નવજીવન ન્યૂઝ. ગુજરાત : ગુજરાત (Gujarat) રાજ્યમાં નકલી બીટી કપાસનાં (Fake BT Cotton)કારણે રાજ્યનાં ખેડૂતો (Farmers) પાયમાલ બની રહ્યા છે. સરકારી નિગમ હોવા છતાં બેફામ રીતે નકલી અને અન-અધિકૃત બીટી કપાસ કે અન્ય બીજનું (Fake Seeds) ઉત્પાદન કરી ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે. જેનાથી ખેડૂતને યોગ્ય પાક મળતો નથી અને મોટું નુકસાન થઇ રહ્યું છે. સરકાર આ બાબતે ગંભીર નથી અને ખેડૂત સમૃદ્ધ બને તેની ચિંતા નથી કરી રહી.
ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે સંબોધન કરી રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ. એક સરકારી કંપની છે. છેલ્લાં જેને ૨૦ વર્ષથી સતત નબળી પાડવાનુ કામ રાજ્ય સરકાર કરી રહી છે. તેના કારણે ખેડુતોનાં બિયારણની ગુણવત્તા, ભાવ તેમજ જરૂરિયાતના સમયે બિયારણના પૂરવઠાના અભાવના પ્રશ્નોથી પરેશાન રહે છે. બિયારણ તે ખેતી માટે એક અગત્યનુ પરિબળ હોવાથી ઉત્પાદનનો સૌથી મોટો પ્રભાવ બિયારણનો છે. તેવા સમયે રાજ્ય સરકાર બીજ નિગમને દિવસે ને દિવસે નબળું પાડી સંપૂર્ણ ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓ ઉપર ખેડુતોને નભતા કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે. તેના પરિણામે ખેડૂતો દર વર્ષે નકલી બિયારણનો ભોગ બની રહ્યાં છે અને કરોડો રૂપિયાનો વેપાર કરી નફો રળી લેતા આવા નકલી બીજ ઉત્પાદકોને રાજ્ય સરકાર સીધી ને આડકતરી રીતે હૂંફ આપી રહી છે! આજે આવી અનેક ફરિયાદો સરકારી ઓફિસોમાં પેન્ડિંગ પડી છે. ઉપરાંત રાજ્ય સરકારનો કોઇ પ્રભાવ કે પકડ આવા બીજ ઉત્પાદકો ઉપર નથી. જેના લીધે ખેડૂતોને કરોડોનુ નુકસાન સહન કરવાનો વારો આવે છે.
વધુમાં, ખેતીને મજબુત કરવામાં રાજ્ય સરકારના બોર્ડ-નિગમોનો સિંહફાળો રહ્યો જ છે. છતાં ગુજરાત રાજય બિજ નિગમ, ગુજરાત રાજ્ય સીડ સર્ટીફિકેટ એજન્સી મૃતપાય અને GLDCને તાળા પણ મારી દીધા. આ પણ એક રાજ્ય સરકારનુ ખેડૂત વિરોધી ષડયંત્ર છે તેવા ગંભીર આક્ષેપ કર્યા હતા.
તેમણે કેટલાંક આંકડા મુકતા જણાવ્યું કે, “ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ. વર્ષ 1990માં કુલ 356 કર્મચારીઓની મંજુરીવાળા મહેકમ સાથે કાર્યરત હતુ. જે 2021 માં એટલે કે આજે માત્ર 204 કર્મચારીવાળું અને ભરાયેલ જગ્યા માત્ર 104 ની છે. તેમાં પણ 56 જગ્યા તો નોન ટૅકનિકલ છે. આ સ્ટાફની સંખ્યા ઉપરથી નિગમનું પરિણામ સૌની સામે આવ્યું છે. બીજ નિગમમાં 1990 માં બીજ નિરિક્ષકની સંખ્યા 74 હતી. જે આજે તમામ રદ કરી નાંખી છે. જ્યારે બીજ અધિકારીની મંજુર થયેલ જગ્યા 81 છે, પરંતુ 41 જગ્યા ખાલી છે. આમ છેલ્લાં 20 વર્ષમા સતત રાજ્ય સરકાર આ નિગમના કર્મચારીઓની સંખ્યા ઘટાડતી રહી છે. 2002ની સરખામણીમા આજે 20% સ્ટાફની જગ્યા ભરેલી નથી. ત્યારે થોડા સીધા સવાલોના જવાબ રાજ્ય સરકાર ખેડૂતોના હિતમા આપે. ખેડુતોને ગુણવત્તાસભર બીજ પૂરું પાડવાનો વિકલ્પ રાજ્ય સરકાર બંધ કરવા માંગે છે? રાજ્ય સરકાર નિગમનુ મહેકમ ઘટાડીને ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ. અને ગુજરાત સીડ સર્ટીફિકેટ એજન્સી GLDCની માફક બંધ કરવા માંગે છે? અનઅધિકૃત બીટી કપાસ બીજ ઉત્પાદનને નાશ્વત કરવા માટે ચાલુ વર્ષે કેટલાં નમુના લેવાયા અને શું કાર્યવાહી કરી? આવા ઇસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા માટે રાજ્ય સરકાર પાસે વિશેષ આયોજન શું છે? છેલ્લાં 20 વર્ષથી નકલી બીટી કપાસ બીજનો ભોગ લાખો ખેડૂત બન્યા છે. રાજ્ય સરકાર પાસે નકલી બીટી કપાસ બીજનુ ઉત્પાદન કરતા ઉત્પાદકોની યાદી છે? ગતવર્ષે તારીખ 4 જૂન 2022 ના રોજ અનઅધિકૃત નકલી બીટી કપાસ બીજનો મોટો જથ્થો ખેતીવાડી ખાતાએ પકડીને 4 આરોપીઓ ઉપર પોલીસ કાર્યવાહી કરી હતી પરંતુ આજે આ કેસની સ્થિતિ શું છે? ”
વધુમાં મનહર પટેલે જણાવ્યું કે, “કોંગ્રેસ ગુજરાત સ્ટેટ સીડ પ્રોડયુસર્સ અસોસીએશનને પણ વિનંતી કરીએ છીએ કે, આપની સંસ્થાના સભાસદ કંપનીઓ પૈકી જે કંપનીઓ નકલી બીટી કપાસ બીજનો જથ્થો અનઅધિકૃત રીતે ઉત્પાદન કરતાં/રાખતાં/વેચતાં ખેતીવાડી ખાતાના જાપ્તામાં રાજ્યની પોલીસે પકડી તેમના પર પોલીસ દ્વારા ગુનો નોંધ્યો છે, જે એક ખેડૂત વિરોધી કૃત્ય છે. આવા સરકારી આરોપીઓને તેના સામાન્ય સભ્ય પદેથી દૂર કરવા જોઇએ અને ભવિષ્યે નકલી અને અનઅધિકૃત બીટી કપાસ બીજનું ઉત્પાદન નહીં કરે તેની બાહેંધરી લખાવવી જોઇએ. તમામ કંપની સભાસદોને તાકીદ કરવી જોઇએ કે, અનઅધિકૃત રીતે બીટી કપાસ/અન્ય બીજ ઉત્પાદનની તાકીદ કરે અને રાજ્ય સરકારના નિયમોનુ ચુસ્તપણે પાલન કરે.”
કોંગ્રેસે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે, ગુજરાત રાજ્ય બીજ નિગમ કે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી કે સરકારી નિગમને વધુ સુદૃઢ બનાવવામાં આવે અને સરકારી રાહે ખેડુતોને એગ્રી ઇન્પુટસનો ગુણવત્તાયુકત જથ્થો મળી શકે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








