નવજીવન ન્યૂઝ. પટણા : બિહારના છપરામાં ઝેરી દારૂના કારણે લઠ્ઠાકાંડમાં 39 જેટલા લોકોના મોતના અહેવાલ મળી રહ્યાં છે. સાથે જ માહિતી મળી રહી છે કે, હાલ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં દાખલ છે અને હાલત ગંભીર છે. બીજી તરફ એવી પણ માહિતી સામે આવી રહી છે કે, મોટી સંખ્યામાં લોકો દારૂના કેસના ડરે છુપાઈને સારવાર મેળવી રહ્યાં છે. પરંતુ આ નાજૂક હાલતમાં પણ ભાજપ અને નીતિશ કુમાર વચ્ચેનું રાજકારણ ચરમસીમા પર પહોંચ્યું છે.
બિહારના લઠ્ઠાકાંડમાં લોકોના થયેલા મોત પર નીતીશ કુમારે મિડીયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, “ભાજપ સરકારમાંથી નીકળી ગઈ છે, તેથી જ તે આટલી આક્રમક છે. દેશભરમાં નકલી દારૂથી લોકો મૃત્યુ પામે છે. બિહારમાં દારૂબંધી પહેલા પણ મોત થતા હતા. જે દારૂ પીવે છે, તે ચોક્કસ મૃત્યુ પામે છે.” આપને જણાવી દઈએ કે આજે જ્યારે નીતીશ કુમાર વિધાનસભા પહોંચ્યા ત્યારે ભાજપના નેતાઓ પોર્ટિકોમાં તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલે કહ્યું કે, “મોટા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી દારૂ પર પ્રતિબંધ લાગુ કરી શકાય નહીં. નીતીશ કુમારનો આમાં નિહિત સ્વાર્થ છે. આના કારણે લોકોના મોત થયા છે. બચવા માટે નાના અધિકારીઓ પર જ કાર્યવાહી કરવામાં આવે છે. નીતિશ કુમારનું માનસિક સંતુલન બગડ્યું છે. જો તેઓ દિલ્હી આવે તો અમે તેમની સારવાર કરાવી શકીએ.”
બીજી તરફ આરજેડીના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ કહ્યું કે, ‘નકલી દારૂના કારણે થયેલા મોત અંગે ભાજપનો અવાજ વાસ્તવમાં સત્તામાંથી હાંકી કાઢવાની અસ્વસ્થતાની અભિવ્યક્તિ છે. દારૂ અંગે રાષ્ટ્રીય નીતિ હોવી જોઈએ. ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં દારૂની હોમ ડિલિવરી થાય છે. આ વર્ષે જુલાઈમાં જ ત્યાં નકલી દારૂના કારણે 57 લોકોના મોત થયા હતા. ઘણા લોકોએ આંખોની રોશની ગુમાવી. જ્યારે તે વિસ્તારના લોકોએ દારૂના ગેરકાયદે વેચાણ અંગે પોલીસને એક નહીં પરંતુ અનેક વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને પરિણામે ઝેરી દારૂના કારણે 57 લોકોના મોત થયા હતા.’
શિવાનંદ તિવારીએ જણાવ્યું હતું કે, ગુજરાત નરેન્દ્રભાઈ મોદીનું રાજ્ય છે. તેમની સરકાર ત્યાં લાંબા સમયથી છે. તેમના શાસનનું એક મોડેલ ત્યાં બનાવવામાં આવ્યું હતું. તેના જ અવાજથી તે દિલ્હીના સિંહાસન પર ચઢ્યા . હમણાં જ ત્યાં તેમને વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ સમર્થન મળ્યું. આમ છતાં ત્યાં ગેરકાયદેસર દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે. જ્યારે બિહારમાં દારૂબંધી ન હતી, તે સમયે પણ ગેરકાયદેસર રીતે દારૂ બનાવવામાં આવતો હતો. તેનાથી પણ મોત થતા હતા.
બુધવારે વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન નકલી દારૂના કારણે થયેલા મોતને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલબાજી થઈ હતી, પરંતુ ગુરુવારે તે વધુ રસપ્રદ બની હતી. મુખ્યમંત્રીએ સીધું જ કહ્યું કે “જે પીશે તે મરી જશે.” રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સુધાકર સિંહે આ મૃત્યુને સત્તા દ્વારા સુરક્ષિત હત્યાકાંડ ગણાવ્યો.
અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારે, નકલી દારૂના કારણે મૃત્યુ પર પ્રતિક્રિયા આપતા ગુરુવારે કહ્યું હતું કે “જો પીયેગા વો મરેગા. બિહારમાં દારૂના વપરાશ પર પ્રતિબંધ છે. લોકોને સમજાવવાની જરૂર છે.” તેમણે કહ્યું કે, ગડબડ કરનારને પકડો, તેને સારું કામ કરવા માટે પ્રેરિત કરો. અમે બાપુ અને બિહારની મહિલાઓની ઈચ્છા પર નશાબંધી લાગુ કરી છે. જે લોકો વિપક્ષમાં બેઠેલા લોકો બિહારમાં આ મૃત્યુ વિશે પૂછે છે, તેમને પૂછો કે તમે જ્યાં પણ શાસન કરો છો ત્યાં નકલી દારૂથી કેટલા લોકો મરી રહ્યા છે. બિહારમાં તમામની સહમતિથી દારૂબંધી લાગુ કરવામાં આવી છે. તમે પણ દારૂ વિરુદ્ધ અભિયાન ચલાવો છો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








