એપ્રિલથી સપ્ટેમ્બર છમાસિકગાળામાં ક્રૂડ ઓઇલ આયાતમાં ૨.૫ ટકાનો ઘટાડો
બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈ વાયદાના ભાવ સતત પાંચ સપ્તાહથી ઘટી રહ્યા છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભારતનું માસિક ક્રૂડ ઓઇલ ઉત્પાદન ૨.૨ ટકા વધીને ૨.૫ લાખ ટનની ઊંચાઈએ પહોંચ્યું છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ઓઇલ ઈન્ડિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ઉત્પાદન વૃધ્ધિ શ્રેષ્ઠ જોવા મળી હતી. પરિણામે સરકારી ડેટા મુજબ ભારતની કૂલ આયાત જવાબદારીમાં ૩ ટકાનો ઘટાડો જોવાયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર છમાસિકગાળામાં ક્રૂડ ઓઇલ આયાતમાં ૨.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલનું ઓકટોબર આયાત બિલ ૯.૮ અબજ ડોલર થયું હતું, ગતવર્ષે સમાનગાળામાં આ આયાત બિલ ૧૫.૮ અબજ ડોલરનું હતું. દરમિયાન, જુલાઈમાં ભારતે ૪.૧ અબજ ડોલરનું ક્રૂડ ઓઇલ નિકાસ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ઘટતા જોવાયા હતા. એનર્જીના ભાવની ઉઠાલપાથલ સમતોલ રહેતા બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈ વાયદાના ભાવ સતત પાંચ સપ્તાહથી ઘટી રહ્યા છે. શુક્રવારે નાયમેક્સ આઇસીઇ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફેબ્રુઆરી વાયદો ૧.૪૬ ટકા ઘટીને ૮૦.૨૩ ડોલર અને ડબલ્યુટીઆઈ જાન્યુઆરી ૨.૫ ટકા ઘટી ૭૫.૧૭ ડોલર મુકાયો હતો. મધ્યપૂર્વની ઘટનાઓ અને ભૂ-ભૌગોલિક પ્રતિક્રિયાએ પણ ઊર્જા બજારમાં પોતાની ભૂમિકા કરી હતી.
ગાઝા અને ઈઝરાયેલ તરફથી કેટલાંક લોકોની સામસામી જેલમુક્તિને પગલે ભૂ-ભૌગોલિક ચિંતાઓ હળવી થવાને લીધે બજારમાં જોખમ પ્રીમિયમ ઘટ્યું હતું, તેથી પણ ભાવ વધઘટ સંકડાઈ ગઈ હતી. ૨૬થી ૩૦ નવેમ્બર સુધી પુન:નિર્ધારીત ઓપેક પ્લસ દેશોની મિટિંગ પર હવે બજારની નજર મંડાઇ છે. તાજેતરની બજાર ચર્ચાઓ એવા સંકેત આપે છે કે ખાસ કરીને આફ્રિકન દેશો અંગોલા અને નાયઝીરિયાના ઉત્પાદન સ્તર જાળવી રાખવાની શક્ય સહમતી સધાઈ જશે.
ઓપેક પ્લસ દેશો કેવો વ્યુહ અપનાવે છે, તે સંદર્ભની અફવાઓ બે ભાગમાં વહેચાઈ ગઈ છે. ઓપેક ગ્રુપ આસપાસ મહત્વનો મુદ્દો એ ચર્ચાય છે કે આ સંગઠન વર્તમાન ઉત્પાદન સ્તર જાળવી રાખશે કે તેમાં વધારે કાપ કરશે. વધુમાં એવી પણ ચર્ચા છે કે સાઉદી અરેબિયા તેનો દૈનિક ૧૦ લાખ બેરલ વર્તમાન સ્વૈચ્છિક ઉત્પાદન કાપ હિસ્સો જાળવી રાખશે કે નહીં. અલબત્ત, અમેરિકાનો વધી રહેલો ક્રૂડ ઓઇલ સ્ટોક, તેમજ જાગતિક માંગ પુરવઠાની બદલાયેલી સ્થિતિ વચ્ચે બજારનો આંતરપ્રવાહ મંદીમાં જઈ રહ્યો છે, ત્યારે ઉત્પાદન બાબતે નિર્ણયો લેવાનો મુદો ગહન છે.
વિશ્વમાં નિર્માણ પામેલી અનિશ્ચિતતા વચ્ચે જગતની મહત્તમ કરન્સીઓ સામે ડોલરની મજબૂતાઈ સાથે ભારત સરકારને આયાત બિલ નિયંત્રિત કરવું જરુરી બન્યું હોઇ, એનાલિસ્ટો કહે છે કે ભારતમાં ઉત્પાદન વૃધ્ધિના સમાચાર રાહતદાયી બની ગયા છે. એવું માનવામાં આવે છે કે રશિયા તરફથી રાહત દરે આયાત થતું ઓઇલ તે સાથે જ સ્થાનિક ઉત્પાદન વધતા દેશની વેપાર ખાધમાં પણ સુધારો જોવા મળશે.
બજારમાં વૈશ્વિક અર્થતંત્રોની સ્થિતિ સંદર્ભે ખાસ કરીને ચીનથી આવતા સમાચારોને લઈ વ્યાપક ચર્ચાઓ આરંભાઈ છે. તાજેતરમાં ચીન સરકારે બાંધકામ ક્ષેત્રે કરેલી મધ્યસ્થી અને તાજેતરના આર્થિક આંકડા ટૂંકાગાળાના ઓઇલના ભાવ પ્રવાહો પર હકારાત્મક છાપ ઉપસાવી છે. જોકે ૨૦૨૪ના પ્રથમ છમાસિકમાં માંગ વૃધ્ધિ સારી એવી ધીમી પાડવાની આશંકાઓ લાંબાગાળાના ભાવ પ્રવાહ માટે સાવચેતી રાખવી જોઈશે. ઓપેક સિવાયના દેશોમાં વેગથી વધતું ઉત્પાદન, ખાસ કરીને બ્રાઝીલના પેટ્રોબાસનું ઉત્પાદન બજારને નવી દિશાદોર પ્રદાન કરશે.
વર્તમાન સપ્તાહ જેમ જેમ આગળ વધશે તેમ તેમ ઓપેક પ્લસ દેશોની મિટિંગમાંથી બહાર આવતા સમાચાર પણ બજારને દોરવણી આપશે. આ ઘટના ક્રૂડ ઓઇલ બજારના ભાવ નિર્ધારણ માટેનું નવું તત્વ ઊભરી આવશે. બજાર અત્યારે તેજીમાં જવું કે મંદીનો રાહ પકડવાની વિધ્ન દોડ માટે ઓપેક દેશોના સંકેતોની, તેમજ વૈશ્વિક અર્થતંત્રનો નવો નકશો તૈયાર થવાની રાહ જોઈ રહ્યું છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








