તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ.રાજકોટ): રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર વસુલી જેવા ગંભિર આક્ષેપો બાદ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને કરેલી ફરિયાદ બાદ થયેલા વિસ્ફોટ બાદ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ પણ તેમની વાતને સમર્થન આપ્યું હતુ. ત્યાર બાદ અહેવાલ મળે છે કે આ તપાસ મદદનીશ પોલીસ કમિશનર કરશે. જે બાબતે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂ મની કલેકશન સેન્ટર પર મોટો ચોર ભાજપ નાના ચોર પર કેવી રીતે કાર્યવાહી કરશે તેવો આક્ષેપ કરી રહ્યાં છે. તો બીજી તરફ રાજકોટ કોંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડા સરકાર પર આકરા પ્રહાર કરતા ‘ઘટનાને ક્રિમિનલ ડિલે’ ગણાવી રહ્યા છે.
ભીનું સંકેલવા પ્રયાસ થતા હોવાની આશંકા
ગઈકાલે શનીવારના રોજ રાજકોટ પોલીસ કમિશનર ટકાવારી લઈ હવાલા રાખી વસુલી કરવાના અને ફરિયાદ નહીં દાખલ કરવાના આરોપ ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા હતા. જે મામલે આજરોજ પોલીસ કમિશનરની ઘટનાની તપાસ મદદનીશ પોલીસ કમિશનરને સોંપાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે ઈન્દ્રનિલ રાજ્યગુરૂ જણાવે છે કે, ભાજપ કોઈ કાલે અધિકારેને દંડે તે તેને પોસાઈ નહીં.રાજકોટના લગભગ લોકો જાણે છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી. આ ઘટના બાદ પોલીસ કમિશનર અને સબંધિતોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ. પણ તપાસ જુનિયર અધિકારીને સોંપી ભીનું સંકેલી લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. સાથે જ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ આક્ષેપ કરી રહ્યા છે કે, IPS અને IAS ભાજપનું “મની કલેકશન સેન્ટર” છે. માટે “ભાજપને આ અધિકારીઓને ઉની આંચ આવે તે પોશાય તેમ નથી”. ભાજપના ભ્રષ્ટાચારનું કેન્દ્ર જ IPS અને IAS અધિકારીઓ છે માટે ભાજપ મોટો ચોર નાના ચોરને દંડે તે કેવી રીતે શક્ય બને.
સાક્ષી-પુરાવા મેનેજ કરવાનો પુરો સમય આપ્યો
આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. હેમાંગ વસાવડા જણાવે છે કે, આ લોકોની આંખમાં ધુળ નાખવાની વાત છે. કોઈ દિવસ નિચલો અધિકારી ઉપલા અધિકારીની તપાસ કરી શકે નહીં. આ મામલે ગૃહમંત્રી કે મુખ્યમંત્રી એ સીટીંગ જજ કે રીટાયર્ડ જજની કમિટિ રચી તપાસ કરાવવી જોઈએ તો જ ખરૂ સત્ય બહાર આવે. તેમણે સરકાર પર આરોપ કરતા જણાવ્યું કે, આ ઘટના બહારા આવ્યાના 24 કલાક થયા બાદ પણ કોઈ અધિકારીને બદલી કે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી સરકારે કરી નથી. સરકારે તેમને “સાક્ષીઓ તેમજ પુરાવા મેનેજ કરવાનો પુરો સમય આપી દિધો છે, માટે આ ઘટનાને સરકારનું ક્રિમિનલ ડિલે કહેવાય”
કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના
જ્યારે પોલીસ કમિશનર પર ગંભીર આક્ષેપ થાય અને એ પણ સત્તાપક્ષના ધારાસભ્ય અને રાજ્યસભા સાંસદ દ્વારા જ થયા હોય ત્યારે સ્વાભાવિક રીતે પોલીસ બેડા પર ડાઘ લાગે. આવા સમયે સરકારે તપાસ સમિતિ રચી ઉચ્ચ સ્તરે તપાસ આદરવાની હોય પણ પરંતુ અહિં તો ‘કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના’ જેવો ઘાટ રચાયો છે.
બોલો… જેસીપીને કમિશનર ક્યાં છે તેની ખબર જ નથી
રાજકોટ પોલીસ કમિશનર સામે કરવામાં આવેલા આક્ષેપ અંગે જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર મામલે તપાસ રાજકોટ એસીપી ક્રાઇમ ડી.વી.બસિયાને સોંપવામાં આવી હોવાનું જણાવ્યું છે. જે આગામી નજીકના દિવસોમાં જોઇન્ટ કમિશનર મારફત પોલીસ કમિશનરને રિપોર્ટ સોંપશે. જોકે આ સમગ્ર મામલામાં ખુદ પોલીસ કમિશનરની સંડોવણીનો આક્ષેપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે એસીપી ક્રાઇમ તપાસ કરી કમિશનરને રિપોર્ટ સોંપશે. આ તપાસ કેટલી તટસ્થ પણ થઈ હશે તે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. ધારાસભ્યનો લેટર મીડિયા સમક્ષ આવ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનર પાતાળમાં ઉતારી ગયા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ખુદ જેસીપી ખુરશીદ અહેમદે પત્રકાર પરિષદમાં મિડયાને કહ્યું હતું કે પોલીસ કમિશનર હાલ ક્યાં છે તેની મને ખબર નથી.
રાજકીય શતરંજમાં પોલીસ કમિશનર “ચેકમેટ”
અહી સૌથી મોટો સવાલએ છે કે ધારાસભ્યએ ગૃહમંત્રીને લખેલો લેટર મીડિયા સમક્ષ આવ્યો કેવી રીતે? આ બાબતે ગોવિંદ પટેલે જણાવ્યુ હતું કે “મે આ પત્ર મીડિયાને આપ્યો નથી, કોણે વાઇરલ કર્યો અને મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યો તેની મને કઈ ખબર નથી”. ગોવિંદ પટેલને એક શિસ્તબધ્ધ નેતા માનવમાં આવે છે. શિસ્તબધ્ધ નેતા ગોવિંદ પટેલ પ્રદેશની મંજૂરી વગત લેટર બોમ્બ ફોડી શકે ખરી. ? ત્યારે આઇપીએસની બદલી પહેલા બે મહિના અગાઉના કેસને લઈ પત્ર લખી આક્ષેપો કરતાં અનેક તર્ક વિતર્કનું અનુમાન થઈ રહ્યું છે. બીજી બાજુ મનોજ અગ્રવાલ પૂર્વ મુખ્ય મંત્રીના ગુડ લિસ્ટમાં પ્રથમ સ્થાને હોવાની પણ ચર્ચા ચાલી રહી છે, ત્યારે અહી રાજકીય શતરંજમાં પોલીસ કમિશનર “ચેકમેટ” થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












