નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Ahmedabad Crime News: એક તરફી પ્રેમના કરૂણ અંજામની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ભુતકાળમાં પણ એક તરફી પ્રેમમા પાગલ ફેનિલ નામના યુવાને યુવતીનું જાહેરમાં ગળું કાપીને હત્યા નિપજાવી હતી. તો તાજેતરમાં જ ઉમરેઠમાં પણ એક યુવતીનું બાથરુમમાં લઈ જઈને ગળું કાપવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદના વાડજમાંથી સામે આવી છે. જેમાં એકતરફી સનકી પ્રેમીને 17 વર્ષની સગીરાએ લગ્નની ના પાડતા યુવાને જાહેરમાં સગીરાનું છરીથી ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સગીરાએ બૂમાબૂમ કરતા જીવ બચ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. તો ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડીને કાર્યવાહી શરૂ કરી છે.
શું બની સમગ્ર ઘટના?
4 વર્ષ પહેલાં 17 વર્ષિય સગીરા તેના પરિવાર સાથે વાડજ વિસ્તારમાં રહેવા આવી હતી. ત્યાનાં 35 વર્ષિય ભરત બોડાણ નામના શખ્સ તેના એક તરફી પ્રેમમા પાગલ બન્યો હતો. જો કે 2 વર્ષ પહેલા તેણે સગીરા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ સગીરાએ તેની ઝાટકણી કાઢી હતી. તે દરમિયાન સગીરાએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ તકનો લાભ ઉઠાવી ફરીથી આરોપીએ તેને છંછેડવાનું શરુ કર્યુ. એ પણ એટલી હદે કે સગીરાની માતા પાસે પણ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. પરંતુ માતાએ પણ ઉંમરનો તફાવત બતાવી ના પાડી દીધી હતી. આથી રોષે ભરાયેલા સનકી આરોપીએ સગીરાની હત્યાનો પ્લાન ઘડ્યો.
છેલ્લાં 2 વર્ષથી કરી સગીરાની પજવણી
આરોપી સગીરાને છેલ્લાં 2 વર્ષથી પ્રેમ સંબંધ રાખવા હેરાન પરેશાન કરતો હતો. જેની જાણ સગીરાએ પરિવારને કરતા બન્ને પરિવારનો ઝઘડો પણ થયો હતો. છેલ્લા 1 મહિનાથી તે સગીરાનો પીછો કરીને તેની માનસિક પજવણી કરતો હતો. હત્યા અને આત્મહત્યા કરવાની ધમકી આપતો હતો, પરંતુ ફરીથી ઝઘડો ન થાય તેની બીકે સગીરાએ પરિવારને આ વાતથી અજાણ રાખ્યો હતો. બીકના મારે તેણે ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધુ હતું.
કેવી રીતે આપ્યો હુમલોને અંજામ?
સગીરા અને પરિવાર કોઈ વાતે રાજી ન થતા તેણે સગીરાની હત્યા કરવાનું નક્કી કર્યુ. ગત સાંજે જ્યારે સગીરા ઘરેથી નીકળી ત્યારે તેણે સગીરાનો પીછો કર્યો. સગીરા ઘરની નજીક આવેલા હરિભાઈની દુકાનેથી કરિયાણું તથા શાકભાજી લઈને નીકળી ત્યારે તેની પાછળ જઈને સગીરાનો રસ્તો રોકી તેણે “કેમ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે” કહીને ખિસ્સામાંથી છરી કાઢીને ગળાના ભાગે ઉપરાંછાપરી હુમલો કર્યો હતો. સગીરાએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થતાં તે ત્યાંથી નાસી છુટ્યો હતો. રહિશોએ પરિવારના લોકોને જાણ કરી બાદમાં 108 દ્વારા ગંભીર ઈજાગ્રસ્ત સગીરાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ વાડજ પોલીસને થતાં પોલીસ હોસ્પિટલમાં આવી પહોંચી હતી અને સગીરાનું નિવેદન લઇને ભરત બોડાણ વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી અપરણિત છે અને છૂટક મજૂરી કરી દારૂની લત ઘરાવતો હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે એફ.એસ.એલ.ની મદદ અને નિવેદનોને આધારે આરોપીની ધરપકડ કરી છે. જો કે આ ઘટના બાદ સગીરાનો પરિવાર પણ ભયભીત છે. સગીરા અને પરિવાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








