નવજીવન ન્યૂઝ, મોરબી : મોરબી ભાજપમાં (Morbi BJP) ટિકિટ વહેંચણીને લઈને ભડકો થયો છે. Gujarat Local Body Election ટાણે પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાની (Anopsinh Jadeja) ટિકિટ કપાતા તેમના પરિવારે નેતા કાંતિ અમૃતિયા (Kanti Amrutiya) સાથે જાહેરમાં ઉગ્ર બોલાચાલી કરી છે. પૂર્વ કાઉન્સિલરે અપક્ષ ઉમેદવારી નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને પક્ષનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
ગુજરાતના રાજકારણમાં હંમેશા કેન્દ્ર સ્થાને રહેતા મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ભાજપમાં આંતરિક વિખવાદ (Morbi BJP Internal Conflict) વકર્યો છે. લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મોરબી ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા ઉર્ફે કાનાભાઈ (Kantilal Amrutiya) અને પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાના પરિવાર વચ્ચે જાહેરમાં થયેલી બોલાચાલી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
મોરબી ભાજપ દ્વારા આગામી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાની ટિકિટ કપાતા તેમનો પરિવાર રોષે ભરાયો હતો. અનોપસિંહ જાડેજાનો પરિવાર અને કાર્યકરો મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારી (Independent Candidate) નોંધાવવા કચેરી ખાતે પહોંચ્યા ત્યારે મામલો વકર્યો હતો. ભાજપના નેતા કાંતિ અમૃતિયા સાથે કોઈ સામાન્ય વાતચીત દરમિયાન રકઝક શરૂ થઈ અને જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની ગઈ અને ‘તું-તારી’ સુધી વાત પહોંચી ગઈ હતી. પૂર્વ કાઉન્સિલરના પરિવારે આક્ષેપ કર્યો હતો કે પક્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કરવા છતાં તેમની અવગણના કરવામાં આવી છે.








