Thursday, April 16, 2026
HomeGujaratબનાસકાંઠામાં રેન્જ પોલીસનો મોટો દારૂ કબ્જો: સ્થાનિક પોલીસ ‘ઊંઘતી’ રહી? 92 લાખના...

બનાસકાંઠામાં રેન્જ પોલીસનો મોટો દારૂ કબ્જો: સ્થાનિક પોલીસ ‘ઊંઘતી’ રહી? 92 લાખના મુદ્દામાલે ઉઠાવ્યા સવાલો

- Advertisement -

દિનેશ ઠાકોર (નવજીવન ન્યૂઝ.બનાસકાંઠા): ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. જિલ્લામાં રેન્જ પોલીસ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાતા હવે સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા રેન્જમાં પાટણ, વાવથરાદ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે અને અહીં રેન્જ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. હાલ ચાલી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેન્જ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવી જ કાર્યવાહી દરમિયાન રેન્જ પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રક મારફતે વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો છે.

- Advertisement -

આ બાતમીના આધારે રેન્જ પોલીસે એરોમા સર્કલ વિસ્તારમાં નાકાબંધી ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા તેમાં ભૂસાની આડમાં દારૂ છુપાવીને લઈ જવાતો હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસ દ્વારા ટ્રકમાંથી કુલ આશરે ₹92,51,000 કિંમતનો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. સાથે જ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ કેસમાં અન્ય પાંચ આરોપીઓ વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટનાએ જિલ્લાની સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સીમા સાથે જોડાયેલો હોવાથી અહીંથી દારૂની હેરફેર થવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. છતાં, જિલ્લા પોલીસ, એલસીબી અને એસઓજી સક્રિય હોવા છતાં આટલી મોટી માત્રામાં દારૂ કેવી રીતે પસાર થયો તે પ્રશ્ન ઊભો થયો છે.

ખાસ કરીને અમીરગઢ બોર્ડર પરથી દારૂ ગુજરાતમાં પ્રવેશતો હોવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. સ્થાનિકો અને સૂત્રોના મતે, આ બોર્ડર પર પૂરતી ચકાસણી થતી નથી, જેના કારણે બુટલેગરો સરળતાથી દારૂ લઈ જતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ, પાલનપુરના પશ્ચિમ પોલીસ મથક વિસ્તારથી આ ટ્રક પસાર થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવાથી પણ સવાલો ઊઠ્યા છે.

- Advertisement -

એક તરફ રેન્જ પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને લાખોનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ સ્થાનિક પોલીસ તંત્રની ભૂમિકા અંગે ચર્ચા શરૂ થઈ છે. ચૂંટણીના સંજોગોમાં આ પ્રકારની ઘટના કાયદો અને વ્યવસ્થાને લઈને પણ ચિંતાનો વિષય બની છે.

હાલમાં આ મામલે આગળ શું કાર્યવાહી થશે અને સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી થશે કે નહીં તે અંગે સ્પષ્ટતા આવી નથી. પરંતુ આ ઘટનાએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, જેનો જવાબ હવે તંત્રને આપવો પડશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular