નવજીવન ન્યૂઝ. અમદાવાદ : વિદેશમાં જવા તલપાપડ લોકોને કેટલાક ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતા તત્વોનો મામલો હજૂ શમ્યો નથી. એવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે(Ahmedabad Crime Branch) અમેરીકા અને કેનેડાના(Canada) વર્ક વિઝાના (Work Visa) નામે છેતરપિંડી (Fraud) કરતા ભેજાબાજને ઝડપી પાડ્યા છે. આ ભેજાબાજોએ હાલ સુધીમાં વિઝાના નામે કેટલાયને લાખો રૂપિયાની ઠગાઈનો શિકરા બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
વિદેશ જઈ નોકરી કરી પૈસા કમાવા માટે કેટલાય ભારતીયો વિદેશ જવાના સપના સેવે છે. એવામાં વિદેશ જવા ઈચ્છુકો ઠગારાઓનો સરળ શિકાર બની જતા હોય છે અને મોટી રકમ ગુમાવતા હોય છે. ત્યારે ભેજાબાજોનો એક નવો જ કિમીયો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના હાથ લાગ્યો છે. જેમાં સુરતના ભેજાબાજ આરોપીઓ ભાવેશ ધનજીભાઈ સરવૈયા અને ઉમેશ દિનેશભાઈ ચૌહાણ અખબારોમાં જાહેરાત આપતા હતા. જે જાહેરાતમાં આરોપીઓ લખતા “કેનેડા/યુએસએ/યુકેમાં હોટેલ/મોલ માટે સ્ટાફ પગાર રૂપિયા 2,50,000 હજાર (કોઈ એડવાન્સ પેમેન્ટ નહીં) 24 મહિનાની વર્ક પરમીટ (ફ્રી વિઝા) સંપર્ક 9725902967.” જાહેરાતથી જે ગ્રાહકો મળે તેને આઈ.ડી.એફ.સી બેંકમાં નવું એકાઉન્ટ ખોલવા આરોપી જણાવતા હતા. બાદમાં બેલેન્સ બતાવવાનું છે કહી તેમાં પૈસા જમા કરવા કહેતા અને તે રકમને આરોપીઓ ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરતા હતા. આ રીતે રૂપિયા 7 લાખ 96 હજારની છેતરપિંડીની ફરિયાદ મળતા પોલીસ તપાસ કરતા બંને આરોપી ધરપકડ કરવામાં આવી છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદના જણાવ્યા અનુસાર, આરોપીઓ ભાવેશ સરવૈયા અને દિનેશ ચૌહાણ સુરતના રહેવાસી છે. બંને આરોપીઓ અખબારોમાં અમેરીકા, કેનેડાના વર્ક વિઝાની જાહેરાત આપી ગ્રાહકો શોધતા હતા. બાદમાં ગ્રાહક સંપર્ક કરે એટલે તેને વાતોમાં ફસાવી આરોપી કામ થઈ જશે તેવું જણાવતા હતા. બાદમાં ગ્રાહકને આ.ડી.એફ.સી. બેંકમાં નવું એકાઉન્ટ ખોલવા જણાવી તેમાં બેલેન્સ બતાવવાનું કહેતા હતા. દરમિયાન ગ્રાહકના ફોનને હેક કરી તેના માધ્યમથી ઓનલાઈન બેંકીગનો ઉપયોગ કરી ખાતા ખાલી કરી નાખતા હતા. ભેજાબાજ આરોપીઓ ગ્રાહકને છેતરવા માટે તેનું સીમકાર્ડ પણ વિઝા પ્રોસેસના નામે ઉપયોગ કરી લેતા અને ખાતા સાફ કરી નાખતા હતા.
પોલીસે આ બંને ઠગ દ્વારા અગાઉ પણ કેટલાક લોકો સાથે આ પ્રકારને છેતરપિંડી થઈ હોવાની શક્યતાને પગલે ઉંડી તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલવા પામ્યું કે આરોપીએ ગુજરાતના 14 જેટલા લોકોને છેતરપિંડીના શિકાર બનાવી રૂપિયા 31 લાખ જેટલી રકમ ઓળવી લીધી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








