Saturday, August 29, 2026
HomeGujaratPI તોમરે ત્યાં પૈસા ભરેલો થેલો જોયો, તેમને શંકા ગઈ અને… |...

PI તોમરે ત્યાં પૈસા ભરેલો થેલો જોયો, તેમને શંકા ગઈ અને… | શતરંજ- 12

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-12, નવજીવન ન્યૂઝ): જીપ ચાર રસ્તા ઉપર આવતાં વિનયે ડ્રાઇવરને જમણી તરફના રસ્તે જીપ લઈ જવા માટે સૂચના આપી. હેડ લાઇટ બંધ કરાવી જીપ ધીમી ગતિએ આગળ વધી રહી હતી. મોટા ભાગના લોકો ઘરમાં સૂવા માટે જતા રહ્યા. કેટલાંક ઘરોમાં હજી લાઇટ સળગી રહી હતી, ગલીમાં બંને તરફ મકાનો અને વચ્ચે દુકાનો હતી જે બંધ હતી. પણ તેની બહાર ક્યાંક ક્યાંક યુવાનો બાઇક પાર્ક કરી ગપ્પાં મારી રહ્યાં હતાં. જોકે પોલીસનાં વાહનો જોતાં કંઈ પણ બોલ્યા વગર કિક મારી નીકળી જતા હતા. રસ્તે જતી એકલદોકલ વ્યક્તિ પોલીસનાં વાહનોને કુતૂહલવશ જોઈ રહી હતી. ઇન્સ્પેક્ટર વિનય તોમરને બાદ કરતાં આખી ટીમ ઑપરેશનથી અજાણ હતી. કમાન્ડોને તો સૂચનાનો અમલ કરવાનો હતો. તેઓના તમામના હાથમાં ઑટોમૅટિક રાઇફલ અને શરીર ઉપર બુલેટપ્રૂફ જાકીટ હતાં. તેમની ચકોર આંખો ચારે તરફ ફરી રહી હતી, જે તેમની ટ્રેનિંગનો જ એક ભાગ હતી. ગલીમાં લગભગ બે કિલોમીટર અંદર ગયા પછી અંધારામાં એક કાર નજરે પડી. વિનયે ડ્રાઇવરને ડિપર મારવાની સૂચના આપી. લાઇટ થતાં બ્લૅક કલરની વરના કાર નજરે પડી. એકસો મીટર દૂર વાહનો બંધ થઈ થંભી ગયાં. વિનયે ઓછામાં ઓછા શબ્દોમાં વાત શરૂ કરી. કમાન્ડો નીચે આવી ગયા હતા. કાર પડી હતી તે મકાનને ઘેરી લેવાની સૂચના આપી. કમાન્ડોએ પોતાના જમણા હાથની પહેલી આંગળી ટ્રિગર ઉપર મૂકી પહેલાં એક કમાન્ડો ઝડપી પગલે ઘરના મુખ્ય દરવાજા સુધી ગયો અને પોઝિશન લઈ ગોઠવાઈ ગયો. બાદમાં તેણે બીજા કમાન્ડોને ઇશારો કર્યો અને તે પણ ધીમે દોડતાં ઘરની બંધ બારી પાસે પોઝિશન લઈ ઊભો રહ્યો. એક પછી એક કમાન્ડોએ પોતાની જગ્યા લઈ લીધી હતી. તે આવનારી તમામ પરિસ્થિતિ માટે તૈયાર હતા.

ઇન્સ્પેક્ટર વિનયે બે કૉન્સ્ટેબલોને પોતાની સાથે લીધા જેમની પાસે પણ એકે ૪૭ રાઇફલ હતી. બાકીના કૉન્સ્ટેબલને ઍલર્ટ રહેવાની સૂચના આપી અને દબાતા પગલે દરવાજા સુધી પહોંચ્યા અને દરવાજો નોક કર્યો. અંદરથી અવાજ આવ્યો : “આ જાઇયે ભાઈજાન.” આ જવાબ અન્‌અપેક્ષિત હતો. અંદરથી એક કરતાં વધુ વ્યક્તિઓનો અવાજ આવી રહ્યો હતો અને દરવાજા ખખડાવતાં કોઈએ બહુ સહજતાથી અંદર આવી જવાનું કહ્યું હતું. પણ અંદર કોણ કોણ છે, શું માહોલ છે તેનો કોઈ અંદાજ વિનયને આવી રહ્યો ન હતો. તેણે ફરી વિચાર કરી દરવાજો ખખડાવ્યો. ફરીથી “આવો ભાઈ આવો, દરવાજા ખુલ્લા હૈ.” તેવો પ્રત્યુત્તર મળ્યો. કમાન્ડો સહિત તમામ ઇન્સ્પેક્ટર વિનયની પ્રતિક્રિયાની રાહ જોતા હતા. વિનયે પોતાની પિસ્તોલની ટ્રિગર ઉપર આંગળી મૂકી અને છાતીની નજીક રાખી અંદર જવાની તૈયારીમાં હતો ત્યાં જ એક અવાજ સાથે દરવાજો ખૂલ્યો : “કોન હૈ ભાઈ?” વિનયે તરત પેલી વ્યક્તિની છાતી ઉપર પિસ્તોલ મૂકી દીધી અને તેને જોરથી અંદર હડસેલી દેતાં કહ્યુંઃ “ગોલી માર દૂંગા… કોઈ ચાલાકી મત કરના.” વિનયની પાછળ તરત રાઇફલ સાથે બે કૉન્સ્ટેબલો પણ દાખલ થઈ ગયા અને તેમણે ઘરમાં રહેલી વ્યક્તિઓ સામે રાઇફલ તાકી તેમને કાબૂમાં કરી લીધા.

- Advertisement -

ઘરમાં કુલ ચાર વ્યક્તિઓ હતી. વિનયે ઝડપભેર ઘરમાં એક નજર ફેરવી… ઘરમાં બીજી કોઈ વ્યક્તિઓ છે કે નહીં. સામે જે વ્યક્તિઓ બેઠી છે, તેમની પાસે તો હથિયાર નથી ને? પહેલાં તો એવું કંઈ લાગ્યું નહીં છતાં વિનયે બાજુમાં રહેલા કૉન્સ્ટેબલને ઇશારો કરી કહ્યુંઃ “ચેક કરી લે.” એક કૉન્સ્ટેબલ હજી રાઇફલ તાકી ઊભો હતો, બીજાએ પોતાની રાઇફલ ખભે લટકાવી અને બધાના પગથી લઈ માથા સુધી તપાસી લીધા હતા. વિનયે જેની છાતી ઉપર પિસ્તોલ મૂકી હતી, તેણે હિંમત કરી પૂછ્યું : “સા’બ માજરા ક્યા હૈ?” વિનયે તેની પિસ્તોલનું નાળચું જોરથી છાતી ઉપર દબાવતાં રાડ પાડી : “મુહ બંધ રખ વરના સભી ગોલિયાં ખાલી કર દૂંગા.” પેલી વ્યક્તિ આશરે પપ વર્ષની હશે. જે કૉન્સ્ટેબલ તલાશી લઈ રહ્યો હતો તેણે ફરી રાઇફલ પોઝિશનમાં પકડી અને ઘરના અન્ય રૂમો જોઈ આવ્યો. બહારથી તેણે ઇશારામાં કહ્યુંઃ “કોઈ નથી અંદર.” અચાનક વિનયનું ધ્યાન એક ટેબલ ઉપર પડેલી એક બૅગ ઉપર પડ્યું, તેણે કૉન્સ્ટેબલને ઇશારો કર્યો, તે બૅગની નજીક ગયો અને થોડીક તકેદારી સાથે ‘ક્યાંક તેમાં બૉમ્બ હોય તો?’ તેવા ડર સાથે બૅગ ખોલી. તેમાં પાંચ- સોના દરની ચલણી નોટોનાં બંડલ હતાં. વિનયે પેલા માણસ સામે જોયું. તે કંઈ બોલવા જતો હતો, પણ વિનયની આંખ જોતાં મોઢું બંધ રાખવાનું મુનાસિબ માન્યું. વિનયે કંઈક વિચાર્યું, પછી બોલ્યો, “બહાર બ્લૅક કાર કિસકી હૈ?” ત્યાં બેઠેલી એક વ્યક્તિએ જવાબ આપ્યો : “સા’બ, મેરી.” તે ખૂબ ડરી ગયેલી હતી. વિનયે તેને પૂછ્યું : “મુંબઈ કા હૈ?” તેણે હકારમાં માથું હલાવ્યું. કૉન્સ્ટેબલે તેની પાસે કારની ચાવી માગતાં તેણે તરત કારની ચાવી આપી દીધી. જેની છાતી ઉપર ગન હતી તેની સામે જોતાં વિનયે પૂછ્યું : “ક્યા નામ હૈ, કહાં કા હૈ?” “જુનેદ કુરેશી હૂં, વો સામને બેઠા મેરા બેટા મકસૂદ હૈ; ઉસકે સાથ જાહીદ અને મુઝબિલ હૈં. દોનોં દોસ્ત હૈં. મુંબઈ મેં બડા કારોબાર હૈ.”

કૉન્સ્ટેબલ સમજી ગયો. તેણે બહાર રહેલા અન્ય કૉન્સ્ટેબલને ઇશારો કરતાં તે અંદર આવ્યા. તેમના હાથમાં હાથકડીઓ અને ચહેરો ઢાંકવા માટેના કાળા બુરખા હતા. હજી પેલી વ્યક્તિ વાત કરવા માગતી હતી પણ કૉન્સ્ટેબલો તેમના બંને હાથ પાછળ તરફ કરી હાથકડી બાંધવા લાગ્યા અને ચહેરા ઉપર બુરખો પહેરાવી દીધો. સૌથી મોટી ઉંમરની વ્યક્તિ એટલે જુનેદે બુરખાની અંદરથી પૂછ્યું : “સા’બ, હમારા કસૂર તો બતાઈ એ? ઔર આપ કૌન હો? કહાં લે જાના ચાહતે હો?” ઉંમરનો અંદાજ આવી જતાં વિનયે કહ્યુંઃ “હમ ક્રાઇમ-બ્રાન્ચ સે હૈં ચાચા; ઔર આપકા કસૂર તો આપ કો વહાં જાકે હી બતાયેંગે.” તમામને હાથકડી બંધાઈ ગઈ હતી, બુરખા પણ પહેરાવી દીધા હતા, જેના કારણે દિશાનું ભાન થતું ન હતું. તમામ સાથે એક કૉન્સ્ટેબલ હતો. તે તેમને હાથ પકડી ઘરની બહાર લઈ આવ્યા. એક પોલીસવાળાના હાથમાં ચલણી નોટો ભરેલી બૅગ હતી.

વિનયે ઇશારો કરતાં કમાન્ડોએ પોતાની પોઝિશન છોડી દીધી. ચાર વ્યક્તિઓ પૈકી બે-બેનાં જૂથમાં અલગ કરી તેમને કારમાં બેસાડી દીધા અને કાર યુટર્ન લઈ નીકળી ત્યાં સુધી કમાન્ડો રસ્તા ઉપર ઊભા રહ્યા અને પછી તે પણ કાફલામાં જોડાઈ ગયા. ત્યારે રાતનો સવા વાગી ગયો હતો. ગલીમાં કેટલાક લોકોને કંઈક થઈ રહ્યું છે તેવો ખ્યાલ આવ્યો હતો, પણ પોલીસની ઝંઝટમાં કોણ પડે તેવું માની પોતાના ઘરની લાઇટો બંધ કરી અંધારામાં આખો તમાશો જોવાનું પસંદ કર્યું હતું. પાછાં બધાં વાહનો ક્રાઇમ-બ્રાન્ચ આવ્યાં. જુનેદ, મકસૂદ, જાહીદ અને મુઝબિલને જીપમાંથી ઉતાર્યા પછી તેમના બુરખા અને હાથકડી ખોલી નાખવાનો વિનયે આદેશ આપ્યો હતો. ચારે ક્રાઇમ-બ્રાન્ચની ઊંચી દીવાલો અને લોખંડી દરવાજાની અંદર આવી ગયા હતા. તેઓ ચારે તરફ નજર ફેરવી ખાતરી કરતા હતા કે પોતે ક્યાં છે? જુનેદ અને મકસૂદને ગુજરાતી આવડતી હતી. તેમણે બોર્ડ ઉપર લખેલું વાંચ્યું : ‘અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચ’. વિનયે ચારે સામે જોતાં કહ્યુંઃ “પેશાબપાની કરના હૈ તો કર લો; બાકી કી બાત કલ સુબહ કરેંગે.” જુનેદને આશ્ચર્ય થયું કે જો સવારે વાત કરવી હતી, તો હમણાં શું કામ લઈ આવ્યા, પણ પ્રશ્ન પૂછવાનો કોઈ અર્થ ન હતો.

- Advertisement -

ક્રાઇમ-બ્રાન્ચમાં દાખલ થાવ એટલે ડાબી તરફ બાથરૂમ હતાં. જુનેદ અને મુઝબિલ બાથરૂમ જઈ આવ્યા પછી ચારેને કૉન્સ્ટેબલ ડાબી તરફ ઉપરના માળે જવાની સીડી તરફ લઈ ગયો. લાકડાની બે ચેમ્બર આવી. એક ચેમ્બર ઉપર નેમ-પ્લેટ હતી : ઇન્સ્પેક્ટર વિનય તોમર અને બીજા ઉપર હતું : ઇન્સ્પેક્ટર મહેશ રાવ. ચેમ્બર પૂરી થતાં મોટો હૉલ હતો, ત્યાં કેટલાક લોકો પહેલાંથી દીવાલ તરફ મોઢું કરી બેઠા હતા. પોલીસે ચારેને તેમની સાથે કતારમાં બેસાડી દીધા અને તેમનો એક એક હાથ દીવાલમાં ફિટ કરેલી હાથકડી સાથે બાંધી દીધો.

જુનેદ અને તેના દીકરા સહિત બધા ના ચહેરા ઉપર અપમાનનો તીવ્ર ભાવ હતો. મકસૂદને તો રડવું પણ હતું. એક પોલીસવાળો આવ્યો. તેના હાથમાં પાણી ભરેલી એક બૉટલ હતી, તે જુનેદની બાજુ ઉપર મૂકતાં કહ્યુંઃ “ચાચા, આપ કે લિયે હૈ.” પછી તેણે બધાનાં ખિસ્સાં તપાસ્યાં, તો કાગળો, પૈસા અને મોબાઇલ ફોન હતા તે લઈ લીધા અને કહ્યુંઃ “અભી જમા કરે હૈં, જાતે વક્ત મિલ જાયેંગે.” કોઈએ કંઈ જવાબ આપ્યો નહીં.

વિનય પોતાની ચેમ્બરમાં જઈ બેઠો. તેને પોતાને પણ હજી જુનેદ અને તેના કામની ખબર ન હતી. તે તેનો વિચાર જ કરી રહ્યો હતો. પરંતુ ડીસીપી વછરાજાનીની ટ્રેનિંગ પ્રમાણે જેને પકડી લાવો તેના મનમાં ક્રાઇમ-બ્રાન્ચનો ડર ઊભો કરવો જરૂરી હતો. અનેક વખત થર્ડ ડિગ્રી આપવા કરતાં પણ દિવસો સુધી કોઈને બેસાડી રાખવામાં આવે તો તેમને તૂટી જતા વિનયે જોયા હતા. જુનેદ અને મકસૂદ સાઉદીથી આવ્યા હતા, તેની તો વિનયને ખબર હતી, તે વાત તો જહાંગીર જ લઈ આવ્યો હતો. પણ જુનેદના ઘરમાં આટલી મોટી સંખ્યામાં પૈસા કેમ હતા તેની ખબર પડી ન હતી, વિનય તેનો જ વિચાર કરતો હતો. તે જ વખતે વિનયનો કૉન્સ્ટેબલ પૈસા ભરેલી બૅગ લઈ આવ્યો અને કહ્યુંઃ “સાહેબ, ગણી લીધા. પૂરા ૬૨ લાખ છે.” વિનયની આંખ ચાર થઈ ગઈ : ‘૬૨ લાખ?!’ નાની રકમ ન હતી. વિનયે સ્ટાફને જવાની રજા આપી અને કૅમ્પસ ડ્યૂટીમાં રહેલા પીએસઆઈ પંડ્યાને જરૂરી સૂચના આપી પોતે પણ રવાના થયા. મકસૂદની આંખમાં આંસુ હતાં, તેના પિતા જુનેદે તેને કહ્યુંઃ “અલ્લાહ પે ભરોસા રખ. હમને કોઈ ગલત કામ નહીં કિયા, હમારે સાથ ભી ગલત નહીં હોગા.”
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular