નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આજરોજ અમદાવાદના ઈસનપુર તળાવ (Isanpur Lake) વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી AMCની ટીમ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચી હતી. AMCની એસ્ટેટ વિભાગની ટીમ દબાણ હટાવવા પહોંચતા જ સ્થાનિકો રસ્તા પર ઉતરી ગયા હતા અને મોદી સરકાર હાય… હાય…ના નારા લગાવતા જોવા મળ્યા હતા. વિરોધ કરતા લોકોને AMCના કોર્પોરેટર અને અધિકારીઓ સ્પષ્ટતા કરી સમજવવા પ્રયાસ કર્યો હતો કે તેઓ માત્ર કોમર્શિયલ દબાણ હટાવવા પહોંચ્યા હતા. પરંતુ છતાં પણ ટોળે વળેલા લોકો ટસના મસ થયા ન હતા.
નોટિસ જ નથી આપી
ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં સરકાર તળાવ આસપાસ આશરે સવા લાખ ચોરસ વાર જેટલી સરકારી જમીન આવે છે. પરંતુ આ જમીન પર ગેરકાયદેર રીતે દબાણ થઈ ગયું હોય ટ્રાફિકની સમસ્યા સર્જાવા લાગી હતી. જેને ધ્યાને લઈ આજરોજ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ આ કાર્યવાહીથી સ્થાનિક રહીશોના ટોળા રસ્તા પર ઉતરી જતા મામલો ગરમાયો હતો. સ્થાનીક રહીશોનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા અમને કોઈ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી.

રહેણાક મકાનોને નથી તોડવાના
જ્યારે આ મામલે ઈસનપુર વોર્ડના કોર્પોરેટર તેમજ રોડ અને બિલ્ડિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન શંકર ચૌધરીએ નવજીવન ન્યૂઝને જણાવ્યું હતું કે, ઈસનપુરના સરકારી તળાવની આસપાસની જમીન સરકારી છે. લાખો ચોરસ વાર જમીન પર ગેરકાયદેસર દબાણ થતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાવા લાગી હતી. માટે આ નિર્ણય લેતા પહેલા 25 દિવસ પહેલા જ કપાત થતી મિલકતોને માર્ક કરી નોટિસો પણ આપવામાં આવી હતી. વળી અહીં સૌથી વધારે કોમર્શિયલ દબાણો છે અને તેને હટાવવાની વાત છે, રહેણાક મકાન તોડી પાડવાનો કોઈ ઈરાદો મહાનગરપાલિકાનો નથી. પરંતુ કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા રહેણાક મકાનવાળા લોકને ભરમાવતા મામલો ઉગ્ર બન્યો હતો. ખરેખર આ સરકારી જમીન છે અને દબાણને કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતિ હોય કાર્યવાહી કરવી પડે તેમ છે.
માત્ર કોમર્શિયલ દબાણો જ દૂર કરીએ છીએ
આ બાબતે એસ્ટેટ અધિકારી શંકર અસારીએ જણાવ્યું હતું કે, ઈસનપુર સરકારી તળાવની જગ્યા પર દબાણો દૂર કરવા માટે અમે પહેલા નોટિસ આપી હતી. ઉપરાંત અમે જાતે જ બાંધકામ તોડી પાડવું અથવા મહાનગરપાલિકાને જાણ કરવી તેવું પણ જણાવ્યું છે. છતાં પણ દબાણ દૂર નહીં થતા અમે માત્ર કોમર્શિયલ દબાણો દૂર કરવા માટે પહોંચ્યા હતા. રહેણાક મકાનો તોડી પાડવાની કોઈ કામગીરી અમે કરી નથી.

સમજાવટ માટે કોર્પોરેટર પહોંચ્યા…
મહત્વની વાત છે કે, ઈસનપુર તળાવ વિસ્તારમાં ડિમોલેશન સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ કરવા લાગ્યા હતા. સાથે જ સ્થાનિકોએ મોદી સરકાર હાય… હાયના નારા લગાવી મહાનગરપાલિકાની ટીમને ડિમોલેશન અટકાવવા વિરોધ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતા જ એેસ્ટેટ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક કોર્પોરેટરો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને લોકોની સમજાવટ કરતા જોવા મળ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








