નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં સોસાયટીના મકાન ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓએ રહેવાસીઓ પર કાળો કેર વર્તાવ્યો હતો. જેમાં ભૂમાફિયાઓએ સોસાયટીના રહિશને મોતને (Murder)ઘાટ ઉતારી દીધા હતા. આ મામલે લાંબા સમયથી ફરાર આરોપી ભૂરો ઉર્ફે ભરત સોસાને (Bharat Sosa alias Bhura)પકડવામાં શહેર પોલીસ (Rajkot City Police)અને સી.આઈ.ડી. ક્રાઈમની(CID Crime ) ટીમ નિષ્ફળ રહી છે. ત્યારે 11 મહિના બાદ ભૂરો સોસા અચાનક સી.આઈ.ડી. ક્રાઈમ સમક્ષ પ્રગટ થઈ રજૂ થયો છે.
કેસની વિગત એવી છે કે, રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર સ્થિત રાધાકૃષ્ણ સોસાયટી ખાલી કરાવવા માટે ભૂમાફિયાઓએ આતંક મચાવવાનો શરૂ કર્યો હતો. આતંકીઓની જેમ સોસાયટીના રહિશોને ફટકારતા અને હુમલા કરતા લૂખ્ખાઓ વિરૂધ્ધ તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ટીમના કુણા વલણને કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા હતા. દરમિયાન 14 ફેબ્રુઆરીની મોડી રાત્રે ભૂમાફિયા ગેંગનો શખ્સ ભૂરો ઉર્ફે ભરત સોસા પોતાની ટોળકીને લઈ પથ્થરમારો કરવા સોસાયટી પર ગયો હતો. જે પથ્થરમારામાં 52 વર્ષીય કારખાનેદાર અવિનાશભાઈ કુરજીભાઈ ધુલેશિયા ગંભીર રીતે ધવાતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. લુખ્ખા ભૂમાફિયાઓના આતંકનો બનાવ હત્યામાં પલટાતા શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી.
ભૂમાફિયાઓ દ્વારા થયેલી અવિનાશભાઈની હત્યા બાદ રોષે ભરાયેલા પરિવાર અને સોસાયટીના રહિશોએ ઉચ્ચ કક્ષાએ તપાસની માગણી કરી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરતા રાજ્યભરમાં હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. દબાણમાં આવેલી સરકારના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હત્યા કેસની તપાસ સી.આઈ.ડી.ને સોંપવાની જાહેરાત કરતી ટ્વિટ કર્યાના 10 દિવસ બાદ ટીમ કામે લાગી હતી. અને આ મામલે આરોપી રવિ વાઢેર, વિજય રાઠોડ, હિરેન વાઢેર, પરેશ ચૌહાણ અને બાદમાં મયુરસિંહ જાડેજાની ધરપકડક કરવામાં આવી હતી. પરંતુ અમિત ભાણવડીયા અને ભૂરો ઉર્ફે ભરત સોસાને પકડવામાં પોલીસ અને સી.આઈ.ડી. નિષ્ફળ રહી હતી આમ તેઓ મહિનાઓ સુધી ફરાર રહી શક્યા હતા.
પરંતુ ગત 20 જાન્યુઆરીના રોજ હત્યા કેસના ફરાર આરોપી અમિત ભાણવડિયાએ કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વિકારી હતી અને બાદમાં સી.આઈ.ડી. ક્રાઈમની ટીમને સુપ્રત કર્યો હતો. ત્યારે હવે ભરત ઉર્ફે ભૂરાએ સી.આઈ.ડી. ક્રાઈમ સમક્ષ સરેન્ડર કરતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે ચકચારી હત્યાકેસના આરોપીઓને પકડવામાં સી.આઈ.ડી. સહિતની રાજ્યની પોલીસ નિષ્ફળ રહી છે ત્યારે સામેથી આરોપીઓ રજૂ થતા શહેરમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








