નવજીવન ન્યૂઝ, સુરત : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાત જાતના અને ભાત ભાતના ખેલ થઈ રહ્યાં છે. ક્યાંક ઉમેદવાદ મેન્ટ મળ્યા બાદ પણ ફોર્મ ભરવા નથી જતાં તો ક્યાંક ઉમેદવારી પરત ખેંચી લઈને સામા પક્ષના ઉમેદવારને બિનહરીફ બનાવી દે છે. આવી જ ઘટનાઓની વચ્ચે વલસાડ જિલ્લામાંથી મામલતદારે આપઘાત (Mamlatdar Suicide) કર્યો હોવાની એક આઘાતજનક ઘટના સામે આવી છે. ઉમરગામના મામલતદાર ડી. સી. બ્રાહ્મણકાચ્છે (Umargam Mamlatdar D C Brahmankachh) ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે રેલવે પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે. અત્રે નોંધનીય છે કે, ડી. સી. બ્રાહ્મણકાચ્છે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat Local Body Election) ઓની તડામાર તૈયારીઓ વચ્ચે મામલતદારના આપઘાત બાદ ચોંકાવનારી બાબત સામે આવી છે. સરીગામ બેઠકના એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ કોઈપણ સંજોગોમાં રદ કરવા માટે મામલતદાર પર ઉપર ભારે દબાણ હોવાની ચર્ચા છે. કાયદાકીય રીતે ફોર્મ રદ થઈ શકે તેવા કોઈ સંભાવના નહીં હોવાથી મામલતદારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. મામલતદાર કચેરીના વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છને ધમકી આપી હતી કે, જો તે ફોર્મ રદ નહીં કરે તો તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા મજબૂર કરાશે. હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને મામલતદારની કોઈ સુસાઈડ નોટ (Mamlatdar’s suicide note) મળી છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.








