નવજીવન ન્યૂઝ.મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddhav Thackeray)એ તેમના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે (MNS Chief Raj Thackeray) નું નામ લીધા વિના તેમના પર પ્રહારો કર્યા અને કહ્યું કે રાજ્યમાં ‘મરાઠી’ બાદ હવે ‘હિંદુત્વ’ની રમત ચાલી રહી છે. તેમણે કહ્યું કે આપણે આવી રમતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર નથી.
મુખ્યમંત્રીએ કહ્યું, “અમે આવા ઘણા ભોંપુવાળા (લાઉડસ્પીકર) જોયા છે. રાજ્યના લોકો બધું સમજે છે. અમારે હિન્દુત્વનો ડંકો વગાડવાની જરૂર નથી. અમારા કામ સાથે અમારી સરખામણી કરો.”
લોકસત્તા અખબાર સાથેની બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીએ લાઉડસ્પીકર હટાવ્યા , તો પછી અહીંના મુખ્ય પ્રધાન કેમ નહિ?
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બધાએ જોયું કે ઉત્તર પ્રદેશમાં કોરોનાના બીજા મોજા દરમિયાન કેટલા લોકોના મોત થયા. ત્યાં ઘણા લોકોના અંતિમ સંસ્કાર પણ થઈ શક્યા નથી. તેમણે કહ્યું કે, મને મારા રાજ્યની જનતાની વધુ ચિંતા છે.
શિવસેનાના નેતાએ કહ્યું કે લાઉડસ્પીકરનો મુદ્દો તમામ ધર્મો સાથે સંબંધિત છે માત્ર અઝાન સાથે નહીં . તેમણે કહ્યું કે લાઉડસ્પીકરોની આટલી સમસ્યા છે, તો જેમ સમગ્ર દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી, તેમ કેન્દ્ર સરકાર લાઉડસ્પીકર અંગે રાષ્ટ્રીય નીતિ કેમ નથી બનાવતી?
જણાવી દઈએ કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેની આજે સાંજે ઔરંગાબાદમાં જાહેર સભા છે. બધાની નજર આના પર છે, 16 શરતો સાથે સભાની પરવાનગી મેળવનાર રાજ ઠાકરે આમાં શું કહેવા જઈ રહ્યા છે? અને તેમનું લક્ષ્ય કોણ હશે?








