નવજીવન ન્યૂઝ. ઉના: Una Violence: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉનામાં કાજલ હિન્દૂસ્તાનીના (Kajal Hindustani) ભડકાઉ ભાષણ (Hate Speech) બાદ શરૂ થયેલો વિવાદ વકરી રહ્યો હતો. ગતરોજ બંને પક્ષો વચ્ચે સમાધાન બાદ પણ રાત્રિના સમયે છમકલા થતા પોલીસ (Gir Somnath Police) કાફલો દોડતો થયો હતો. સાથે જ પોલીસે તાત્કાલીક સ્થિતી કાબૂમાં લઈ ધરપકડનો દોર શરૂ કર્યો હતો. તેમજ કાજલ હિન્દૂસ્તાની વિરૂધ્ધ પણ ભડકાઉ ભાષણ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પરંતુ ચોંકાવનારી વિગત એ છે કે આ છમકલા થવા પાછળનું પરિબળ કોમી વૈમન્સ્ય નહીં પરંતુ દારૂ પીધેલા ટીખળખોરો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મુસ્લિમ આગેવાનોએ પણ પોલીસને જણાવ્યું હતું કે મુસલમાન આરોપીઓ પણ જો આ ઘટનામાં સામેલ હોય તો તેમના નામ મળતા જ અમે ખુદ તેમને પકડી પોલીસના હાથમાં સોંપી દઈશું.

ઘટનાની વિગત એવી છે કે, ઉના પોલીસે ગતરોજ રાત્રિના થયેલા છમકલા મામલે ગુનો નોંધી કાર્યવાહી તેજ કરી છે. ઘટનાની ગંભીરતા પારખી ગીરસોમનાથના ઈન્ચાર્જ એસ.પી. શ્રીપાલ શેષાન સહિત રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડા પણ ઉના પહોંચી ગયા હતા. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ઉનામાં થયેલા પથ્થરમારાની ઘટના મામલે રાયોટિંગનો ગુનો નોંધી 55 જેટલા લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. સાથે જ પોલીસે સઘન કોમ્બિંગ કરી હિન્દૂ-મુસલમાન આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ ઝૂબેશ હાથ ધરતા મોટી સંખ્યામાં તલવાર, ધારીયા અને ધોકા જેવા હથિયારો પણ ઝડપી પાડ્યા છે. ઉપરાંત પોલીસે મોટી સંખ્યામાં સોડા બોટલનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. જે સંભવિત રીતે રમખાણ માટે ઉપયોગમાં લેવાય તેવી શક્યતાઓ રહેલી હતી.

સાથે જ પોલીસે આ મામલાનું મૂળ ભડકાઉ ભાષણ આપનાર કાજલ હિન્દૂસ્તાની વિરૂધ્ધ પણ ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. પોલીસે કાજલ વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 153(એ) અને 295 (એ) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહીની શરૂઆત કરતા બેફામ ભાષણબાજી કરી ઉશ્કેરણી કરવા વિખ્યાત બનેલી કાજલ હિન્દૂસ્તાનીની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે બીજી તરફ સમસ્ત હિન્દૂ સમાજના નામથી રાજેશ મકવાણા અને હિતેષ સોલંકી સહિત અન્ય 2 શખ્સોએ પોલીસને અરજી આપી કથિત રીતે મુસ્લિમોના ટોળા એકત્રિત થવા અને નારાબાજી કરવા મામલે ગુનો નોંધવા માગણી કરી છે. મહત્વની વાત છે કે મુસ્લિમ પક્ષ દ્વારા પોલીસને જણાવાયું હતું કે, ‘પોલીસ અમને આરોપીઓની વિગત આપશે તો જે આરોપીઓ હશે તેમને પકડીને અમે જ પોલીસ સમક્ષ રજૂ કરીશું અને શાંતિ જાળવવા મદદ કરીશું.’
રંગ બદલતું રાજકારણ! કાજલ હિન્દૂસ્તાનીના ભડકાઉ ભાષણ સમયે હાજર ઉનાના ધારાસભ્ય રાઠોડ શું કહે છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, રામનવમીના દિવસે ઉનામાં શોભાયાત્રા બાદ એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વક્તા તરીકે આવેલા કાજલ હિન્દૂસ્તાનીએ મુસ્લિમ સમુદાય વિરૂધ્ધનું ઝેર ઓકતું ભાષણ આપ્યું હતું. ભાષણના પગલે મુસ્લિમ સમુદાયમાં રોષ ફાટી નિકળતા કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી થઈ હતી. દરમિયાન પોલીસે કાર્યવાહીની સાંત્વના આપતા બંને પક્ષો વચ્ચે સુલેહ થઈ હતી. પરંતુ સુત્રો જણાવે છે કે ગતરોજ રાત્રિના સમયે 4 દારૂ પીધેલા યુવાનો બાઈક પર નિકળ્યા હતા અને માથાકૂટ કરવા લાગ્યા હતા. જે બાબતની ખોટી માહિતી ફરતી થતા ઉનામાં પથ્થરમારો અને છમકલા શરૂ થયા હતા. સદનસીબે થોડા વખતમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચતા મામલો વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ કાબૂમાં લેવાયો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








