Wednesday, October 14, 2026
HomeGujaratદારુના નશામાં પત્રકારે જ પોલીસને એવી હિંટ આપી કે એન્કાઉન્ટરના કેસમાં મોટો...

દારુના નશામાં પત્રકારે જ પોલીસને એવી હિંટ આપી કે એન્કાઉન્ટરના કેસમાં મોટો યુટર્ન આવી ગયો | શતરંજ-58

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-58, નવજીવન ન્યૂઝ):રાત્રે ઑફિસથી નીકળતી વખતે, વિનોદ પરમારે આદેશને ફોન કરીને પૂછ્યું, “ટાઇમ હોય તો મળીએ?” આદેશે હા પાડતાં પરમારે કહ્યું, “તમારી ઑફિસ પાસે આવીને ફોન કરું છું.” પરમાર આજે પોતાની પ્રાઇવેટ કાર લઈ નીકળ્યા હતા. રાતના નવ વાગ્યા હતા. આદેશની ઑફિસ નીચે આવી પરમારે ફોન કરતાં આદેશ નીચે આવ્યો અને કારમાં બેસી ગયો. પહેલાં પરમારે આદેશનો ખૂબ આભાર માન્યો અને તેમની કાર એસજી હાઇવે ઉપર દોડવા લાગી હતી. વાતવાતમાં પરમારે પૂછ્યું, “આદેશભાઈ, તમે ડ્રિંક્સ લો છો?” આદેશે સ્ટાઇલમાં જવાબ આપ્યો : “પીયેંગે નહીં તો જિયેંગે કૈસે?” તરત પરમારે કહ્યું : “પાછળની સીટ ઉપર રમ છે, પાણી છે અને બે ગ્લાસ છે, આગળ લઈ લો અને જુઓ ડૅશ બોર્ડના ડ્રૉઅરમાં કંઈક બાઇટિંગ પડ્યું હશે.”

આદેશે પાછળ ફરી રમ, પાણી અને પ્લાસ્ટિકના ગ્લાસ આગળ લીધાં. પરમારે પૂછ્યું, “રમ ચાલશે ને?” ‘રમ કરે ભમ્મ…’ આદેશ અને પરમાર બંને હસવા લાગ્યા. આદેશે બંનેના પેગ ભર્યા અને ચિયર્સ કહી ચાલુ કારમાં પીવાની શરૂઆત કરી. તેમની કાર સરખેજ થઈ, સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવી ગઈ હતી. સરખેજ પસાર થતાં પરમારે કહ્યું, “આદેશભાઈ, બે ત્રણ દિવસ પછી તમને નવી અને મોટી સ્ટોરી આપીશ.” આદેશે મોઢે માંડેલો ગ્લાસ નીચે કરતાં પૂછ્યું, “કઈ નવી વાત?” પરમારે કહ્યું, “બે દિવસ રોકાઈ જાવ ને, મેં જ્યાં કાગળ પહોંચાડ્યા છે ત્યાં મળી જાય પછી, નહીંતર હમણાં મારી ઉપર જ શંકા જશે.” આદેશને ખબર હતી કે આવી વાત કોઈ અધિકારી કરે ત્યારે વધારે ઉતાવળ કરવાથી કોઈ ફાયદો થતો નથી.

- Advertisement -

આ દરમિયાન બંને વચ્ચે વિવેક પંતની બદલી, તેમની સાથે અક્ષય જૈનની નિમણૂક વગેરે વિષય ઉપર વાત થતી રહી. બંને ત્રણ પેગ પૂરા કરી ચૂક્યા હતા. સામાન્ય રીતે પોલીસ-અધિકારીઓ સાથે આદેશ સેફલી પીતો હોય છે. પણ ખબર નહીં, તેને પરમાર ઉપર ભરોસો હતો. તેને આજે પીવાની મજા પણ આવી રહી હતી. બહાર ઠંડો પવન હતો. આદેશે પરમારને પૂછ્યું, “સર, વાંધો ના હોય તો એસી બંધ કરી બારી ખોલું? બહાર ઠંડક પણ છે અને મારે સિગારેટ પણ પીવી છે.” તરત પરમારે પોતાની પાસે રહેલી સ્વિચ ઑન કરી બારી ખોલી નાખી. કારની સ્પીડ લગભગ ચાલીસની જ હતી. પરમાર દારૂ પીવાની સાથે કાર પણ સારી રીતે ચલાવી શકતા હતા. ઠંડા પવનને કારણે દારૂનો કરંટ વધી રહ્યો હતો. વિનોદ પરમારને આદેશની વાતો સાંભળવાની મજા આવી રહી હતી. તે કેવી રીતે જર્નાલિઝમમાં આવ્યો, કયા કેસમાં તેણે કેવી રીતે કામ કર્યું… એક પછી એક પેગ પૂરા થઈ રહ્યા હતા, છતાં બંનેનો પોતાની જીભ ઉપર કાબૂ હતો, બોલવામાં હજી લોચા પડતા ન હતા. રાતના અગિયાર વાગ્યા ત્યાં સુધી આખી બૉટલ બંનેએ એકલાએ જ પૂરી કરી નાખી હતી.

પરમારે પૂછ્યું, “જમવા જઈશું?” અને કારે યુ ટર્ન લીધો. કર્ણાવતી ક્લબથી સહેજ આગળ જઈએ એટલે ખાનાખજાના નામની રેસ્ટોરન્ટ હતી, ત્યાં વેજ-નૉનવેજ બંને સારાં મળતાં હતાં, ત્યાં જ પરમારે પૂછ્યું : “વેજ કે નૉન-વેજ?” આદેશે જવાબ આપ્યો : “પીધા પછી દુશ્મનો વેજ ખાય.” બંને હસવા લાગ્યા. પરમારે બે ત્રણ ડિશનો ઑર્ડર આપી દીધો. જમતાં જમતાં પરમારે કહ્યું : “આદેશભાઈ, હજી એક મિસિંગ લિંક છે. નિઝામ અને રૂપા સાથે ત્રીજો કોણ હતો, તેનો પત્તો ખાતો નથી.” આદેશના હાથમાં રહેલી તંગડી તેણે મોઢાથી તોડતાં કહ્યું, “સાહેબ, મેં પણ ખૂબ તપાસ કરી, પણ તે અંગે કોઈને ખબર નથી. પણ હું શ્યોર નથી, મને ડાઉટ છે, અમારી રાજસ્થાન એડિશનમાં એકાદ અઠવાડિયા પહેલાં મેં સમાચાર વાંચ્યા હતા… જેમાં જયપુર જેલમાં રહેલા રામ નામના એક કેદીએ તેનું ગુજરાત અને રાજસ્થાન પોલીસ ઍન્કાઉન્ટર કરશે તેવી આશંકા દર્શાવતો પત્ર રાજસ્થાન હાઇકોર્ટને લખ્યો હતો. મને યાદ છે ત્યાં સુધી કદાચ આ રામ નામનો કેદી એ જ હોવો જોઈએ જેની અને નિઝામ સામે અમદાવાદમાં પણ એક ફાયરિંગ કેસ નોંધાયો હતો.”

પરમારનું જમવાનું બંધ થઈ ગયું. તેમને થયું કે આદેશને ભલે ડાઉટ હોય પણ જો તે સાચો પડે તો આખો કેસ ડિટેક્ટ થઈ જાય. તેમણે આદેશને કહ્યું, “આ પેપરકટિંગ મને મળે?” આદેશે કહ્યું, “અરે અમારા ઈ-પેપર ઉપર હશે જ, હું તમને શોધી આવતીકાલે મેલ કરી દઈશ.” બંને રાતે છૂટા પડ્યા. બીજી તરફ અમદાવાદ સર્કિટ હાઉસમાં એક મિટિંગ ચાલી રહી હતી, જેમાં મંત્રી અમર ઠાકોર, ડીસીપી જે. કે. વછરાજાની, ઇન્દ્રસિંહ જાડેજા અને ડીઆઇજી અક્ષય જૈન હતા. જૈનના કહેવા પ્રમાણે વિનોદ પરમારે હમણાં સુધી જે કંઈ તપાસ કરી છે, તેમાં સાક્ષીઓ અને પુરાવા ખૂબ જ પ્રમાણમાં છે. આ સંજોગોમાં હવે કેટલું નુકસાન ઓછું થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. જોકે તે વાત સાથે અસંમતિ દર્શાવતા મંત્રી ઠાકોરે નારાજગી સાથે કહ્યું, “અરે, બે કોડીના ઇન્સ્પેક્ટરની તપાસની શું કિંમત? ફાડી નાખો તેના કેસ પેપરો.” વછરાજાની, જાડેજા અને જૈન ત્રણે એકબીજાની સામે જોઈ રહ્યા. કારણ કે તેમને ખબર હતી કે, મંત્રી જે કરવાનું કહી રહ્યા છે તે શક્ય નથી. કારણ કે તેઓ તો કાયદા અને કાર્યવાહીને સારી રીતે જાણતા હતા. જ્યારે ડીઆઇજી રાજુ દવેની બદલી થઈ ત્યારે પણ મંત્રીએ આવી જ વાત કરી હતી. તેમને મન આ પ્રશ્નનું એક જ સૉલ્યુશન હતું : કાગળો ફાડી નાખો.

- Advertisement -

અક્ષય જૈને કહ્યું, “સર, મેરી એક રાય હૈ, ઇસ કેસ કો હવા દેને કી જરૂર નહીં, ક્યોંકિ મીડિયા ઔર કોર્ટ કી નજર હૈ, અગર જરૂર પડેગી તો હમ કુછ છોટે અફસર કો અરેસ્ટ કર લેંગે, ઔર જમાનત ભી કરવા દેંગે.” મંત્રી ભડક્યા, “અરે જૈન, હમનેં આપકો અરેસ્ટ શુરૂ કરવાને કે લિયે, સીઆઇડી મેં નહીં ભેજા. કોઈ ઔર રાસ્તા નિકાલો.” જાડેજાએ તરત વાતને રોકતાં કહ્યું, “સાહેબ, જૈન સાહેબ સાચું કહે છે, અરેસ્ટ તો કરવી પડશે. કારણ કે આપણે પહેલાં સ્ટેટસ રિપોર્ટમાં કોર્ટને કહી દીધું કે, બનાવટી ઍન્કાઉન્ટર છે, ત્યારે આપણી પાસે કોઈ વિકલ્પ પણ નથી.” જાડેજા પાછા પોતાની મૂળ યોજના ઉપર આવી ગયા. હમણાં સુધી તેમની બાજીમાં કેટલાંક ખોટા પત્તાં આવી ગયા હતા, પણ તેમનો મૂળ ઇરાદો તો વછરાજાની ઍન્ડ કંપનીને જેલમાં મોકલવાનો હતો અને જૈને તે વાત કરી જે તેમની ઇચ્છા હતી.

મંત્રી ઠાકોર હજી તે વાત સાથે સંમત થયા નહોતા. તેમણે કહ્યું, “જો બનાવટી ઍન્કાઉન્ટરના નામે આપણે આપણા જ પોલીસની ધરપકડ કરીશું તો મૅસેજ શું જશે?” વછરાજાની હજી સુધી શાંત હતા. તેમણે એકદમ શાંતિથી કહ્યું, “સાહેબ, હજુ બાજી આપણા હાથમાં છે. જ્યાં સુધી સીઆઇડી ક્રાઇમના હાથમાં છે ત્યાં સુધી બધું થશે. કોર્ટનો ભરોસો કરવા જેવો નથી. નિઝામના ભાઈ નૂરુની માગણી છે કે કેસ સીબીઆઈને સોંપાઈ જાય. જો આપણે અરેસ્ટ કરીશું તો કોર્ટને સારું સિગ્નલ જશે. નહીંતર, સીબીઆઇ એન્ટર થઈ જશે.” વછરાજાનીએ એક જ વાત કહી. મંત્રીને લાગ્યું કે વછરાજાનીની વાત સાચી છે. સીબીઆઇની તપાસ રોકવાનો આ એક જ વિકલ્પ હતો, તેવું હવે તેઓ પણ માની રહ્યા હતા.

જોકે આખી મિટિંગ હજી આવનાર તોફાનોથી અજાણ હતી, જેમાં બીજો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો, જે નેક્‌સ્ટ હિયરિંગમાં ઓપન થવાનો હતો, જેમાં અનેક સ્ફોટક તથ્યો હતા, આ ઉપરાંત ઇન્સ્પેક્ટર કેશવ દત્તને જે રિપોર્ટ મોકલ્યો હતો, તે આવતીકાલે તેમને મળી જવાનો હતો. આમ આ શાંતિ તોફાન પહેલાની હતી. ઍન્કાઉન્ટર કેસમાં મંત્રી અમર ઠાકોરની સ્થિતિ એક સાંધો અને તેર તૂટે તેવી થવાની શરૂઆત થઈ ગઈ હતી. મંત્રી અમર ઠાકોરે જૈનને સૂચના આપતાં કહ્યું , “દેખો, વો પરમાર પે નજર રખો; વો કોઈ ઊલટાસૂલટા ના કરે. અબ આપ કો ડેમેજ કંટ્રોલ કા કામ કરના હૈ. અરેસ્ટ કરની પડે તો ઉસકે પહલે મુઝે પૂછ લેના. કૉન્સ્ટેબલ સે લેકર ઇન્સ્પેક્ટર કો હી અરેસ્ટ કરના.”

- Advertisement -

મિટિંગ પૂરી થતાં મંત્રી રવાના થયા. અક્ષય જૈને વછરાજાની અને જાડેજાને રોક્યા અને કહ્યું, “અરે આપ દોનોં પહલે મુઝે ઇસ કેસ કી રિયલ સ્ટોરી ક્યા હૈ વો તો બતાઓ. ક્યોંકિ મેરે પાસ તો વહી પિક્ચર હૈ જો મુઝે પરમારને બતાયા થા.” વછરાજાનીએ પહેલાં જાડેજા સામે જોયું અને કહ્યું, “દેખિયે સર, પૂરા ઑપરેશન જાડેજા ઔર મંત્રીજીને મિલકે તય કિયા થા. મેરી બ્રાન્ચ કા રોલ સિર્ફ પિક કરને કા થા, બાદ મેં ઇન્હોંને ઇસમેં રાજસ્થાન પોલીસ કો કૈસે ઔર ક્યોં સામિલ કિયા મુઝે પતા નહીં. બેહતર હોગા આપકો જાડેજા હી રિયલ સ્ટોરી બતાયે.” પછી તે મનોમન બબડ્યા. “ખામોખા હમ ફસ ગયે.” પછી જાડેજા અક્ષયને બ્રીફિંગ આપવા બેઠા. ખબર નહીં તેમાં પણ તેમની અસત્યની કેટલી ભેળસેળ હશે!
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular