નવજીવન ન્યૂઝ. સુરત: દેશમાં ઠગાઈ કરનારા ઠગારાઓ રોજ અવનવા કીમિયા સાથે લોકોને છેતરતા રહે છે. ત્યારે હવે સુરત (Surat)માં એક નવા જ કીમિયાથી મહિલાને છેતરપિંડીનો ભોગ બનાવી દેવામાં આવી છે. જેમાં સુરતની મહિલા સાથે મિત્રતા કેળવી ગિફ્ટ અને એરપોર્ટ પર ચાર્જ ભરવાના બહાના રૂપિયા 57 લાખ કરતા વધારેની રકમની ઠગાઈ (Cheating) આચરવામાં આવી છે.
સુરતના નાનપુરા વિસ્તારના કૈલાસનગર સોસાયટીમાં રહેતી આઘેડ મહિલાને ઠગબાજોએ છેતરપિંડીનો શિકાર બનાવી છે. જેમાં મહિલા સાથે વિદેશી નાગરિક તરીકે ઓળખ આપી મિત્રતા કેળવી હતી. મે મહિનામાં મહિલાને વોટ્સએપ પર મેસેજ કરી ફ્રાંસના સિવિલ એન્જિનિયર તરીકે ઓળખ આપી છેતરપિંડીનો શિકાર બનાવવાનો કારસો શરૂ થયો હતો. પત્ની 7 વર્ષ પહેલા અવસાન પામી છે અને એક દીકરી પણ છે તેમ જણાવી પોતાની માયાજાળમાં મહિલાને આરોપીએ ફસાવી હતી.
મિત્રતા કેળવી મહિલાને આરોપી હેરીએ પોતાની દીકરીનો બર્થડે છે તો ગિફ્ટ મોકલવાનું કહ્યું હતું. આ ગિફ્ટ બે દિવસ બાદ એરપોર્ટ પરથી ફોન આવશે એટલે મેળવી લેવા કહ્યું હતું. બાદમાં મહિલાને મુંબઈ એરપોર્ટના નામથી ફોન આવ્યો અને જણાવ્યું હતું કે, હેરીએ ગિફ્ટ મોક્લયું છે જેને છોડાવવા માટે રૂપિયા 35 હજાર ભરવા પડશે તેમ જણાવ્યું હતું. મહિલાએ પાર્સલમાં શું આવ્યું તે પુછતા જવાબ મળ્યો હતો કે, તેમાં સોનાના ઘરેણા, લેપટોપ, ઘડિયાળ, સેંડલ અને 30 હજાર પાઉન્ડ છે. મહિલાએ હેરીને વોટ્સએપ કોલ કરી આટલી બધી ચીજ-વસ્તુ કેમ મોકલી મારે જરૂર નથી તેમ કહેતા હેરીએ મહિલાને લગ્ન કરવા માટે પ્રપોઝલ માટે મોકલ્યું હોવાનું કહ્યું હતું.
બાદમાં મહિલાએ જે નંબર પરથી ફોન આવ્યો હતો તેમાં ફોન કરી પાર્સલ રિટર્ન કરી દેવા જણાવ્યું હતું. ત્યારે સામેથી પાર્સલ રિટર્ન કરવા માટે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. જેના કારણે મહિલાએ રૂપિયા 35 હજાર ભરી પાર્સલ છોડાવી લેવાની તૈયારી કરી હતી. બાદમાં થોડા દિવસો પછી એક લેડીઝનો ફોન આવ્યો હતો જેણે એરપોર્ટ પરથી વાત કરતા હોવાનું જણાવ્યું હતું. આ મહિલાએ પોતાની ઓળખ પ્રિયા તરીકે આપી હતી અને 30 હજાર પાઉન્ડને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવા રૂપિયા 3.60 લાખનો ચાર્જ માગ્યો હતો. મહિલા પાસેથી એરપોર્ટમાં પાર્સલ રાખવાના રૂપિયા 60 હજાર ચાર્જ થશે તેમ કહી પણ માગણી કરવામાં આવી હતી. આ બધું કરી મહિલા જ્યારે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી ત્યારે તેને ઠગ મહિલાએ બે દિવસમાં ઘરે પાર્સલ પહોંચી જશે તેમ કહ્યું હતું. બાદમાં તેણે એરપોર્ટ પર પકડાઈ ગયાનું બહાનું ધરી પૈસા ભરવા પડશે તેમ કહ્યું હતું.
છેતરપિંડીનો ભોગ બનનાર મહિલાને હેરીએ એરપોર્ટ પર એક લાખ પાઉન્ડની રકમ સાથે પકડાઈ ગયા હોવથી ધરપકડ થઈ હોવાનું કહ્યું હતું. હેરીએ મની લોન્ડ્રીંગનો કેસ થયો હોય દિલ્હી એરપોર્ટ પર ઈમીગ્રેશનમાં રહેતી મહિલા સાથે વાત કરાવી હતી. આમ બનાવટી ઓફિસર સાથે વાત કરાવી રૂપિયા 5 લાખની રકમ પડાવી લીધી હતી. ટૂંકમાં મહિલાને વિવિધ રીતે ઠગાઈનો શિકાર બનાવી રૂપિયા 57 લાખ કરતા વધારેની રકમનો ચૂનો લગાવી દેવામાં આવ્યો છે. આ મામલે મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હેરી, પ્રિયા અને એરપોર્ટની મહિલા ઓફિસર તરીકેની ઓળખ આપનાર મહિલા અને ઈમેલ આઈડી ધારક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








