Rajkot Police helped farmers get back land worth crores : સૌરાષ્ટ્રમાં બહુચર્ચિત જમીન કૌભાંડી અલ્પેશ દોંગા વિરૂદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસે (Rajkot Rural Police) તપાસનો ગાળિયો કચકચાવીને કસ્યો છે. જેના પરિણામે અલ્પેશ દોંગા ગેંગે (Alpesh Donga Gang) લોનના નામે પડાવી પાડેલી જુદાજુદા 40 ખેડૂતોની 500 વીઘા જેટલી જમીન ખેડૂતોને પરત આપવામાં આવશે. રાજકોટ ગ્રામ્ય પોલીસે સબરજિસ્ટ્રાર કચેરીના સહયોગથી 500થી વધુ વીઘા જમીનના દસ્તાવેજો પરત મેળવ્યા છે. 15 ઓક્ટોબરના ગુરૂવારના રોજ શાપર-વેરાવળ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ખેડૂતોને આ જમીનના દસ્તાવેજો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ના હસ્તે પરત અપાશે. આ પ્રસંગે રાજય પોલીસ વડા જી.એસ. મલિક (G S Malik) હાજર રહેશે.
નાયબ મુખ્યમંત્રી સંઘવી 15મી ઓક્ટોબરને ગુરુવારે રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન શાપરમાં નવનિર્મિત વિભાગીય પોલીસ અધિકારી-રાજકોટ ગ્રામ્ય ડિવિઝન કચેરીનું લોકાર્પણ કરશે. આ સાથે હર્ષ સંઘવી રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, શાખાઓ, કચેરીઓને ISO 9001: 2015 પ્રમાણપત્ર એનાયત કરશે. નોંધનીય છે કે, આ સર્ટિફિકેટથી પ્રમાણિત હોય તેવો રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ જિલ્લો છે. આ પ્રમાણપત્ર રાજકોટ જિલ્લા પોલીસના કામકાજની ગુણવત્તા, સ્વચ્છતા, રેકર્ડ મેનેજમેન્ટ, પારદર્શિતાને દર્શાવે છે.
ખેડૂતની જમીન પચાવી પાડવાનો મામલો રાજકોટ ગ્રામ્ય પોલીસ પાસે આવ્યો ત્યારે અલ્પેશ દોંગાની આખી રમત પોલીસે ઉઘાડી પાડી દીધી હતી. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય (Nirlipt Rai) અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે (Vijay Singh Gurjar) અલ્પેશ દોંગા ગેંગ પર કાયદાનો સકંજો કસ્યો હતો. સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે અલ્પેશ દોંગાની ઓફિસમાં દરોડો પાડી સંખ્યાબંધ ખેડૂતોના જમીનના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. વ્યાજના ચક્રમાં ફસાયેલા ખેડૂતોની જમીન પચાવી પાડનારી અલ્પેશ દોંગા ગેંગ સામે કાર્યવાહી હાથ ધરી પોલીસે માનવીય અભિગમ અપનાવી ભોગ બનનારાઓને તેમની કરોડોની જમીન પરત અપાવી છે.
આ તકે લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલી નવતર પહેલ ‘પ્રેરણા નવા જીવનની’ના અહેવાલનું પણ વિમોચન કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલ અંતર્ગત 700 જેટલા લોકોનું કાઉન્સેલિંગ કરીને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારોમાંથી મુક્ત કરાવીને જીવન જીવવાની નવી પ્રેરણા પૂરી પાડવામાં આવી છે.








