નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: આજરોજ સવારે શ્વાનને ઢોરમાર મારી પતાવી દેવાયાના (Killing Dogs in Veraval) અહેવાલ નવજીવન ન્યૂઝ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતા ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લા સહિત રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. આ અહેવાલ બાદ જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા હતા અને પોલીસ કાર્યવાહીની માગણી કરતા જોવા મળ્યા હતા. એવામાં એનીમલ વેલ્ફેર બોર્ડ ગુજરાત (Animal Welfare Board ) રાજ્યના સભ્ય રાજેન્દ્ર શાહે પણ આ મામલાની ગંભીરતાથી નોંધ લઈ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડાને કાર્યવાહી માટે પત્ર લખી જાણ કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા ગામમાં સમુહ લગ્નની તૈયારીના ભાગરૂપે સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું. દરમિયાન ગામના યુવકો દ્વારા શ્વાનને શોધી-શોધીને હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી નવજીવન ન્યૂઝના પત્રકારને મળી હતી. માહિતી મળતા જ પત્રકાર દ્વારા મામલાની તપાસ કરતા સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે યુવકોએ શ્વાન અને તેના ગલુડીયાંને કોથળામાં પૂરી ફટકાર્યા હતા. કેટલાક શ્વાનને લાકડી અને પાઈપ વડે જીવલેણ રીતે ફટકારી ગંભીર રીતે ઘાયલ કરી મોતના મુખમાં ધકેલી દેવાયા હતા. ઘટનાની આગળ ખરાઈ કરતા પત્રકારને હાથે ગામના યુવાનો દ્વારા કરવામાં આવેલા હિંસક કૃત્યના કેટલાક વિડીયો અને ફોટોગ્રાફ હાથ લાગ્યા હતા. સાથે જ એક સ્થાનિકના ઘરમાં પણ આ યુવકોએ શ્વાનને મારવા નિકળ્યા દરમિયાન બબાલ કરી હોવાની માહિતી સુત્રો દ્વારા મળી હતી. આ મામલે ઘરના માલિકે રાજકીય આગેવાનોના દબાણના કારણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું તેવું પણ સુત્રો મારફતે પત્રકારને ધ્યાને આવ્યું હતું.

આ મામલે હાલ આ લખાય છે ત્યારે , નવજીવન ન્યૂઝના પત્રકાર શૈલેષ નાઘેરાનો પોલીસ વિભાગ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. શૈલેષ નાઘેરાને પોલીસ કર્મચારીએ ટેલિફોનીક જાણ કરી તેમનું નિવેદન નોંધાવવા માટે જણાવ્યું છે. સાથે જ આ મામલે કેટલાક લોકો દ્વારા આ મામલાની પતાવટ માટે પણ સંપર્ક કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ ફરિયાદી બની આ મામલે કાર્યવાહી કરશે કે રાજકારણનું દબાણ આ ઘટનાને દબાવી દેવા માટે સફળ રહેશે.
આ સમગ્ર ઘટનાનો અહેવાલ નવજીવન ન્યૂઝમાં પ્રસિધ્ધ થતા રાજ્યભરના જીવદયા પ્રેમીઓએ ઘટનાને વખોડી હતી. સાથે જ કેટલાક જીવદયા પ્રેમીઓએ ઘટના અંગે ફરિયાદ નોંધી પોલીસ કાર્યવાહીની માગણી પણ કરી હતી. ત્યારે ગુજરાત રાજ્યાના એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહે ગીર સોમનાથ પોલીસ વડાને પત્ર લખી તપાસ કરી આઈપીસીની કલમ 428, 429 અને PCA 1960 એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા રજૂઆત કરી છે. સાથે જ અમદાવાદના કેટલાક જીવદયા પ્રેમીઓએ પણ નવજીવન ન્યૂઝનો સંપર્ક સાધી કાર્યવાહી માગણી કરતી તેમની રજૂઆત તંત્ર સુધી પહોંચાવા વિનંતી કરી છે.
આ પણ વાંચો : શ્વાનનો હત્યાકાંડ ? વેરાવળના આજોઠા ગામમાં યુવકોનું રાક્ષસી કૃત્ય, 25 શ્વાનને મારી નાખ્યા
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








