Saturday, October 3, 2026
HomeInternationalરશિયાની દુનિયાના તમામ દેશોના નાગરિકો-રાજદ્વારીઓને કીવ છોડી દેવા ચેતવણી- 'નહીં તો…'

રશિયાની દુનિયાના તમામ દેશોના નાગરિકો-રાજદ્વારીઓને કીવ છોડી દેવા ચેતવણી- ‘નહીં તો…’

- Advertisement -

Russia Warning Kyiv: રશિયાએ શનિવારે તમામ દેશોના રાજદ્વારીઓ અને વિદેશી નાગરિકોને યુક્રેનની રાજધાની કીવ છોડી દેવાની અપીલ કરી છે. કીવના એક મોટા પુલ પર હુમલાના થોડા કલાકો બાદ રશિયાએ યુક્રેનની રાજધાની પર નવા મોટા હવાઈ હુમલાની ચેતવણી આપી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. રશિયા દ્વારા કીવ પર ડ્રોન હુમલા વધારવામાં આવ્યા હોવાનો અને મહત્વના માળખાને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો પણ ઉલ્લેખ છે.

કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે શનિવારે સવારે નોર્ધર્ન બ્રિજ પર થયેલા હુમલામાં બે લોકો ઘાયલ થયા હતા. હુમલામાં રસ્તાની સપાટી તેમજ ટ્રોલીબસની ઉપરની વીજ લાઇનોને નુકસાન થયું હતું, જેના કારણે ટ્રાફિકને અસર થઈ હતી. AFPના પત્રકારોએ રાહદારીઓ માટેના માર્ગ પર વિસ્ફોટના નિશાન જોયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

- Advertisement -

હુમલા બાદ રશિયન અધિકારીઓએ વધુ હુમલાની ચેતવણી આપી હતી અને રાજદ્વારીઓ તથા વિદેશી નાગરિકોને કીવ છોડવા તેમજ યુક્રેનની યાત્રા ન કરવાની અપીલ કરી હતી. રશિયાના વિદેશ મંત્રાલયે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે કેટલાક લોકોએ અગાઉ આપવામાં આવેલી ચેતવણીઓને ધ્યાનમાં લીધી નથી અને તેઓ પોતાને જીવલેણ જોખમમાં મૂકી રહ્યા છે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે સંભવિત ખરાબ પરિણામોની સંપૂર્ણ જવાબદારી ચેતવણીની અવગણના કરનારાઓની રહેશે.

રશિયાએ મે મહિનામાં પણ આવી જ ચેતવણી આપી હતી. જોકે, યુક્રેનને સમર્થન આપતા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારના વડાઓએ ત્યારબાદ યુદ્ધગ્રસ્ત યુક્રેન અને તેની રાજધાનીની મુલાકાત લઈને સમર્થન દર્શાવ્યું હતું. કીવના મેયર ક્લિટ્સ્કોએ શુક્રવારે જણાવ્યું હતું કે, શહેર ખૂબ ગંભીર સ્થિતિમાં છે અને હવે તેને યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની જરૂર છે. તેમના જણાવ્યા મુજબ, પુલો અને ઊર્જા માળખા પરના હુમલાઓને કારણે કીવ પર ગંભીર અસર થઈ રહી છે.

દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નાગરિક વિસ્તારોમાં મોટા પાયે હુમલાની મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો છે. ઝેલેન્સ્કીના આ આરોપને ક્રેમલિને નકારી કાઢ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular