કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશમાં બનેલી કેટલીક ઘટનાઓ વિશે સર્જકોને એટએટલું કહેવાનું હોય છે કે, તેમાંથી નવી નવી વાતો આવતી જ રહે. હાલમાં નેટફ્લિક્સ પર રજૂ થયેલી મિનિ વેબસિરીઝ ‘ધ રેલવેમેન’ પણ એ જ કેટેગરીમાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટના વિશે ઘણું લખાયું છે. અરૂંધતી રોય, એની મુરે, ઇન્દ્રા સિન્હા અને અમૂલ્યા મલાડીએ તો ભોપાલ ગેસ દુર્ઘટનાને આધાર બનાવીને નવલકથા લખી છે. ‘ભોપાલ નાઇટમેર’, ‘ભોપાલ એક્સપ્રેસ’ અને ‘ભોપાલ : અ પ્રેયર ફોર રેઇન’ જેવી ફિલ્મો પણ નિર્માણ પામી છે. છતાં આ વિષય પર જ્યારે કશુંય નવું સર્જન થાય છે ત્યારે એવું લાગે કે આ ઘટના વિશેનું આ પાસું તો સાવ ભૂલાઈ ગયું હતું. ‘ધ રેલવેમેન’ (The Railway Men) વેબસિરીઝ ભોપાલ દુર્ઘટનામાંથી આ રીતે એક વિસરાયેલું હિસ્સો છે. ભોપાલ ગેસ દુર્ઘટનાની (Bhopal Gas Tragedy) પૂરી વાત કરીએ તે પહેલાં તેની પૃષ્ઠભૂમિ સમજી લેવી જોઈએ. આજે અનેક એવાં હશે જેઓને પચાસ વર્ષ પહેલાં થયેલી આ દુર્ઘટના વિશેનો ખ્યાલ નહીં હોય. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ‘યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ’ નામની કેમિકલ બનાવતી કંપની હતી. આ કંપની ભોપાલ શહેરમાં સ્થાપવામાં આવી હતી અને તેની આસપાસ રહેણાંક વિસ્તાર આવેલો હતો. મૂળે અમેરિકાની આ કંપની 1917માં સ્થપાઈ હતી. આમ તો આ કંપની અનેક પ્રકારનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તેમાં મુખ્યત્વે બેટરી, કાર્બન પ્રોડક્ટ્સ, વેલ્ડિંગ ઇક્વિપમેન્ટ્સ, પ્લાસ્ટિક્સ, ઇન્ડસ્ટ્રીઅલ કેમિકલ્સ અને પેસ્ટીસાઇડ પણ છે. જોકે ભોપાલમાં યુનિયન કાર્બાઇડ સ્થપાઈ હતી તેનું મુખ્ય પ્રોડક્શન પેસ્ટિસાઇટ હતું. 1984માં 2 ડિસેમ્બરની રાત્રે આ કંપનીમાંથી મિથાઈલ આઈસોસાઇનેટ નામનો ગેસ લીક થાય છે અને તે ગેસ પૂરા શહેરમાં પ્રસરે છે અને તે જ રાત્રે અંદાજે 2,259 લોકો મૃત્યુ પામે છે. આ વિશ્વની સૌથી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનામાં હતી, જોકે સરકારે 3,787 લોકોને મૃત્યુનું વળતર ચૂકવ્યું હતું તેથી મૃત્યુના આંકડા વિશે મતમતાંતર છે. આ પૂરી ઘટનામાં સાડા પાંચ લાખ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અને તેમાં પણ ચાર હજાર લોકો એ રીતે ગેસની અસરમાં આવ્યા કે તેમનું જીવન કાયમ માટે પીડાદાયક થઈ ગયું. સરકારી આંકડા સામે અન્ય એજન્સીઓ જે આંકડો દાખવ્યો છે તેમાં વીસ હજાર મૃત્યુ થયા છે તેમ જણાવ્યું છે.

આ પૂરી ઘટના બની ત્યારે ભોપાલ રેલવે સ્ટેશન પર જે લોકોએ બહાદુરીપૂર્વક કામ કર્યું તેમના કાર્યને દર્શાવતી ‘ધ રેલવેમેન’ સિરીઝ છે. યુનિયન કાર્બાઈડમાંથી ગેસનો રિસાવ થયો પછી ધીરે ધીરે આ ગેસ ભોપાલના તમામ મહદંશ વિસ્તારમાં પ્રસરતો ગયો અને તેમાં ભોપાલ રેલવે સ્ટેશન પણ બાકાત નહોતું. ‘ધ રેલવેમેન’માં કે. કે. મેનન જે ભૂમિકા અદા કરી રહ્યા છે. તે કોની ભૂમિકામાં છે દર્શાવાયું નથી, પરંતુ રેલવે વતી અનેક લોકોને બચાવવાનું કાર્ય કરનારાઓમાં એક ગુલામ દસ્તાગીર પણ હતા. તેઓ ભોપાલ સ્ટેશન પર ડેપ્યૂટી સુપરીટેન્ડેન્ટ તરીકે ત્યારે સેવા બજાવતા હતા. તેમણે તે દિવસે સાંજનું રૂટીન કામ પૂરું કર્યું હતું, પરંતુ વધુ કામ કરવા માટે તેઓ પોતાની ઓફિસમાં રોકાયા હતા. ભોપાલ રેલવે સ્ટેશન પર આવેલી તેમની ઓફિસમાં કામ કરતાં કરતાં રાતના એક વાગી ગયા. જ્યારે તેઓ પોતાનું કામ નિપટાવીને મુંબઈ – ગોરખપુર ટ્રેનની તપાસ કરવા પ્લેટફોર્મ પર આવ્યા, તો તેમની આંખો બળવા લાગી અને ગળામાં ઇન્ફેક્શન થયું હોય તેવું લાગવા માંડ્યું. ગુલામને ખ્યાલ આવી ગયો કે કશુંક અજુગતું થયું છે. પછી તેમણે તુરંત કાર્યવાહી શરૂ કરી અને જે સ્ટાફ હાજર હતો તેમને મુંબઈ- ગોરખપુર ટ્રેનને પ્લેટફોર્મ પરથી રવાના કરવા માટે હૂકમ આપ્યો. ટ્રેનનો સમય હજુ 20 મિનિટ મોડો હતો. સ્ટાફના કેટલાંક લોકોએ તેનો વિરોધ પણ કર્યો અને ઉપરી અધિકારીઓને પૂછવાનું પણ ગુલામ દસ્તાગીરને કહ્યું. પરંતુ અહીં ગુલામે પોતાની અધિકારક્ષેત્રમાં ન આવતો હોય તેવું હૂકમ આપ્યો અને તેનું જે પરિણામ આવશે તે પોતે સ્વીકારશે તેમ સ્ટાફને કહ્યું. અંતે જરાસરખા વિલંબ વિના મુંબઈ-ગોરખપુર એક્સપ્રેસને ભોપાલ સ્ટેશન પરથી રવાના કરી દેવામાં આવી.

આ ટ્રેનને રવાના કર્યા બાદ ગુલામ દસ્તાગીર અને તેમની સાથે રહેલાં સ્ટાફની અન્ય જવાબદારીઓ ઊઠાવી. જેમ કે કોઈ પણ હિસાબે બીજી ટ્રેન ભોપાલ સ્ટેશને ન આવે. આ માટે ગુલામ દસ્તાગીર તુરંત આસપાસના સ્ટેશને સંપર્ક કર્યો અને તેમના ઉપરી અધિકારીઓને ઘટના વિશેની જાણ કરી. સ્ટેશને અનેક મૃતદેહ પડ્યા હતા અને ગુલામ દસ્તાગીરે પોતાની જીવ બચાવવા કરતા લોકોના જીવ બચાવવામાં પ્રાથમિકતા આપી. ભોપાલના ઘણાં લોકો શહેર છોડવા માટે સ્ટેશન પર આવી ચઢ્યા હતા. આ સ્થિતિમાં દસ્તાગિરે સમયસૂચકતા રાખીને આસપાસના હોસ્પિટલોને ફોન કર્યા અને ત્યાંથી તત્કાલ મદદ બોલાવી. સ્ટેશને આવેલા ઇમરજન્સી ખંડને તેમણે હોસ્પિટલ બનાવી. ગુલામ દસ્તાગીરને ખબર હતી કે આ ગેસથી રેલવે સ્ટેશનની પાસે જ રહેતા તેમનો પરિવાર પણ અસરગ્રસ્ત થયો હશે, પરંતુ તેમણે પરિવારની પરવા કર્યા વિના પોતાની ડ્યૂટી નિભાવી. તેમની પત્ની ફાતિમાએ પછી આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, તેઓ ગુલામને જાણતા હતા કે આવી ઘટના બની છે એટલે તેઓ ઘરે આવશે નહીં. આ ઘટના બાદ તેઓ ત્રણ દિવસ સુધી ઘરે આવ્યા નહોતા. દુર્ઘટનાના રોજ ગુલામ દસ્તાગીરે તેમનો એક દિકરો ગુમાવ્યો હતો અને અન્ય એક દિકરાને જીવનભર ત્વચા સંબંધિત બીમારી રહી. તેઓ ખુદ પણ તે દિવસે બચાવકાર્ય કરતી વેળાએ ગેસ રિસાવથી ઇજાગ્રસ્ત થયા અને તે પછીના જીવનના 19 વર્ષ સુધી તેઓ સતત બીમાર રહ્યા.
તે દિવસે ગુલામ દસ્તાગીરે તત્કાલ નિર્ણય ન લીધા હોત, તો મોતનો આંકડો વધુ હોત. જોકે ગુલામની આ કામગીરીને વિશેષ રીતે જોવામાં ન આવી. તેમણે પોતાનો જીવના જોખમે કરેલા આ બચાવકાર્યને માત્ર તેમની નોકરીની સેવા ગણવામાં આવી. તેમની પત્નીની એ ફરિયાદ જીવનભર રહી કે રેલવેએ સુધ્ધા તેમના કાર્યને બિરદાવ્યું નહીં. ભોપાલમાં રેલવે દ્વારા દુર્ઘટનાના દિવસે જે લોકોએ જાન જોખમમાં મૂકીને મૃત્યુ પામ્યા હતા તેમનું એક સ્મારક બનાવ્યું છે, તેમાં પણ ગુલામ દસ્તાગીરનું નામ મૂકાયું નથી કે ન પછી અન્ય કોઈ જગ્યાએ તેની નોંધ લેવાઈ છે. તેમના વિશે અત્યાર સુધી મીડિયામાં જે સ્ટોરી પ્રકાશિત થઈ તેમાં પણ ગુલામ દસ્તાગીર વિશેની માહિતી જૂજ છે. જોકે ‘ધ રેલવેમેન’ વેબસિરીઝથી તેમનું કાર્ય આજે જોઈ શકાય કે તેમણે કઈ સ્થિતિમાં કામ કર્યું હશે. સ્વાભાવિક છે કે આ વેબસિરીઝમાં કેટલીક નાટ્યત્મકતા ઉમેરાઈ હોય, તેમ છતાં તે માહોલ તો વેબસિરીઝમાં ઝિલાયો છે.
રેલવેમાં કાર્ય કરતાં કર્મચારીઓની સ્થિતિ પણ આ સિરીઝમાં બખૂબી બતાવી છે અને એટલે જ કે. કે. મેનનના મોઢે આ સંવાદ મૂકાયો છે. તે કહે છે કે, “હમારે કામ મેં ધ્યાન બટ નહીં સકતા, ક્યોંકી દોબારા ધ્યાન સે દેખને કા મૌકા નહીં મિલતા.” આ ઉપરાંત પણ આ મિનિ વેબસિરીઝમાં તત્કાલિન સમયના કેટલીક ઘટનાઓને સાંકળી લેવાઈ છે, જેમ કે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલાં રમખાણોમાં શિખ સમુદાય પર જોખમ કેટલું હતું તે પણ એક દૃશ્યમાં બખૂબી બતાવવામાં આવ્યું છે. ગુલામ દસ્તાગીર માટે જ જાણે એક ડાયલોગ લખાયો હોય તે પણ ફિલ્મમાં છે અને ફિલ્મના પ્રમોશનમાં પણ તે ડાયલોગ મૂકવામાં આવ્યો છે કે, “સચ તો યે હૈ કી હમ ન જાન લેને વાલોં કો સજા દેતે હૈ ઔર ન જાન બચાનેવાલોં કો શાબાશી.”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








