પ્રશાંત દયાળ (શતરંજ-48, નવજીવન ન્યૂઝ): બીજા દિવસની સવાર કંઈક જુદી હતી. પરમાર તેમની ઑફિસમાં સાડાદસ વાગ્યે આવ્યા, તેની સાથે જ ડીઆઇજી વિવેક પંતનો પટાવાળો તેમને બોલાવવા આવ્યો. પરમારે પોતાની કાંડા-ઘડિયાળ જોઈ… પોતે મોડા તો નથી આવ્યા ને! પણ પટાવાળાએ કહ્યું, “સાહેબ તો નવ વાગ્યાના આવી ગયા છે.” તરત પરમાર પોતાની ઑફિસમાંથી નીકળ્યા અને પંતની ચેમ્બરમાં દાખલ થયા. પરમારના મનમાં અનેક ગડમથલો ચાલતી હતી. પરમારે સલામ કરતાં પંતે કંઈ બોલ્યા વગર તેમને ખુરશીમાં બેસવાનો ઇશારો કર્યો. તેઓ ખુરશીમાં બેઠા. પંત કંઈક કાગળો જોઈ રહ્યા હતા. કાગળો ઉપર નજર જતાં પરમારને ખ્યાલ આવી ગયો કે, નિઝામ કેસના જ છે. તેમણે પરમાર સામે જોતાં કહ્યું, “મૈંને રાત ભર પઢ કે કાગજ દેખ લિયે.” “અચ્છા કામ કિયા.” પરમારને સમજાયું નહીં કે પંત તેમનાં વખાણ કરે છે કે, નારાજગીમાં કહે છે, છતાં તેમણે થૅંક્સ કહ્યું. પંતે પૂછ્યું , “કિતને સાલ હો ગયે બ્રાન્ચ મેં?” પરમારે કહ્યું, “બહુત સાલ, સર.” પંત હસ્યા અને કહ્યું, “યહ કેસ દેને કે પહલે કોઈ લાલચ નહીં દિયા ગયા?” પરમાર ગંભીર થઈ ગયા. તેમને ખરાબ પણ લાગ્યું કે આવો પ્રશ્ન કેમ પૂછ્યો. પંતે સ્પષ્ટતા કરતાં કહ્યું : “યહ સરકાર ભી બડી નાલાયક હૈ, પૉલિટિશિયન હમેં હરબાર પોસ્ટિંગ કા લાલચ દેતે હૈં, ઊલટે-સૂલટે કામ કરવાતે હૈં, ઔર હમ કુત્તે કી તરહ પોસ્ટિંગ નામ કી હડ્ડી દેખતે હી પૉલિટિશિયન કે સામને દુમ હિલાતે હૈં.”
પંતે કૅલેન્ડર સામે જોતાં કહ્યું : “પરમાર, પંદરા સાલ કી નોકરી મેં દસ ટ્રાન્સફર હુઈ. હર ટ્રાન્સફર કે બાદ અપને આપકો સમજાતા હૂં, ક્યૂં ફોગટ કા પંગા લેતા હૈં? નેતા જો બોલતે કર લે. પૈસે કમા ઔર એશ કર લે. લેકિન જબ ભી ઢંગ કા પોસ્ટિંગ આતા હૈ, ઔર મેરા મન કુછ ઔર કહેતા હૈ, મૈંને દેખા તુમને કાફી મહેનત કી હૈ, અચ્છા કામ કિયા હૈ.” પરમારના જીવમાં જીવ આવ્યો. પંતે તેને ચેતવણી આપતાં કહ્યું, “દેખો યે છોટા-મોટા કેસ નહીં હૈ, ગુંડો કે સામને તો હમ લડ લેતે હૈં, જો હમેં ટ્રેનિંગ મેં ભી સિખાયા જાતા હૈ. લેકિન અબ જો હમેં કરના હૈ… વો ખાખી વરધીવાલે ગુંડે હૈ. ઉનકે બાપ સચિવાલય મેં બૈઠતે હૈ, પહેનતે હૈ વો ખાદી લેકિન સહી મેં વો નંગે હૈ.”
હવે મૂળ કામની વાત ઉપર આવતાં વિવેક પંતે કહ્યું, “દેખો, અભી હમેં ખુલ્લી લડાઈ શુરૂ કરને કી જરૂર નહીં. કાગજ દેખ કે મૈં સમજ ગયા કિ તુમને અપને સિનિયરોં કો બેવકૂફ બના કે અપના કામ પૂરા કિયા, આગે કા કામ ભી વૈસે હી કરેંગે, દોસ્તી કા ચહેરા સામને રખકે ઉનકી બજા ડાલેંગે. સબસે પહલે તૂમ આજ એક એફ.આઇ.આર. દર્જ કર દો. નિઝામ કે ઍન્કાઉન્ટર મેં જો અફસર સામિલ થે, ઉનકે નામ અભી ડાલો. ઐસે ભી કોર્ટને ભી એફ.આઈ.આર. કરને કો બોલા હૈ, બાકી કા કામ મૈં દેખ લેતા હૂં.” પરમારે ઊભા થઈ સલામ કરવાને બદલે પંતનો હાથ પકડી લેતાં કહ્યું, “થૅંક્સ સર.” પરમારનો ઉત્સાહ જોતાં પંતે હસતાં હસતાં કહ્યું, “તુમને સોચા હોગા પંત સાહબ કો આઇબી સે નિકલા તો સાલા બીક ગયા હોગા.” પરમારે કહ્યું, “યસ સર, નો સર.” પંતે કહ્યું : “જાવ, કોઈ બાત નહીં, કામ કરો.”
બપોર થતાં ગાંધીનગર–જયપુર, ક્રાઇમ-બ્રાન્ચ, એટીએસ ઑફિસ, રાજસ્થાન ટાસ્ક ફૉર્સ, અખબારી કચેરીઓ, ટેલિવિઝન ચૅનલોની ઑફિસોમાં ફોનની ઘંટડીઓ રણકવા લાગી હતી. ગુજરાતની સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચે નિઝામ ઍન્કાઉન્ટર કેસમાં એટીએસ અને રાજસ્થાન ટાસ્ક ફૉર્સના અધિકારીઓ સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઇન્દ્રસિંહે વિવેક પંતનું પોસ્ટિંગ કરાવ્યું હતું, તેના કારણે ઇન્દ્રસિંહને સૌથી પહેલો ફોન પંત ઉપર આવ્યો : “પંત સર, મામલા ક્યા હૈ? એફ.આઇ.આર. કર દિયા! કુછ બતાયા તો હોતા! હોમ મિનિસ્ટર સા’બ કા ફોન થા.” પંતે ઠંડા કલેજે જવાબ આપ્યો, “જાડેજા, આપ કાનૂન જિસ સ્કૂલ મેં પઢે હો વહી સ્કૂલ કે હમ ભી વિદ્યાર્થી રહે હૈં. સુપ્રીમ કોર્ટને કેસ રજિસ્ટર કરને કો બોલા થા. ઉતાવલે મત હોઈએ, હમેં માલૂમ હૈ રાસ્તા કૈસે નિકાલના. હમ નિકાલેંગે.” જાડેજાને આખી વાત બંપર ગઈ. કંઈ ખબર જ ના પડી. તમે જે કાર ચલાવતા હોય તેના સ્ટિયરિંગ વ્હિલની ઍક્સલ તૂટી જાય તેવો ઘાટ થયો હતો. હવે ગાડી કઈ તરફ જશે કહેવું મુશ્કેલ હતું. પંતે આશ્વાસન આપ્યું, “દેખો, મૈં રાસ્તા નિકાલૂંગા. હોમ મિનિસ્ટર કો બોલ દો નિશ્ચિંત હો જાય.” અને ફોન મૂકી દીધો. સીઆઇડી ક્રાઇમની એફ.આઇ.આર. પ્રમાણે આરોપીઓનાં નામ આ પ્રમાણે હતાં! ગુજરાત એટીએસના ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત, સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલ, રાજસ્થાન પોલીસના એસપી રાયસિંગ રાઠોર, ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત, સબ-ઇન્સ્પેક્ટર ઇકબાલ શેખ અને કાન્તિ ડામોરનો સમાવેશ થતો હતો. ભૂકંપનો આ બીજો ઝટકો હતો. ગુજરાતના કોઈ પોલીસ-અધિકારી સામે ગુજરાત પોલીસે હત્યા, અપહરણ અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પરમારના વિશ્વાસમાં વધારો થયો હતો. પહેલું કારણ એવું હતું… પરમારને લાગ્યું કે તેણે જે કામ કર્યું હતું, તે લેખે લાગ્યું હતું. બીજું, તેમને વિવેક પંત જેવા સુપરવાઇઝરી ઑફિસરો મળ્યા હતા. જેના ભાગ રૂપે એફ.આઇ.આર. નોંધાઈ હતી. વિનોદ પરમાર પોતાના સ્ટાફ સાથે સીઆઈડી ક્રાઇમની ઑફિસમાંથી નીકળ્યા. તેમની ચાલ બદલાઈ ગઈ હતી, તેમની બૉડી-લૅંગ્વેજમાં ગજબનો કૉન્ફિડન્સ હતો. તે પોતાની સરકારી ગાડી લઈ ગોલ્ડન ફાર્મના માલિક નેમચંદ શાહની ઑફિસમાં પહોંચ્યા હતા. નેમચંદ માટે કોઈ પોલીસ-અધિકારીનું આવવું કોઈ નવી વાત ન હતી, પણ વિનોદ પરમારનો મૂડ જોતાં, શાહ વેપારી માણસ હતા તેમને કંઈક ગરબડ હોવાનો અંદેશો આવી ગયો હતો. પરમારે નેમચંદ શાહના ટેબલ ઉપર પડેલા ટીવીના રિમોટ સામે જોતાં કહ્યું, “શેઠ, ટીવી ચાલુ કરી શકું?” તરત નેમચંદે પોતે જ રિમોટ હાથમાં લેતાં કહ્યું : “અરે સાહેબ, પૂછવું પડે?” તેમ કહી તેમણે ટીવી ચાલુ કરતાં સમાચારો ચાલી રહ્યા હતા. સમાચારો પણ સ્વાભાવિક રીતે નિઝામના જ હતા. પરમારે ઇરાદાપૂર્વક ટીવી ચાલુ કરાવ્યું હતું. તે નેમચંદ શાહના એક્સ્પ્રેશન જોવા માગતા હતા. પરમારનું ધ્યાન ટીવી જોઈ રહેલા નેમચંદ શાહના ચહેરા ઉપર હતું. પાંચ-સાત મિનિટ સમાચારો જોયા પછી પરમારે રિમોટ લઈ વૉલ્યુમ ઑફ કરતાં નેમચંદને પૂછ્યું , “શેઠ, તમારા માટે તો આ સમાચાર નવા નહીં હોય કેમ?”
નેમચંદનો ચહેરો પડી ગયો. તે જાણે અજાણ જ હોય તેવો ચહેરો કરતાં પૂછ્યું, “કેમ સાહેબ, આવું પૂછો છો?” “તમને ના પૂછું તો કોને પૂછું? ગોલ્ડન ફાર્મ તો તમારા નામે છે ને?” પરમારે પૂછ્યું. નેમચંદે રીતસર હાથ જોડતાં પરમારને કહ્યું : “સાહેબ, મને કંઈ જ ખબર નથી, મને ખબર હોત કે ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત આવા કામ માટે ફાર્મ હાઉસ માગી રહ્યા છે, તો હું આપતો નહીં, પણ તેમણે તો મને કહ્યું કે, ‘કોઈ મોટા સાહેબ આવવાના છે’, માટે મેં હા પાડી અને મારા ચોકીદાર નાગજીને ફોન કરી સૂચના આપી હતી.” પરમારે તેમને આશ્વાસન આપતાં કહ્યું, “નેમચંદ શેઠ, મને બધી જ ખબર છે… તમારો કોઈ વાંક નથી, તમે કંઈ ખોટું કર્યું નથી. હમણાં તમે જે બોલ્યા તે જ વાતનું સ્ટેટમેન્ટ આપવાનું છે, બીજું કંઈ નથી.” સ્ટેટમેન્ટ શબ્દ સાંભળતાં નેમચંદ ઠંડાગાર થઈ ગયા. પરમારે તેમની સામે, તેમની આંખોમાં જોતાં કહ્યું, “પોલીસ સાથે દોસ્તી અને દુશ્મની બંને સારી નહીં, પણ તમને દોસ્તી કરવાનો શોખ હતો, તો તેની કિંમત તો ચૂકવવી પડે. કાયદાની પરિભાષા પ્રમાણે હું તમને પોલીસના ખોટા કામમાં મદદ કરવા માટે આરોપી પણ બનાવી શકું અને જો તમે મને સ્ટેટમેન્ટ આપવા તૈયાર થાવ તો સાક્ષી પણ બનાવી શકું. પસંદગી તમારી છે, આરોપી થવું છે કે સાક્ષી?” નેમચંદ કંઈ બોલી શક્યા નહીં.
વિનોદ પરમારે તેમનું સ્ટેટમેન્ટ નોંધવાની શરૂઆત કરી તો તેમણે પહેલાથી છેલ્લા દિવસ સુધી બધી જ વાતો ફોન કૉલ્સની વિગતો સહિતનું સાક્ષી-નિવેદન આપ્યું. પરમારે નિઝામ અને રૂપાની પહેલાં પણ પોલીસે ફાર્મ હાઉસમાં કોને રાખ્યા હતા, તેની વિગતો પૂછી હતી. પણ તેની નોંધ કાગળ ઉપર લીધી નહીં. વિનોદ પરમાર પાસે વધુ એક સાક્ષી આવ્યો હતો, જે નિઝામ અને રૂપાની કસ્ટડી એટીએસ પાસે હતી, તે વાતનું સમર્થન આપતો હતો. પરમાર ત્યાંથી નીકળ્યા. હજી ગંજીફો ચિપાયો હતો અને પત્તાં વહેંચવાનાં બાકી હતાં.
(ક્રમશ:)








