નવજીવન ન્યૂઝ. દિલ્હી: Delhi Wrestlers Protest : સતત સાતમાં દિવસે પણ દિલ્હીના (Delhi) જંતરમંતર (Jantar Mantar) ખાતે પહેલવાનોના ધરણા (Wrestlers Protest) ચાલી રહ્યા છે. જોકે સુપ્રીમકોર્ટના (Supreme Court) આદેશ પછી દિલ્હી પોલીસે (Delhi Police) કુશ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણસિંહ (Brij Bhushan Singh) સામે પોક્સો એકટ હેઠળ યૌન શોષણની ફરિયાદો નોંધી છે. પણ પહેલવાનોના ધરણા હજુ યથાવત્ જ છે. તેઓની માગણી છે કે, જ્યાં સુધી બ્રિજભૂષણસિંહ રાજીનામુ નહીં આપે અથવા સરકાર તેમને બરતરફ નહીં કરે, ત્યાં સુધી ધરણા યથાવત્ જ રહેશે.
કુશ્તીબાજોનો આ સંઘર્ષ હવે રાજકીય રંગ ધારણ કરી રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, કેટલીક રાજકીય પાર્ટીના નેતાઓ પણ હવે પહેલવાનોના સમર્થનમાં આગળ આવ્યા છે. આજે સવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) પહેલવાનો સાથે મુલાકાત કરી હતી. વળી સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)પણ ધરણા સ્થળે પહોંચીને પહેલવાનો સાથે મુલાકાત કરી હતી.
પ્રિયંકા ગાંધીએ પહેલાવાનો સાથે લગભગ 50 મિનિટ સુધી વાત કરી હતી. તેમણે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સાથે પણ વાતચીત કરી હતી. તે દરમિયાન વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક પોતાની વેદના જણાવતાં રડી પડ્યાં હતાં. પ્રિયંકા ગાંધીએ તોમને આશ્વાસન આપતા કહ્યું કે, “અમે અને આખો દેશ તમારી સાથે જ છે. તમને ન્યાય જરૂર મળશે. જોકે અત્યાર સુધી પોલીસ દ્વારા એફ. આઈ. આર.ની(FIR) કોપી મળી નથી એટલે લાગે છે કે, ક્યાંકને ક્યાંક સરકાર બ્રિજભૂષણસિંહને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે.”
બીજી તરફ કેજરીવાલે પણ પોતે પહેલવાનોને સમર્થન કરતા હોવાનું સ્પ્ષ્ટ જણાવ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, “આ જગ્યા બહુ પવિત્ર છે. 2011માં અમે અહીંથી જ આંદોલનની શરૂઆત કરીને દેશની રાજનિતી બદલી હતી. હવે આ પહેલવાનો દેશની રમત વ્યવસ્થાને બદલી નાખશે. પાછલાં એક અઠવાડિયાંથી દેશના પહેલવાનો ધરણા પ્રદર્શન કરી રહ્યાં છે. કેમ કે ભાજપના એક બાહુબલી સાંસદે દેશની દીકરીઓ સાથે દુરવ્યવહાર કર્યો છે. દેશમાં કોઈપણ મા–દીકરીઓ સાથે ખોટા કામ કરનારાને તરત ફાંસીના મચાડે લટકાવી દેવા જોઈએ. મારે ઘણા દુઃખ સાથે કહેવું પડે છે કે, જે દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું, દેશને ગર્વ અપાવ્યું છે; આજે એ જ દીકરીઓને પોતાના હક માટે રસ્તા પર ઉતરી આવવાની અને તંત્ર સામે લડવાની ફરજ પડી છે.”
તેમણે જનતાને પણ અપીલ કરતાં જણાવ્યું હતું કે, “જે લોકોને દેશ માટે પ્રેમ છે, તેઓ પણ રજા લઈને પહેલવાનોના સમર્થનમાં અહીં આવે. વધુમાં તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે, અહીંનાં વીજળી–પાણી બંધ ન કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજભૂષણે અગાઉ પ્રેસ કોન્ફરન્સન કરીને કહ્યું હતું કે, આ ખેલાડીઓના ધરણા નથી. હું સંપૂર્ણ નિર્દોષ છું. હરિયાણાના 90 ટકા ખેલાડીઓ મારા સમર્થનમાં છે. અપરાધી બનીને હું રાજીનામું નહીં આપું. દરરોજ નવી-નવી ડિમાન્ડ થઈ રહી છે. આ સમ્રગ મામલા પાછળ તેમણે કોંગ્રેસનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પહેલવાનો પર કટાક્ષ કરતા એમ પણ પૂછ્યું હતું કે, જો 12 વર્ષથી આવું થતું હતું તો અત્યાર સુધી ફરિયાદ કેમ ન કરી?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








