- રોકાણકારો અત્યારે નબળા કાગળીયા નાણાનો મહત્તમ વિકલ્પ મજબુત સોનામાં જોઈ રહ્યા છે
- જગતબજારમાં જુલાઈમાં ૩ અબજ ડોલરના ગોલ્ડ ઈટીએફ ખરીદાયા
ઇબ્રાહિમ પટેલ (મુંબઈ): સોનું તેજીના ઘોડે સવાર થયું છે. ૧૭ જુલાઈએ ૩૯૭૨ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)નું તળિયું જોઇને શુક્રવારે ઇન્ટ્રાડેમાં ભાવ ૪૬૩૨ ડોલર બોલાઈ, ૪૬૦૪ ડોલર બંધ થયા હતા. ભાવનું આવું લેવલ મે ૨૦૨૬મા જોવાયું હતું. અમેરિકન નાણાકીય વ્યવસ્થા અસ્તવ્યસ્ત જણાતા આખા વિશ્વના રોકાણકારો બુલિયન બજારમાં ઉતરી પડ્યા હતા. પણ જો સતત વધતા ક્રુડ ઓઇલના ભાવ અને તેની હૂંફે ફૂગવાદર જોઈએ તો ફેડરલ રીઝર્વ પોતાની નાણાનીતિ વધુ ટાઈટ કરે, તો તેનો અર્થ એ થાય કે વર્તમાન ઉછાળો, ઉભરા જેવો પુરવાર થઇ શકે છે. સોના ચાંદીને અત્યારે જે કોઈ મદદરૂપ થાય છે, તેમાં ઉર્જાના સતત વધતા ભાવ થકી રોજીંદા વપરાશની કોમોડીટીના ભાવ પરનું દબાણ વધે તો લાંબા સમય સુધી વિશ્વની રીઝર્વ બેન્કોને તેમની નાણાનીતિ વધુ ટાઈટ રાખવી પડે તેમ છે.
રોકાણકારો અત્યારે નબળા કાગળીયા નાણાનો મહત્તમ વિકલ્પ સોનામાં જોઈ રહ્યા છે. ઐતિહાસિક રીતે જોવા જઈએ તો અમેરિકન અંદાજપત્રીય ખાધ પહેલી વખત ૪૦ ટ્રીલીયન ડોલર વટાવી ગઈ છે. અમેરિકન બોન્ડબજારમાં આવેલી તેજીનો ફુગ્ગો વહેલો ફૂટી ગયો છે, પણ સોના ચાંદીએ તેની મજબૂતી જાળવી રાખી છે. અમેરિકન ફેડરલ રિઝર્વની જુલાઈ મીટીંગની મીનીટસ કહે છે કે કેટલાંક નીતિનીર્ધારકોએ તત્કાળ વ્યાજવૃધ્ધીની હિમાયત કરી છે, અન્યો કહે છે કે ફુગાવાને કાબુમાં લેવા કડક પગલાં લેવા તૈયાર રહેવું જોઈએ.
આ સ્થિતિમાં ભારતીય રોકાણકારો ક્યા વિકલ્પો ઉપલબ્ધ છે? ભારતમાં સોનું એ માત્ર રોકાણનું સાધન નથી, તે અતિ સંવેદનશીલ જણસ છે. નાગરીકો સોના સાથે સાંસ્કૃતિક, પરંપરા અને પ્રસંગોપાત સોનાને કૌટુંબિક સુખદુઃખનો સાથી ગણે છે. ગત સપ્તાહે ભારતમાં સોનાનાં ભાવ ૫.૧૫ ટકા વધીને ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૬૨,૪૩૮ બોલાયા. વૈશ્વિકબજારમાં પણ સપ્તાહાંતે ભાવ ૫.૨૦ ટકા વધીને પ્રતિ ઔંસ વધીને ૪૬૦૪ બંધ રહ્યા. આવુંજ વલણ ચાંદીમાં હતું, ૪.૫૨ ટકા વધીને રૂ. ૨,૪૬,૫૮૭, જ્યારે ન્યુયોર્ક કોમેકસ પર ૬૮.૬૯ ડોલર મુકાયા હતા. ઈટીએફ અને મ્યુચ્યુઅલ ફંડોમાં નીકળેલી લેવાલી, તેજી માટે વધારાના સંકેતો હતા.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહે છે કે, જગતબજારમાં જુલાઈમાં ૩ અબજ ડોલરના ગોલ્ડ ઈટીએફ ખરીદાયા, પરિણામે હોલ્ડીંગ વધીને ૨૩ ટન થયું. ઓગસ્ટમાં પણ આવુંજ વલણ રહ્યું છે. ફંડોની ગતિવિધિ પર ધ્યાન રાખતી ન્યુઝ એજન્સીઓએ કહ્યું હતું કે ગુરુવારે એકજ દિવસમાં ઈટીએફમાં ૧૮ ટનનો ઉમેરો થયાનું નોંધ્યું હતું. સેન્ટ્રલ બેંકો પણ સોનાની માંગના મુખ્ય સ્ત્રોત હતા. આ બધાનો સરવાળો જુલાઈમાં ૫૧ ટન થયો હતો. જો પ્રથમ અર્ધવાર્ષિક ધોરણે જોઈએ તો ૧૦૨ ટનના હાથબદલા થયા હતા.
બજારની અપેક્ષા એવી છે કે સેન્ટ્રલ બેન્કોની લેવાલી, ભાવને ટેકારૂપ બનશે. પણ ભાવ વૃદ્ધનું સરવૈયું તો પશ્ચિમના દેશો તેમની લેવાલીમાં રસ દાખવે છે કે નહિ તેના પરથી નિર્ધારિત થશે. અલબત્ત, એનાલિસ્ટો માને છે કે આગામી સપ્તાહે ભાવનું વલણ તેજીમય રહેશે. જુલાઈ મધ્યમાં સોનાએ ૪૦૦૦ ડોલર વટાવ્યા પછી, હવે એવું મનાય છે કે ડોલર નબળો પડશે અને ટૂંકાગાળાના બોન્ડ યીલ્ડ પણ ઘટશે. અમેરિકન અર્થતંત્રના ડેટા પણ કહે છે કે ફેડરલ રીઝર્વ વ્યાજ વધારવાનું હવે ૨૦૨૭મા વિચારશે.
ઐતિહાસિક રીતે તો અમેરિકા જ્યારે જ્યારે વ્યાજ ખર્ચા વધારે કે કૈક ઉત્પતાંગ કરે છે ત્યારે, બજારથી સલામત અંતર રાખતું થઇ જાય છે. રીઝર્વ કરન્સીનું લાકડું અમેરિકા બીજા દેશને વળગાડી દે છે. તાજેતરમાં અમેરિકન ફેડ એ લાંબાગાળાના બોન્ડમા બેથી ચાર અબજ ડોલરની ખરીદી કરી હતી. આ પગલું સૂચવે છે કે અમેરિકા રોકડ પ્રવાહિતા વધારવાની કવાયતમાં લાગી ગયું છે, આથી ઉભરતા અર્થતંત્રોમાં બુલિયન જેવી જોખમી અસ્કયામતમાં લેણ વધારે છે. જો અમેરિકન દેવામાં વધારો થાય તો સમજવું કે સોનામાં ભાવ વૃદ્ધિ શક્ય છે, વધતા વ્યાજ ખર્ચા લાંબાગાળે અમેરિકન ડોલરનું જાગતિક વર્ચસ નબળું પાડશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








