા પરિવારની અર્ટિગા કારમાં અવાજ આવતા તેને કરજણ નજીક એક્સપ્રેસ-વે પર સાઈડમાં પાર્ક કરી સમસ્યા તપાસવા પરિવારના સભ્યો નીચે ઉતર્યા હતા. દરમિયાનમાં પૂરઝડપે આવતી આઈસર ટ્રકે કારને ટક્કર મારતા એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચેક સભ્યોને ઈજા થઈ છે. ત્રણ જણાને ગંભીર ઈજા હોવાથી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ગમખ્વાર માર્ગ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.








