નવજીવન ન્યૂઝ. રાજકોટ: Saurashtra Paper Leak Case Updates :સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પેપર લીક પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ભાજપના જ કોર્પોરેટરની (BJP Corporator) કોલેજ એચ.એન. શુક્લ ( H N Shulka College)ખાતે જ પેપર ફૂટ્યાની વિગત સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગત 13 ઓક્ટોબરમાં બી.બી.એ. અને બી.કોમ સેમેસ્ટર 5ની પરીક્ષાના પેપર આગલી રાત્રે ફરતા થતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશન (Rajkot Police) દ્વારા ત્રણ મહિના કરતા વધારે સમય સુધી ચાલેલી તપાસ બાદ અંતે એફ.એસ.એલ. રિપોર્ટના આધારે આજરોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે મનહર પ્લોટમાં રહેતા અને કોલેજના પેપર રિસિવર જીગર ભટ્ટ વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પૂર્વ CMના ભત્રીજા અને ભાજપના કોર્પોરેટરની કોલેજ
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીકના મહિનાઓ બાદ પણ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં ઢીલ જોવા મળતા અનેક સવાલો પેદા થયા હતા. આ મામલે પોલીસે એફ.એસ.એલ.ની પણ મદદ માગી હતી અને એફ.એસ.એલ.નો રિપોર્ટ આવતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ રિપોર્ટ બાદ પણ પોલીસ કાર્યવાહીના વિલંબના કારણે અનેક શંકા-કુશંકાઓ જાગી હતી. ત્યારે પોલીસ દ્વારા ગતરોજ સાંજથી જ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે મામલે ભક્તિનગર પોલીસે ગુનાનું સ્થળ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હોય મામલો ગાંધીગ્રામ પોલીસને સોંપતા આજરોજ યુનિવર્સિટીની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પેપરલીક મામલે ભાજપના જ નેતાઓની એચ.એન. શુક્લ કોલેજનું નામ સામે આવતા આગામી દિવસોમાં રાજકારણ પણ ગરમાય તેવી સંભાવના છે.
શુક્લ ગ્રુપ ઓફ કોલેજમાંથી પેપર ફૂટ્યું !
પેપરલીક કાંડ મામલે સૌરાષ્ટ્ર યનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગત વર્ષે 12 ઑક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર ફોડવામાં આવ્યું હતું. આ મામલે કોઈ વ્યક્તિએ અખબારની કચેરીમાં પ્રેસનોટ બોક્સમાં પેપર અને માહિતી મુકી આવતા મામલો સામે આવ્યો હતો. આ મામલે ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ તપાસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ડી.સી.પી. પણ જોડાયા હતા. સાથે જ એફ.એસ.એલ.ની પણ મદદ માગવામાં આવી હતી. ત્યારે એફ.એસ.એલ.ના રિપોર્ટમાં પોલીસને માહિતી મળી હતી કે એચ.એન. શુક્લ ગ્રુપ ઓફ કોલેજીસમાંથી પેપર ફૂટ્યું છે. પોલીસે આ મામલે જાણ કરતા યુનિવર્સિટીએ ફરિયાદી બની ગુનો નોંધાવ્યો છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, આ મામલે તાત્કાલીક સિન્ડીકેટ સભ્યોની બેઠક બોલાવવામાં આવશે અને કાર્યવાહી માટે નિર્ણય કરવામાં આવશે. ભૂતકાળમાં આ પ્રકારના કિસ્સામાં પરીક્ષા કેન્દ્ર અને જોડાણ રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે શક્યતા સેવાઈ રહી છે એચ.એન. શુક્લ કોલેજનું જોડાણ રદ કરવામાં આવશે.

શું કહે છે નેહલ શુક્લ ?
આ મામલે વિવાદમાં ઘેરાયેલા એચ.એન. શુક્લ કોલેજના ટ્રસ્ટી નેહલ શુક્લએ મિડીયાને જણાવ્યું હતું કે, મને હાલ જ આ મામલે માહિતી મળી છે, ટૂંક સમયમાં વિગતો મેળવી રહ્યો છું. બાદમાં હું પત્રકાર પરિષદ યોજી હકિકત સામે રાખવામાં આવશે. સાથે જ કોલેજના કોઈ વ્યક્તિની સંડોવણી હશે તો તેના વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવાની તૈયારી તેમણે દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે, પેપરલીક મામલે થયેલા એફએસએલ રિપોર્ટમાં ભાજપના નેતાની કોલેજનું નામ ખુલશે તેવા અહેવાલ સુત્રોની માહિતીના આધારે આપ્યા હતા. બાદમાં ગતરોજ આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનથી તપાસ સબંધીત પોલીસ સ્ટેશનને સોપી દઈ ગુનો નોંધવામાં આવશે તે પણ અહેવાલના માધ્યમથી જણાવ્યું હતું. ત્યારે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીકની તપાસ અને કાર્યવાહી નવજીવન ન્યૂઝના સુત્રોએ આપેલી માહિતી મુજબ ચાલતી જોવા મળી રહી છે.
સળગતા સવાલ
ભાજપના નેતાઓ અને કોલેજના ટ્રસ્ટીઓની તપાસ થશે ?
એચ.એન. શુક્લ કોલેજનું જોડાણ રદ્દ થશે ?
એચ.એન. શુક્લ કોલેજના ટ્રસ્ટીઓને પેપરલીકની જાણ હતી ?
શું સત્તાની લડાઈમાં વિદ્યાર્થીઓનું પેપર ફૂટ્યું ?
પોલીસની કાર્યવાહીમાં ઢીલ કોણે કરાવી ?
Tags: Saurashtra Paper Leak Case Updates
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








