Crocodile attacks middle-aged man fishing in river : વડોદરાના ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં માછીમારી કરતા એક આધેડ પર મગરે હુમલો (Crocodile Attack Near Vadodara) કરતા મોત નિપજ્યું છે. હુમલો કર્યા બાદ મગર માછીમારને નદીમાં ખેંચી જતા તેમનું મોત થયું છે. આ ઘટના બાદ સ્થાનિકોએ વન વિભાગ (Forest Department Gujarat) ને નદી કિનારે જવા પર પ્રતિબંધ ફરમાવવા માગ કરી છે.
મૂળ મધ્ય પ્રદેશના અને હાલ પારાગામના ખેડૂત અલ્પેશભાઈ બારીયાના ત્યાં મજૂરી કામ કરતા દિનેશ નાયક ઉર્ફે બજારિયા (ઉ.50) શનિવારે ઓરસંગ નદીમાં માછીમારી કરવા ગયા હતા. માછીમારી દરમિયાન બેધ્યાન બનેલા દિનેશ નાયક પર એક વિશાળ મગરમચ્છે તરાપ મારી હુમલો કર્યો હતો. દિનેશ નાયક પર હુમલો કર્યા બાદ મગર તેમને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. થોડા સમય બાદ મગરે આધેડને છોડી દીધા હતા, પરંતુ દિનેશ નાયકનું ગંભીર ઈજાઓને કારણે મોત થઈ જતા તેમની લાશ પાણી પર તરવા લાગી હતી. તરતા મૃતદેહને જોઈને સ્થાનિકોએ તેને બહાર કાઢી આ ઘટના અંગે પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી.








