નવજીવન ન્યૂઝ. સુરત: હિરાનગરી સુરત શહેર (Surat City) ને સતત ત્રીજી વખત ક્લીન સિટીનો એવોર્ડ મળ્યો હતો. પરંતુ હાલ ભાજપના ધારાસભ્યની રજૂઆત પરથી વાસ્તવિકતા કંઈ અલગ જણાય છે. ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani) એ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) ને પત્ર લખી લોકોને ગંદકી, દુર્ગંધ અને મચ્છરથી મુક્તી અપાવવાની રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે. સાથે જ કુમાર કાનાણીએ રજૂઆતને ગંભીર બનાવતા લખ્યું છે કે, જો આ મામલે જન આંદોલન થાય તો મારે પણ તેમાં સામેલ થવું પડશે જેની નોંધ લેશો.
સુરત શહેરને સતત ત્રીજે વર્ષે ક્લીન સિટીનો એવોર્ડ મળતા મહાનગરપાલિકાની વાહ-વાહી કરવામાં આવી હતી. પરંતુ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને લખેલા પત્રએ ગંદકી સાથે જ નિંદ્રાધીન પત્રની પોલ ખોલી નાખી છે. જેમાં તેમણે અનેક વખત ગંદકીની સમસ્યા મામલે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કામ ચાલુ હોવાના જ જવાબો મળતા હોવાનું લખ્યું છે. કનાણીએ તો ત્યાં સુધી લખ્યું છે કે, તેમના વિસ્તારમાં લોકો ગંદકી અને દુર્ગંધના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે તેવી સ્થિતી છે. પરંતુ તંત્ર દ્વારા અનેક રજૂઆતો બાદ પણ કોઈ પગલા લેવામાં નથી આવતા. ત્યારે સવાલ પેદા થાય છે ભાજપની જ સરકારના ધારાસભ્યની રજૂઆતનો મહાનગરપાલિકા ધ્યાને લેતી ન હોય તો સામાન્ય લોકોની હાલત તો કેવી હશે.
સુરત મહાનગરપાલિકાના સફાઈ અને મચ્છરજન્ય રોગ પ્રત્યે નિરસ વલણને પગલે ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખવો પડ્યો છે. રજૂઆત પત્રમાં કાનાણીએ જણાવ્યું છે કે, મારા વિસ્તારમાં ખાડીના કિનારાની સોસાયટીઓમાં અસંખ્ય લોકો વસવાટ કરે છે. આ લોકો હવે ગંદકી, મચ્છર અને દુર્ગંધના કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે અને વર્ષોથી આ સમસ્યાના સમાધાન માટે રજૂઆત કરી રહ્યા છે. ત્યારે વહિવટી તંત્ર કામગીરીનો રિપોર્ટ પણ નથી આપતું કે નથી તો કામગીરી કરતું. માત્ર તંત્રને રજૂઆત કરીએ ત્યારે ફોન પર જણાવે છે કે, કામ ચાલું છે ટૂંક સમયમાં થઈ જશે. પણ હવે લોકો કંટળી ગયા છે અને લોકો મારી પાસે આવી સમસ્યાનું સમાધાન કરવા માગણી કરી રહ્યા છે. જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય ને જનઆંદોલન થશે તો મારે પણ તે જનઆંદોલનમાં સામેલ થવું પડશે તેની નોંધ લેજો.
કુમાર કાનાણીની રજૂઆતને પગલે સુરત સિટીને મળેલા સ્વછતાના એવોર્ડ પર પણ સવાલ પેદા થાય છે. કારણ કે જો શહેરમાં આ પ્રકારે લોકો ગંદકીનો શિકાર હોય તો ક્લીન સિટીમાં બીજા નંબરનું સ્થાન કેવી રીતે મળી ગયું અને એ પણ સતત ત્રીજી વખત.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








