Monday, October 12, 2026
HomeGujaratસ્ત્રીઓ પર હંમેશા ગંદી નજર રાખતા IPS ની બદલી CID ના DIG...

સ્ત્રીઓ પર હંમેશા ગંદી નજર રાખતા IPS ની બદલી CID ના DIG તરીકે થઈ | શતરંજ-56

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-56, નવજીવન ન્યૂઝ): ડીજીપી રામકિશોર ચૌબેએ જ્યારે ડીઆઇજી વિવેક પંતને તેમનો ટ્રાન્સફર ઑર્ડર આપ્યો, ત્યારે તેમના ચહેરા ઉપર એક સ્મિત સિવાય કંઈ ન હતું. તે ઊભા થયા અને તેમણે ચૌબેને સલામ કરતાં માત્ર ‘થૅંક્સ’ કહ્યું. તે સીધા પોતાની ઑફિસમાં પહોંચ્યા. જાણે કંઈ બન્યું જ નથી, તેમ ચાર્જ છોડતાં પહેલા કેટલાંક અધૂરા કામ હતા, તે લઈ બેઠા. તે કમ્પ્યૂટર ઉપર કંઈક ટાઇપ કરી રહ્યા હતા. વિવેક પંતની બદલી થઈ ગઈ છે, તેની હજી સુધી કોઈને ખબર ન હતી અને પંત એક દિવસ માટે આ વાત પોતાના તરફથી ખાનગી રાખવા માગતા હતા. આજે સીઆઇડી ક્રાઇમમાં તેમનો છેલ્લો દિવસ હતો. તેમની જગ્યાએ આવતી કાલે કોઈ નવો અધિકારી આવવાનો હતો, તે કોણ હતો તેની તેમને પણ ખબર ન હતી અને તેમને તે જાણવામાં રસ પણ ન હતો.

સાંજના છ વાગ્યા. ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર વાસદથી પોતાનું બધું કામ પૂરું કરી ઑફિસમાં પહોંચ્યા હતા. તે પંતને રિપોર્ટ કરવા આવ્યા. પંતે તેમને બેસવાની સૂચના આપી. બેલ વગાડી કૉન્સ્ટેબલને બે કૉફી લાવવાની સૂચના આપી. પરમાર જોઈ રહ્યા હતા કે પંતના ચહેરા ઉપર એક વિચિત્ર પ્રકારની સ્વસ્થતા હતી. હજી તેમણે કોઈ સવાલ પૂછ્યો ન હતો અને કોઈ સૂચના પણ આપી ન હતી. કૉફી આવતા સુધી પંત પોતાના કમ્પ્યૂટર ઉપર કામ કરતા રહ્યા. કૉફી આવી એટલે તેમણે પોતાના કમ્પ્યૂટરના કી-બોર્ડને અંદરની તરફ ધકેલ્યું અને પરમાર સામે જોતાં પૂછ્યું : “પરમાર, થક ગયે હો?” પરમાર ગઈ કાલથી ઘરે ગયા ન હતા, રાતે પણ ઑફિસમાં જ હતા. પરમારને લાગ્યું કે કદાચ તેના કારણે જ સાહેબ આવું પૂછતા હશે : તેમણે જવાબ આપ્યો : “નહીં સર, આજ પૂરા દિન ધૂપ મેં કામ કિયા ઇસ લિયે ઐસા લગતા હોગા.”

- Advertisement -

પંતે નિશ્વાસ નાખતાં કહ્યું, “નહીં પરમાર મૈં શારીરિક થકાન કી બાત નહીં કરતા, માનસિક થકાન કી બાત કરતા હૂં.” પરમારે પોતાનો કૉફીનો કપ ટેબલ ઉપર મૂકતાં કહ્યું, “ક્યૂં સા’બ, ઐસી બાત કર રહે હો? જબ સે આપ આયે હો મુઝે તો લગતા હૈ, મેં રાત-દિન દોડતા રહૂં, લેકિન ક્યાં બાત હૈ? આપ મુઝે ઠીક નહીં લગ રહે હો.” પંત તેમની સામે જોઈ હસવા લાગ્યા. કંઈ બોલ્યા જ નહીં. કંઈક વિચારતા હોય તેમ બેસી રહ્યા. પછી થોડા આગળ નમ્યા અને પોતાના ટેબલ ઉપર પડેલું ખાખી કવર ઉપાડી, પરમાર સામે ધર્યું. પરમારને કંઈક અજુગતું બન્યું હોવાનો અંદેશો આવ્યો. તેમણે તે કવર લઈ તેમાં રહેલો પત્ર કાઢી વાંચ્યો અને કહ્યું, “સર, યે ક્યા હૈ? એસા કૈસે હો સકતા હૈ?” પંત તેમની સામે એકીટશે જોઈ રહ્યા હતા. પછી તેમણે પરમારને કહ્યું, “હમ જૈસે લોગોં કી સંખ્યા બહુત જ્યાદા હૈ, લેકિન હમ બિખરે હૂવે હૈં, ઓર મંત્રીજી, ચૌબે સર, વછરાજાની ઓર જાડેજા જૈસે લોગ કમ હોને કે બાવજૂદ સાથ મેં ખડે હૈ, લેકિન આગે કી લડાઈ તુમ્હેં લડની હૈ. મૈં યહાં નહીં હોને કે બાવજૂદ તુમ્હારે સાથ હૂં, જબ ભી મેરી જરૂરત પડે મુઝે કૉલ કર દેના.”

પંત પોતાની વાત પૂરી કરે તે પહેલાં પરમારની આંખો ભીની થઈ ગઈ. પહેલી વખત એવું બન્યું કે, પોતાની કૅરિયરની આટલી લાંબી નોકરી દરમિયાન અનેક અધિકારીઓની બદલી થઈ હતી, પણ ક્યારેય કોઈ અધિકારીની બદલી વખતે આંખો ભીની થઈ ન હતી અને વળી પંતની વિદાયને કોઈએ લાગણીસભર બનાવી ન હતી. પરમાર અને પંતે લગભગ એક મહિનો જ સાથે કામ કર્યું હતું. પંત ઊભા થઈ પરમાર બેઠા હતા ત્યાં આવ્યા. પરમાર ઊભા થતા હતા, પણ તેમના ખભે હાથ મૂકી તેમને બેસાડ્યા અને કહ્યું, “મુઝે નાઝ હૈ તુમ પર. પોલીસ મેં આકે તુમ કિતના પૈસા કમાયે મુઝે માલૂમ નહીં, લેકિન તુમને કિસીકી મોત કા સૌદા નહીં કિયા યે ફક્ર કી બાત હૈ.” પરમાર માટે આ વાક્ય પ્રેસિડેન્ટ-મેડલ કરતાં વિશેષ હતું.

પંત પોતાના ટેબલ ઉપર પાછા ફર્યા અને જ્યાં ઊભા હતા ત્યાંથી જ તેમણે માઉસ પોતાના હાથમાં લઈ પ્રિન્ટનો ઑર્ડર આપ્યો અને પોતે જ પ્રિન્ટર પાસે ગયા. પરમાર હજી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યાં પ્રિન્ટર ઉપર પ્રિન્ટ ઊતરી રહી હતી. બધી પ્રિન્ટો હાથમાં લઈ, પંત પોતાની ખુરશીમાં બેઠા અને તેની ઉપર સહીઓ કરવા લાગ્યા. સહી, તારીખ અને સમય નાખી રહ્યા હતા. પરમાર જોઈ રહ્યા હતા. પછી તેમણે પરમારના હાથમાં તે કાગળો મૂકતાં કહ્યું, “દેખો આજ મેં રિલીવ હો રહા હૂં, લેકિન ઉસકે પહલે મૈંને આજ કી તારીખ મેં સુપ્રીમ કોર્ટ કે લિયે સ્ટેટસ રિપોર્ટ તૈયાર કર દિયા હૈ, જિસમેં રૂપા કા મર્ડર સામેલ કર દિયા હૈ.” પરમારને લાગ્યું કે પંત ખરેખર જિનિયસ છે. બદલી થયા પછી જતાં જતાં પણ તેમણે સરકારને બૂચ મારી દીધો હતો. રિપોર્ટમાં શું હશે તે તેમણે વાંચ્યો નહોતો માટે ખબર ન હતી, પણ પંત શું કરી શકે તેની તાકાતની ખબર હતી.

- Advertisement -

પરમારને સૂચના આપતાં કહ્યું, “ઇસ રિપોર્ટ કો પઢ લો ઔર અભી લિફાફે મેં સીલ કર કે સુપ્રીમ કોર્ટ ભેજ દો. કિસી કો પૂછને કી જરૂર નહીં. અભી તક મૈં તુમ્હારા સિનિયર હૂં, ઔર યહ મેરા આદેશ હૈ.” પરમાર એકદમ ખુશ થઈ ગયા અને હસવા લાગ્યા. રાતના નવ વાગ્યે વિવેક પંત અને વિનોદ પરમાર સાથે ઘરે જવા નીકળ્યા. ત્યારે બંને એકદમ નૉર્મલ હતા. પંતે પોતાની ગાડીમાં બેસતાં પહેલાં આદેશને ફોન જોડ્યો અને પોતાની બદલી થઈ હોવાના સમાચાર આપી દીધા. આદેશે જ્યારે પૂછ્યું ત્યારે તેમણે પબ્લિશ થાય તેની સામે પણ વાંધો લીધો નહીં.

આદેશ માટે આજે બે મોટા ન્યૂઝ : (૧) રૂપાની હત્યા કરી તેને દફનાવી દીધી હતી અને (૨) કેસની પ્રામાણિકતાપૂર્વક તપાસ કરતા ડીઆઇજી વિવેક પંતને તપાસમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આદેશ સમાચાર ફાઈલ કરી રહ્યો હતો ત્યારે પરમારે પણ તેને ફોન કરી પંતની બદલીની વાત કરી અને કહ્યું, “આદેશભાઈ, પંત સાહેબની બદલી થઈ. પણ મને આશા છે કે તમે મને પણ પંત સાહેબ જેવી જ મદદ કરશો. તમે મારી ઉપર ભરોસો કરજો. કંઈ જ ખોટું નહીં થાય.” આદેશે હા તો પાડી. એકાદ-બે દિવસમાં મળીશું તેવી ખાતરી પણ આપી. પરમારના માથે મોટી જવાબદારી આવી હતી. હવે આવતીકાલે કોણ નવા અધિકારી આવશે, તેની ખબર ન હતી અને સ્વાભાવિક રીતે પરમારની તપાસ ઉપર નજર રાખવા અને તપાસને બ્રેક મારવા માટે જ પંતને હટાવી તેમના સ્થાને બીજા કોઈને મૂકવામાં આવી રહ્યા હતા.

બીજા દિવસનાં અખબારો સમાચારોથી ભરપૂર હતાં. આખાં પાનાં નિઝામ અને રૂપાની સ્ટોરીથી ભરેલાં હતાં, જેમાં સૌથી સારી સ્ટોરી આદેશની હતી. કારણ કે સ્વાભાવિક રીતે જ બીજા કરતાં તે વધુ જાણતો હતો. બીજા અખબારમાં જે સ્ટોરીઓ હતી, તે માત્ર ઘટનાઓ જે બની હતી તે જ હતી; પણ આદેશની સ્ટોરી તો ઍનાલિટિકલ હતી, જેમાં આદેશની અંગત ટીકાઓ પણ હતી. આદેશની સ્ટોરી જોઈ ઍન્કાઉન્ટરમાં સામેલ પોલીસ-અધિકારીઓ ઊભા ઊભા સળગી જાય તેમ હતું. પણ આદેશે ક્યારેય કોણ પોતાના વિશે શું વિચારશે અને કોણ નારાજ થશે કે ખુશ તેના આધારે રિપોર્ટિંગ કર્યું ન હતું. વિવેક પંતે પણ જ્યારે આદેશની સ્ટોરી વાંચી ત્યારે તેમના મનમાં પણ એક અજબ પ્રકારની શાંતિ હતી. કારણ જ્યારે ઍન્કાઉન્ટરો થતાં ત્યારે બધાં અખબારો તે ઘટનાઓને જસ્ટિફાઇ કરતાં હતાં, ત્યારે પણ આદેશનું પોતાનું સ્ટૅન્ડ ક્લિયર હતું અને આજે પણ તે બીજા કરતાં જુદો હતો.

- Advertisement -

મંત્રી અમર ઠાકોરની સવારની ચા અખબારોએ બગાડી નાખી હતી, કારણ કે અખબારો પંતની બદલી માટે આડકતરી રીતે મંત્રી ઠાકોરને જ જવાબદાર ઠેરવી રહ્યા હતા. તેમણે સવારે ડીજીપી રામકિશોર ચૌબેને ફોન કરી જાણ કરી હતી. હવે સીઆઇડીના ડીઆઇજી તરીકે અક્ષય જૈનનો ઑર્ડર થઈ જશે અને સવારે અગિયાર વાગતા સુધી તેમનો ઑર્ડર થઈ ગયો હતો અને તેમને ચાર્જ લઈ લેવાની સૂચના આપી દેવામાં આવી હતી. અક્ષય જૈન વિવેક પંત કરતાં એક બેન્ચ સિનિયર હતા, તેમના રાજકીય સંબંધો ખૂબ જ સારા હતા. તેઓ મૂળ રાજસ્થાનના હતા. અને તેમના કાકા ત્યાંના મોટા લીડર હતા, જેના કારણે તેમની બદલીઓમાં તેમના કાકાની મોટી ભૂમિકા હતી. અક્ષય જૈનનું આઇપીએસ થવા પાછળનું એકમાત્ર ધ્યેય પૈસા—પાવર અને ઐયાશી હતા. તેઓ સ્ત્રીના શોખીન હતા. જ્યાં પણ પોસ્ટિંગ થાય ત્યાં તેમનું નામ કોઈ ને કોઈ મહિલા- કર્મચારી સાથે જોડાઈ જતું હતું, તે અંગે અખબારમાં સમાચારો પણ પ્રસિદ્ધ થતા. જોકે તેમની ચામડી મગરની હતી… તેમને તેની કોઈ અસર થતી ન હતી. એકાદ વખત તો એક મહિલાએ તેમની સામે બીભત્સ માગણીની ફરિયાદ પણ કરી હતી. જોકે તેની તપાસ પણ તેમના જેવા અધિકારી આઇપીએસ અધિકારી યુસુફ શેખને સોંપવામાં આવતાં તેમણે તેમને ક્લીનચીટ આપી હતી.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular