નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના નોઈડામાં ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનો લાંબા સમયથી સળગતો અસંતોષ હવે ખુલ્લેઆમ ફાટી નીકળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વિરોધ સોમવારે અચાનક ઉગ્ર બન્યો, જ્યારે સૈંકડો કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા, ટ્રાફિક જામ સર્જાયો અને કેટલાક વિસ્તારોમાં તોડફોડ તથા આગજનીની ઘટનાઓ પણ સામે આવી. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો અને અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો.
આ સમગ્ર મામલો માત્ર પગાર વધારાની માંગ પૂરતો સીમિત નથી, પરંતુ કર્મચારીઓના મતે આ પાછળ વર્ષોથી ચાલતું શોષણ અને ગેરરીતિઓનું જાળું છુપાયેલું છે. વિરોધ દરમિયાન કર્મચારીઓએ કંપનીઓની કાર્યપદ્ધતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે, જે ચોંકાવનારા છે.
કર્મચારીઓના જણાવ્યા મુજબ, તેમને વાસ્તવમાં 10થી 15 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે, પરંતુ દસ્તાવેજોમાં 25 હજાર રૂપિયા દર્શાવવામાં આવે છે. એક મહિલા કર્મચારીના જણાવ્યા પ્રમાણે, 9થી 11 હજાર રૂપિયામાં કામ કરાવાય છે અને વર્ષો સુધી મહેનત કર્યા પછી પણ યોગ્ય વધારો મળતો નથી. જો વિરોધ કરવામાં આવે તો માત્ર 200થી 300 રૂપિયાનો વધારો કરવામાં આવે છે, જેને તેઓ પ્રતીકાત્મક ગણાવે છે.
કેટલાક કર્મચારીઓએ વધુમાં જણાવ્યું કે તેઓ પાસેથી 10થી 12 કલાક સુધી કામ લેવાય છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વેતન મળતું નથી. ઓવરટાઈમનું વળતર તો ઘણીવાર આપવામાં આવતું નથી અથવા તેમાં કપાત કરવામાં આવે છે. સાથે જ, કામના સ્થળે મૂળભૂત સુવિધાઓનો અભાવ, સુરક્ષાની કમી અને ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે અસુરક્ષાની લાગણી પણ સામે આવી છે.
આંદોલનની અસર હવે નોઈડાની બહાર પણ દેખાઈ રહી છે. ફરીદાબાદમાં પણ મોટી સંખ્યામાં કામદારો રસ્તા પર ઉતરી આવ્યા છે અને કેટલીક કંપનીઓમાં હડતાલ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ઉદ્યોગ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે, કારણ કે ઉત્પાદન કામગીરી પ્રભાવિત થઈ રહી છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન સજાગ બન્યું છે. નોઈડાના અનેક વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે અને કર્મચારીઓના પ્રદર્શનને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવો પડ્યો છે. અધિકારીઓએ કર્મચારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને તેમની ફરિયાદો માટે કંટ્રોલ રૂમ પણ સક્રિય કરવામાં આવ્યો છે.
આ દરમિયાન, પ્રશાસને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હોવાનું પણ જણાવાયું છે. તેમાં ઓવરટાઈમ માટે ડબલ પેમેન્ટ, અઠવાડિયામાં એક દિવસની ફરજિયાત રજા, સમયસર પગાર ચુકવણી અને બોનસ માટે નિર્ધારિત સમયમર્યાદા જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. સાથે જ, કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટે આંતરિક ફરિયાદ સમિતિ બનાવવાની ફરજિયાતી પણ રાખવામાં આવી છે.
પરંતુ સૌથી મોટો પ્રશ્ન હજુ યથાવત છે કે આ તમામ નિયમો કાગળ પર જ રહેશે કે વાસ્તવમાં અમલમાં આવશે. કર્મચારીઓનું કહેવું છે કે તેઓએ અગાઉ પણ આવા વચનો સાંભળ્યા છે, પરંતુ જમીન સ્તરે કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તેઓ માને છે કે પારદર્શિતા અને કડક અમલ વિના પરિસ્થિતિમાં સુધારો શક્ય નથી.
નોઈડામાં ઉઠેલો આ અવાજ હવે માત્ર એક શહેરનો મુદ્દો નથી રહ્યો, પરંતુ દેશભરના અસંગઠિત અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓની સ્થિતિ પર પણ ગંભીર સવાલો ઉભા કરી રહ્યો છે.








