પ્રશાંત દયાળ (શતરંજ-59, નવજીવન ન્યૂઝ): વિનોદ પરમાર સવારે પોતાની ઑફિસમાં આવ્યા, ત્યારે તેમને આજે કયા કયા કામ કરવાના છે તેની યાદી તૈયાર રાખી હતી, જેમાં સૌથી પહેલાં તેમને નૂરુ સાથે વાત કરવાની હતી. તેમણે તરત પોતાની કેસ ડાયરી જોઈ અને ફોન લગાડ્યો : “હેલો, નૂરુભાઈ બોલ રહે હો? મૈં ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર, ગુજરાત સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચ સે બોલ રહા હૂં.” નૂરુ અને પરમાર ક્યારેય મળ્યા ન હતા, પણ પરમાર જે પ્રામાણિકતાથી કામ કરી રહ્યા હતા, તેના સમાચાર તેને મળ્યા હતા, તેના કારણે તેણે તરત કહ્યું : “જી સા’બ, બોલિયે.” પરમારે પહેલાં માફી માગતાં વાતની શરૂઆત કંઈક આવી રીતે કરી : “નૂરુ, મુઝે બતાતે હુવે દુ:ખ હોતા હૈ… હમ રૂપા કો નહીં બચા પાયે.” “જી સર, મૈંને ન્યૂઝ મેં દેખા થા.” નૂરુએ જવાબ આપ્યો, “લેકિન મૈં આપકા શુક્રગુજાર હૂં, કિ આપ કે કારણ હી મેરે ભાઈ ઓર ભાભી કો ઇન્સાફ મિલેગા.” પરમારે કહ્યું, “નૂરુ, આપકી એક મદદ કી જરૂર હૈ, હમેં જો કંકાલ મિલે હૈં, વો રૂપા કે હી હૈં યહ પ્રૂવ કરને કે લિયે હમેં રૂપા કે પરિવાર સે કિસીકા બ્લડ સૅમ્પલ ચાહિયે, તાકિ હમ ઉનકા ડીએનએ ટેસ્ટ કરવા સકે.”
નૂરુએ કહ્યું, “સર, કામ થોડા સા મુશ્કિલ હૈ, ક્યોંકિ જબ સે રૂપાને નિઝામ કે સાથ શાદી કી થી, તબ સે ઉસકે પરિવારને નાતા તોડ દિયા થા. આપ દેખો તો યહ પૂરે મામલે મેં અભી તક ઉન્હોંને ઉનકી બેટી હોને કે બાવજૂદ કોઈ ઇન્ટરેસ્ટ નહીં લિયા. મૈં કોશિશ કરૂંગા ઉનકો સમજાને કી.” પરમારે કહ્યું, “પ્લીઝ યહ બહુત જરૂરી હૈ, અગર ઐસા નહીં હુવા તો ટ્રાયલ કે દૌરાન હમારે પાસ રૂપા કા મર્ડર હુવા હૈ ઐસે એવિડન્સ ઔર વિટનેસ હોને કે બાવજૂદ, હમ મરનેવાલી રૂપા હી થીં, યહ એસ્ટાબ્લિશમેન્ટ નહીં કર પાયેંગે.” વાત પૂરી કરી પરમારે ફોન મૂક્યો ત્યાર બાદ તરત તેમણે બીજો ફોન એટીએસની ઑફિસે લગાવ્યો. સામે છેડે પોલીસ સ્ટેશન-ઑફિસર હતો. પરમારે પોતાનો પરિચય આપ્યા બાદ કહ્યું, “એક વર્ધી લખો…” પોલીસની ભાષામાં સત્તાવાર ટેલિફોનિક સૂચનાને વર્ધી કહેવામાં આવે છે, એટલે તરત પીએસઓએ લખવાની શરૂઆત કરી : “ગુજરાત સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર જણાવે છે કે, ગુજરાત એટીએસમાં ફરજ બજાવતા પોલીસ કૉન્સ્ટેબલ અનિલ, અરવિંદ અને ચિંતનને નિઝામ મર્ડર કેસ કે જેની તપાસ સુપ્રીમ કોર્ટના આદેશથી સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચ કરી રહી છે, તેની તપાસના કામે સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચની ઑફિસ ગાંધીનગર ખાતે બપોરના ત્રણ વાગે હાજર રહેવા જણાવવામાં આવે છે.” પરમારે ત્રણે કૉન્સ્ટેબલોને સમન્સ કરી હાજર રહેવાની સૂચના આપી હતી.
મહેન્દ્રસિંહના નિવેદન પ્રમાણે રૂપાની લાશ દાટવામાં તેની સાથે અરવિંદ, અનિલ અને ચિંતન પણ હતા. આ કામગીરી આટોપી લીધા બાદ પરમાર સીધા ડીઆઇજી અક્ષય જૈનની ચેમ્બરમાં ગયા. પરમારને જોતાં જૈનના ચહેરા ઉપરના હાવભાવ બદલાયા. પહેલાં તો તેમને ચિંતા થઈ કે, પરમાર નવી કોઈ બબાલ સાથે આવ્યા હશે. બીજું મંત્રીની સૂચના હતી કે, પરમાર જે કંઈ કરે તેમાં તેમણે ડેમેજ કંટ્રોલર તરીકે કામ કરવાનું છે. તેથી હવે તેમની ડેમેજ કંટ્રોલર તરીકેની કામગીરી શરૂ કરવાની હતી. પરમારને જોતાં તેમણે પરાણે હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું : “આઇયે પરમારજી.” જ્યારે જૈન સામે તેમને નહીં ગમતો માણસ આવે ત્યારે તે તેના નામની પાછળ જી લગાવતા હતા. પરમારે તેમને સલામ કરી અને તેમની સામે બેઠા.
અક્ષય જૈને તરત પૂછ્યું, “બતાઇયે, ખેરિયત તો હૈ ના?” પરમારે કહ્યું, “જી સર, આપને મુઝે બતાયા થા, કેસ મેં કુછ ભી ડેવલપમેન્ટ હો તો મુઝે આપ કો ઇન્ફર્મ કરના હૈ.” આ વાક્ય પૂરું થતાં જૈનને ફાળ પડી… નક્કી કંઈક ગરબડ હોવી જોઈએ, એટલે તેમણે ઉતાવળે કહ્યું, “બતાઇયે.” પરમારે કહ્યું, “સર, ખાસ કુછ નહીં, એક તો જો કંકાલ મિલે હૈં, ઉસકા ડીએનએ કરવાના જરૂરી હૈ, ઇસ લિયે નૂરુ કો બતાયા હૈ, ઓર દૂસરા હમારા જો વિટનેસ હૈ કૉન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ઉસકે સાથે લાશ દફનાને મેં ઔર તીન પોલીસ કૉન્સ્ટેબલ થે, ઉનકો મૈંને આજ દોપહર કો બુલાયા હૈ.” આ બંને વાત જૈનને પસંદ નહોતી પડી. પણ એક ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસરની સત્તાની વાત હોવાને કારણે જૈન તેમને સીધી રીતે ના પાડી શકે તેમ પણ ન હતા, તેથી તેમણે બહુ મોટી વાત ના હોય, તેવી રીતે કહ્યું : “ઠીક હૈ.”
પરમાર જેવા ચેમ્બરની બહાર નીકળ્યા તેની સાથે તરત અક્ષય જૈને એટીએસના એસપી ઇન્દ્રસિંહ જાડેજાને ફોન કરીને કહ્યું, “જાડેજા, તુમ્હારે તીન કૉન્સ્ટેબલોં કો પરમારને સમન્સ કિયા હૈ, જરા ઉનસે બાત કર લો ઔર બતા દો કિ ઉનકા મુંહ બંધ રખે.” “જી, સર.” કરી જાડેજાએ ફોન મૂક્યો, પરમાર પણ જાણતા હતા કે, જૈન તરત જાડેજાને જાણ કરશે. જાડેજાએ અનિલ, અરવિંદ અને ચિંતનને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. જોકે તેમને ત્રણેને પોલીસસ્ટેશન-ઑફિસરે અગાઉથી સૂચના આપી દીધી હતી કે, તેમણે સીઆઇડી ક્રાઇમમાં નિવેદન આપવા જવાનું છે. એટલે જ્યારે જાડેજાએ તેમને બોલાવ્યા, ત્યારે તેમના ચહેરા ઉપર ડર હતો જ. તેમને જોતાં જ જાડેજા બોલ્યા, “અરે આમાં ડરવાની કોઈ જરૂર નથી. આવી તો તપાસ થતી રહે. તમારી સાથે હું તો ઠીક પણ સરકાર પણ છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે એક જ વસ્તુ પકડી રાખવાની કે અમને કંઈ ખબર નથી અને અમે કંઈ જાણતા નથી.” અનિલે તરત સવાલ કર્યો : “સાહેબ, પણ મહેન્દ્રસિંહે અમારાં નામ લખાવ્યાં છે ને!” જાડેજાએ તેનો જવાબ આપતાં કહ્યું, “અરે ભાઈ, આવતીકાલે તમે મુખ્યમંત્રીનું નામ લખાવી દો એટલે કંઈ તે ઓછો ગુનેગાર સાબિત થાય છે? તમે લાશ દાટવા ગયા હતા, તેના કોઈ પુરાવા છે? એકલા મહેન્દ્રસિંહના નિવેદનથી કંઈ થાય નહીં.”
અનિલ જાણે જાડેજાની વાત સાથે સંમત હોય તેવું લાગ્યું. જાડેજાએ તેમને વિશ્વાસ અપાવતાં કહ્યું, “પરમાર થોડો વિચિત્ર છે, પણ મારે ડીઆઇજી જૈન સાથે વાત થઈ ગઈ છે, તે પણ ત્યાં હાજર હશે. તમે જઈ આવો પછી મને મળજો.” કૉન્સ્ટેબલ ચિંતને કહ્યું, “સાહેબ, હજી મારી નોકરીને ત્રણ જ વર્ષ થયાં છે.” જાડેજા પરાણે હસવા લાગ્યા : “અરે ચિંતન, તને જાણે આજે પૂરી દેવાના હોય તેવી વાત કરે છે! તને મારી ઉપર ભરોસો છે કે નહીં?” ચિંતન પાસે હમણાં જાડેજા ઉપર ભરોસો કરવા સિવાય કોઈ વિકલ્પ પણ ન હતો.
બપોરના ત્રણ વાગ્યા હતા. અનિલ, અરવિંદ અને ચિંતન ગાંધીનગર પહોંચી ગયા હતા. હજી વિનોદ પરમારે તેમને બોલાવ્યા ન હતા. સીઆઇડી ક્રાઇમમાં આ ત્રણે કૉન્સ્ટેબલોના પરિચિત પોલીસવાળા પણ હતા. તેઓ તેમની પાસે બેઠા હતા. તેઓ સીઆઇડી ક્રાઇમના પોલીસવાળા સામે પોતાનો બળાપો ઠાલવી રહ્યા હતા. હવે તેમને લાગી રહ્યું હતું કે પોતે નાહકના ફસાઈ ગયા છે. પોલીસ તરીકે તેમણે આ રીતે અનેક લોકોને બોલાવી નિવેદન લીધા હતા. જોકે પોતે પોલીસ હોવા છતાં નિવેદન આપવા આવ્યા ત્યારે તેમના ધબકારા વધી ગયા હતા.
અક્ષય જૈનનો પરમાર ઉપર ફોન આવ્યો : “તીન પોલીસવાલે તુમ્હારી ચેમ્બર કે બાહર આ ગયે હૈં. એક કામ કરો. બારી–બારી તુમ ઉસે મેરી ચેમ્બર મેં બુલા કે ઉનકા સ્ટેટમેન્ટ રેકર્ડ કરો. મૈં ભી સુનના ચાહતા હૂં… ક્યા બોલ રહે હૈં?’ પરમાર મનોમન હસ્યા. તેમને ખબર હતી કે જૈનની હાજરીમાં સ્ટેટમેન્ટ લેવાનો અર્થ શું થતો હતો. જૈનની હાજરીને કારણે કોઈ પોલીસ કૉન્સ્ટેબલ તૂટી જાય નહીં તેના માટે તેમણે પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા. પરમારને તે પણ સમજાઈ ગયું હતું કે, આ યોજના ઇન્દ્રસિંહ જાડેજાની જ હોઈ શકે છે, પણ જૈન તેમના સિનિયર હતા. તેના કારણે તેમનો આદેશ માનવો જરૂરી હતો. પરમાર પણ જાણતા હતા કે, આ ત્રણે પોલીસવાળાને જાડેજાએ શિખવાડી કયા સવાલ આવશે અને કયા જવાબ આપવાની તૈયારી સાથે મોકલ્યા હશે, એટલે બધું અપેક્ષિત જ થવાનું હતું. પરમાર ચેમ્બરની બહાર નીકળ્યા અને કૉન્સ્ટેબલ અનિલને પોતાની સાથે જૈનની ચેમ્બરમાં આવવાની સૂચના આપી. બંને સાથે જૈનની ચેમ્બરમાં પહોંચ્યા.
અનિલનું નિવેદન લેવાની શરૂઆત થઈ. તે ગોખીને આવ્યો હોય તેમ દરેક પ્રશ્નનો જવાબ આપી રહ્યો હતો : મને ખબર નથી, હું જાણતો નથી. મને યાદ નથી વગેરે વગરે. આ રીતે જ અરવિંદ અને ચિંતને પણ જૈનની હાજરીમાં નિવેદન નોંધાવ્યાં હતાં, જૈનના ચહેરા ઉપર એક ખુશી હતી કે એક પણ કૉન્સ્ટેબલ તૂટ્યો નહીં!
(ક્રમશ:)








