નવજીવન ન્યૂઝ. કલોલ: ગુજરાતનાં લોકોમાં છેલ્લા ઘણા સમયથી વિદેશ જવાની એવી ઘેલછા લાગી છે કે, કોઈને કોઈ રીતે ગુજરાતીઓને બસ વિદેશ જવું છે. પરંતુ આ ગુજરાતીઓ સાથે વિદેશ જવાની આ ઘેલછાના કારણે છેતરપિંડી થવાના પણ અનેક કિસ્સાઓ અમે આવે છે. તેમ છતાં લોકો આવી ઘટનાઓમાંથી બોધપઠ લેતા નથી અને છેતરપિંડીનો શિકાર બને છે. આવી જ એક ઘટના આજે કલોલમાંથી સામે આવી છે. કલોલના એક યુવકને કેનેડા જવું હોવાથી તેના પિતાએ એક એજન્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ એજન્ટે વિઝા કરી આપવાની જગ્યાએ 26 લાખની છેતરપિંડી કરી લીધી હતી. આ અંગે યુવકના પિતાએ કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કલોલમાં રહેતા ધ્રુવ ત્રિવેદીને કેનેડા જવું હતું, જેના કારણે તેના પિતા રાજેન્દ્ર ત્રિવેદીએ આમંત્રણ વિઝા કન્સલ્ટન્સીના હિતેશ પટેલનો સંપર્ક કર્યો હતો. હિતેશ પટેલ અને તેની પત્ની શિવાંગી પટેલે રાજેન્દ્ર ત્રિવેદીને જણાવ્યું હતું કે તમારા પુત્રના વિઝા થઈ જશે અને વિશ્વાસમાં લઈને આ દંપતીએ રાજેન્દ્ર ત્રિવેદી પાસે ટુકડે ટુકડે રકમ લઈને 31 લાખ રૂપિયા લીધા હતા.
લાંબા સમય સુધી વિઝા ન મળતા રાજેન્દ્ર ત્રિવેદીએ દંપતી પાસે પોતાના પૈસા પરત માગ્યા હતા, ત્યારે આ દંપતીએ માત્ર પાંચ લાખ રૂપિયા જ પરત આપ્યા હતા અને બાકીના 26 લાખ પરત ન આપતા હોવાથી રાજેન્દ્ર ત્રિવેદીએ કલોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. હાલ કલોલ પોલીસે આ અંગે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથધરી છે.








