નવજીવન ન્યૂઝ. રાજકોટ: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM of Gujarat Bhupendra Patel) સહિત ભાજપના તમામ નેતાઓ ‘નલ સે જલ’ યોજના (Nal Se Jal Yojana) દ્વારા ગુજરાતનાં તમામ અંતરિયાળ ગામોમાં પાણી પહોંચાડી દીધું હોવાના બણગાં ફૂકતા હોય છે, ત્યારે તાજેતરમાં રાજકોટ જેવા મહાનગરમાં વોર્ડ 11માં રહેતી મહિલાઓ દ્વારા પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી અને હવે આજે વોર્ડ 3માં રહેતી મહિલાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.
પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ આજે રાજકોટ કોર્પોરેશનની ઓફિસ આગળ આવીને વિરોધ કર્યો હતો. રાજકોટના માધાપર ગામ, સત્યમ શિવમ સુંદરમ્, પરાશર પાર્ક સહિતની સોસાયટીની મહિલાઓએ કોર્પોરેશની ઓફિસ આગળ આવીને ‘પાણી આપો, પાણી આપો’ની સાથે ‘કોર્પોરેશન હાય હાય’ના સૂત્રોચ્ચાર કરીને મેયર અથવા મ્યુનિસિપલ કમિશનરને મળવાની માગ કરી હતી, જે સ્વીકારવામાં ન આવતા મામલો ઉગ્ર બન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટ મનપા દ્વારા પાણીવેરમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ઉનાળા દરમિયાન રાજકોટમાં કોઈ વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી નહીં થાય. પરંતુ ઉનાળો શરૂ થાય તે પૂર્વે જ રાજકોટ કોર્પોરેશના આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.
રાજકોટ મનપાની ઓફિસ આગળ રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ જણાવ્યુ હતું કે, “માધાપર ગામ છેલ્લા અઢી વર્ષ જેટલા સમયથી માનપમાં ભળી ગયું છે, અગાઉ પંચાયત હતી તે સમયે પણ પાણીની સમસ્યાઓ હતી અને હવે જ્યારે ગામ માનપમાં ભળી ગયું છે ત્યારે પણ આ સમસ્યા યથાવત છે. હવે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.”
મહિલાઓની આ જિદને જોતાં વોર્ડ નંબર 3ના કોર્પોરેટર બાબુ ઉધરેજાએ મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા 5 વ્યક્તિઓને મેયરને મળવા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આ મહિલાઓએ પોતાની સમસ્યાની રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નેતાઓ અને સરકાર સતત પોતાની ‘નલ સે જલ’ યોજના થકી ગુજરાતનાં દરેક અને અંતરિયાળ ગામો સુધી પાણી પહોંચાડી દીધું હોવાના બણગાં ફૂંકે છે, પરંતુ અહિયાં તો શહેરી વિસ્તારોમાં જ જો પાણીની સમસ્યા હોય તો ગુજરાતનાં ગામડાની સ્થિતિ શું હશે તેની આપણે કલ્પના કરી શકીએ છે. ગુજરાતની જનતાએ ભાજપની સરકારને જંગી બહુમતી આપીને વિજેતા બનાવ્યા છે તો હવે આ સરકાર લોકોની સમસ્યા સાંભળે અને ખોટા ખોટા વાયદાઓ કરવાનું બંધ કરે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








