Shocking Crime Story: મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. કરન પઠાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરઈ ચોકીની ગિજરી પંચાયતના અમોડા ગામમાં એક યુવકે ડંડાથી હુમલો કરીને પોતાના જ પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગ્રામજનોએ આરોપી યુવકને બાંધી રાખ્યો હતો, પરંતુ તેની માતાએ સવારે પુત્રને બંધાયેલો જોઈ દયા કરી, તેની મમતા જાગી અને તેની દોરડીઓ ખોલી નાખી હતી. દોરડી ખુલ્યા બાદ આરોપીએ સૌથી પહેલાં પોતાની માતા પર જ હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, 32 વર્ષીય આરોપી પ્રેમ સિંહ ગોંડને ગ્રામજનોએ અગાઉ બાંધી રાખ્યો હતો. સવારે તેની 50 વર્ષીય માતા અનૂપિયા બાઈએ તેને બંધાયેલો જોયો અને તેની દોરડીઓ ખોલી હતી. દોરડીમાંથી મુક્ત થયા બાદ પ્રેમ સિંહે ઘરનો ભારે ડંડો ઉઠાવ્યો અને પરિવારના સભ્યો પર હુમલો શરૂ કરી દીધો હતો.
આરોપીએ સૌથી પહેલાં પોતાની માતા અનૂપિયા બાઈ પર ડંડાથી અનેક વખત હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાઈને તેઓ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ વચ્ચે પડવા આવેલા આરોપીના 75 વર્ષીય નાના સંપત સિંહ ગોંડ અને 70 વર્ષીય નાની ભન્ની બાઈ ગોંડ પર પણ તેણે ડંડાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં માતા, નાના અને નાનીનાં મોત થયાં હતાં.
ઘરની અંદરથી ચીસો સાંભળીને આરોપીના મામા અને તેમની બે દીકરીઓ બચાવવા માટે દોડી આવ્યા હતા. આરોપીએ તેમના પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મામા અને તેમની બે દીકરીઓ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે શહડોલની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન સારવાર દરમિયાન પાંચ વર્ષની એક માસૂમ બાળકીનું પણ મોત થયું હતું. માથામાં ગંભીર ઈજા થતાં તે શહડોલ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાળકીના મોત બાદ આ ઘટનામાં મૃત્યુઆંક ચાર થયો છે, જેમાં આરોપીની માતા, નાના, નાની અને પાંચ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. અન્ય ઘાયલોની સારવાર હજુ ચાલી રહી હોવાનું જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં કરન પઠાર પોલીસ અને સ્થાનિક સરઈ ચોકીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ સાથે ફોરેન્સિક અને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરતી ટીમે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે મુખ્ય આરોપી પ્રેમ સિંહ ગોંડની ધરપકડ કરી છે.
પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેણે આ હુમલો શા માટે કર્યો હતો? આ બાબત પરથી પોલીસ તપાસ દરમિયાન આગામી સમયમાં પડદો ઉંચકાશે. ઘટનાસ્થળેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલો ડંડો અને અન્ય પુરાવા જપ્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.








