ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કેન્દ્રસમાન સોમનાથ મંદિરનો ઇતિહાસ અડગ શ્રદ્ધા અને અવિરત પુનર્નિર્માણની અપ્રતિમ કહાની છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું આ પવિત્ર ધામ સદીઓથી ભારતીય અસ્મિતાનું રક્ષક રહ્યું છે.

ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને સંઘર્ષનો ઇતિહાસ
સોમનાથ મંદિરની ભવ્યતા અને સમૃદ્ધિ જ પ્રાચીન સમયમાં આક્રમણખોરો માટે આકર્ષણનું કારણ બની હતી. ઈ.સ. 1025–26માં અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતના સુલતાન મહમદ ગઝનવીએ સોમનાથ પર તેનું સૌથી વિનાશક આક્રમણ કર્યું હતું. તે સમયે સોમનાથ અતિ સમૃદ્ધ ધાર્મિક કેન્દ્ર હતું, જેને લૂંટવા માટે ગઝનવીએ રણપ્રદેશના કઠિન માર્ગો પાર કર્યા હતા. સ્થાનિક શાસકો અને પ્રજાએ વીરતાપૂર્વક પ્રતિકાર કર્યો, પરંતુ ગઝનીએ મંદિરને ભારે નુકસાન પહોંચાડી સંપત્તિની લૂંટ ચલાવી. તેમ છતાં, ગઝની આસ્થાને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યો. તેના ગયા બાદ તુરંત જ ચૌલુક્ય (સોલંકી) શાસકોએ મંદિરનું પુનઃનિર્માણ કરી સંસ્કૃતિને જીવંત રાખી હતી.

સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગૌરવનું પુનઃસ્થાપન
ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરનું નવસર્જન એ રાષ્ટ્રીય આત્મગૌરવનો વિષય બન્યો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં મંદિરને તેના મૂળ ગૌરવ સાથે પુનઃનિર્મિત કરવાનો સંકલ્પ કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ પ્રખ્યાત શિલ્પકાર પ્રભાશંકર સોમપુરાએ પરંપરાગત ચાલુક્ય શૈલીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. ઈ.સ. 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યારે મંદિરનું લોકાર્પણ થયું, ત્યારે તેમણે તેને ભારતની સાંસ્કૃતિક પુનર્જાગૃતિનું પ્રતીક ગણાવ્યું હતું.

મોદીનું વિઝન અને આધુનિક વિકાસની નવી ક્ષિતિજો
વડાપ્રધાન મોદીના શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથના વિકાસમાં એક નવો આધુનિક અધ્યાય શરૂ થયો છે. તેમના દૂરંદેશી આયોજન હેઠળ મંદિર પરિસરને વૈશ્વિક કક્ષાનું પર્યટન સ્થળ બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ માટે ડિજિટલ દર્શન, સુરક્ષા અને સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો કરાયો છે.

- પ્રોમેનાડ (વોક-વે): સમુદ્ર કિનારે બનેલો સુંદર પદયાત્રી માર્ગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
- ટેકનોલોજી: ભવ્ય ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ દ્વારા ઇતિહાસને જીવંત રાખવાના પ્રયાસો થયા છે.
- સંરક્ષણ: દરિયાઈ ક્ષાર અને કાટથી મંદિરને બચાવવા માટે વિશેષ તકનીકી પગલાં લેવામાં આવ્યા છે.

આજે સોમનાથ મંદિર એ પરંપરાગત મૂલ્યો અને આધુનિક વિકાસના સુમેળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને રાષ્ટ્રીય આત્મગૌરવનું જીવંત પ્રતીક બનીને ઊભું છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ
ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ તા. ૦૮ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.

આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. ‘હર હર ભોલે’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું.

સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની કથા છે. ૧૦૨૬માં મહમદ ગઝનવીના આક્રમણથી લઈને સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આસ્થાના આ કેન્દ્રને ખંડિત કરવા પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે ભારતવર્ષના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે. આ પર્વ દ્વારા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેવા અગણિત શહીદોના બલિદાનને અંજલિ આપવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર દર્શન નથી, પણ પૂર્વજોના સંઘર્ષની સ્મૃતિ પણ છે.








