નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગીર સોમનાથ (Gir Somnath)જિલ્લાના આજોઠા ગામમાં (Ajotha Village) યુવાનો દ્વારા શ્વાનને ક્રુરતા પૂર્વક ફટકારી માર્યાની કથિત (Killing Dogs in Veraval) ઘટનાએ ચકચાર જગાવી છે. ત્યારે એનિમલ વેલ્ફેર બોર્ડ (Animal Welfare Board) ના સભ્ય રાજેન્દ્ર શાહે (Rajesh Shah) પણ પોલીસને ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી. બાદમાં સફાળા જાગેલા પોલીસ તંત્રએ ગતરોજ મોડી રાત્રીના જ નવજીવન ન્યૂઝ (Navajivan News) ના પત્રકાર શૈલેષ નાઘેરાનું નિવેદન લેવાનું કામ કર્યું હતું. ત્યારે આજે બીજા દિવસે પણ પોલીસે કથિત ઘટનામાં સામેલ લોકોની શોઘખોળ કરી શ્વાનના મૃતદેહ કબ્જે કરવાના બદલે નવજીવન ન્યૂઝના પત્રકારને ખાસ નિવેદન માટે બોલાવ્યા છે. પોલીસના આ વલણ પાછળ સ્થાનિક રાજકીય આગેવાન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ત્યારે આ મામલે પ્રભાસ પાટણ પોલીસની ભૂમિકા સવાલોના ઘેરામાં આવી રહી છે.
ગીર સોમનાથના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં સમૂહ લગ્ન માટે સફાઈના નામે શ્વાનને ક્રુરતા પૂર્વક મારવામાં આવ્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને છૂપાવવાના પ્રયાસો બાદ પણ નવજીવન ન્યૂઝના પત્રકારે મામલાને ઉજાગર કરતો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેના પગલે જીયદયા પ્રેમીઓમાં ક્રુરતા ભર્યા કૃત્ય કરનાર સામે રોષની લાગણી જોવા મળી હતી, અને રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પરંતુ આ મામલે પોલીસે તપાસનો દોર આરોપીઓની દિશામાં આગળ વધારવાને બદલે પત્રકાર તરફ આગળ વધારી નિવેદન નોંધાવવા માટે જણાવ્યું હતું. ગતરોજ મોડી રાત સુધી પત્રકાર શૈલેષ નાઘેરાના નિવેદન નોંધવાની પ્રક્રિયા બાદ આજ ફરી ખાસ નિવેદન નોંધાવવા માટે તેમને બોલાવવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે, મૃત શ્વાનના મૃતદેહ કબ્જે કરવા અને શ્વાનને ક્રુરતા પૂર્વક માર મારતા અને કોથળામાં પુરતા યુવાનો સુધી પહોંચવા પોલીસ કોની શરમ ભરે છે ?

આજોઠા ગામમાં બનેલી ક્રુર ઘટનાની તપાસ મામલે નવજીવન ન્યૂઝની ટીમે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.પી. ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘ઘટનાની તપાસ ચાલી રહી છે અને મહિલા પી.આઈ. પણ તપાસમાં જોડાયેલા છે. અમને ગામમાં લોકોએ જીવીત શ્વાન બતાવ્યા છે જે વિડીયોમાં દેખાય રહ્યા હતા.’ પરંતુ તેમણે આ મામલાથી અંતર કરી લીધું હતું જ્યારે તેમને સવાલ પુછવામાં આવ્યો કે, એક વખત માની પણ લઈએ કે શ્વાનના મોત નથી થયા પણ તેમને કોથળામાં પુરવા, લાકડી જેવા હથીયારથી ક્રુરતા પૂર્વક માર મારવો કાયદાની જોગવાઈમાં ગુનો છે કે નહીં ? તેઓ જે જવાબ આપશે તે અહેવાલમાં લખવાની વાત કરતા તેઓએ આ મામલે બાદમાં જવાબ આપવાનું કહી વાત ટાળી દીધી છે. ત્યારે નવજીવન ન્યૂઝ પોલીસની તપાસના સત્તાવાર જવાબ અને તપાસના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે.
આ પણ વાંચો : શ્વાનને મારવાની હિંસક ઘટના મામલે મોટા સમાચાર: ગીર સોમનાથ
ઉલ્લેખનીય છે કે, પત્રકારો પોતાના મજબૂત સુત્રોના આધારે તપાસ કરી અહેવાલ પ્રસિધ્ધ કરી તંત્રને નિંદ્રામાંથી જગાડી શકે છે. પરંતુ અહિં તો પોલીસ પોતાની તપાસ જ પત્રકારના સુત્રોના આધારે કરવા માગતી હોય તેવો ઘાટ રચાયો છે. અને પોલીસ આજોઠા ગામમાં શ્વાનની હત્યા જ નથી થઈ અને ક્રુરતા જ નથી થઈ તેવું સાબિત કરવા મથતી જણાઈ રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








