દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ.સુરત): ગત તારીખ 1 ફેબ્રુઆરીના રોજ નવજીવન ન્યૂઝ (Navajivan News) દ્વારા હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ મીર (Surat Policeman Bhopabhai Mir) 5 વર્ષથી સાયકલ પર ડ્યુટી કરતા હોવાનો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ સમગ્ર પોલીસ બેડા સહિત પ્રજાજનોમાં પણ ભોપાભાઈના વખાણ થતા જોવા મળ્યા હતા. ત્યારે સ્વસ્થ્ય અને પ્રદુષણ પ્રત્યેની ભોપાભાઈની જાગૃતિની કદર ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા પણ કરવામાં આવી છે. આજરોજ ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે (In-charge DGP Vikas Sahay) ભોપાભાઈનું અદકેરું સન્માન કરી તેમને બિરદાવ્યા હતા. કરતા
“સ્વસ્થ આરોગ્ય અને સ્વચ્છ પર્યાવરણ”ની જાગૃતિ માટે રોજ ૧૬ કિલોમીટર સાયકલ હંકારી ફરજ પર આવી દરેક માટે ઉદાહરણ રૂપ અનોખી કામગીરી કરતા સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું રાજ્ય પોલીસ વડાના હસ્તે આજરોજ 6 ફેબ્રુઆરીના રોજ સન્માન કરવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા સરપ્રાઈઝ વિઝિટમાં આવેલા ડીજીપી વિકાસ સહાયે હેડકોન્સ્ટેબલ ભોપાભાઈ જીવણભાઈ મીરનું સન્માન કર્યું હતું. આ તકે ડીજીપીએ ભોપાભાઈનું ગુલદસ્તાથી સન્માન કરી તેમને સાયકલિંગ માટેનું હેલ્મેટ ભેટ આપ્યું હતું. ડીજીપીએ ભોપાભાઈના સન્માન સમયે હાજર પોલીસકર્મીઓને પણ સ્વસ્થ્ય માટે સાયકલિંગ કરવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા ભોપાભાઈ મરી છેલ્લા 5 વર્ષથી નિયમીત રીતે સાયકલિંગ કરી ફરજના સ્થળે હાજર રહે છે. સુરતના ઓલપાડ તાલુકામાં સાયણ ગામની નજીક આવેલી સાયલ સુગર ફેક્ટરીમાં પડાવ નાખી પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. તેઓ પોતાના ઘરેથી આશરે 8 કિલોમીટર દૂર પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે, આમ તેઓ દરરોજ 16 કિલોમીટર સાયકિંગ કરે છે. આ વાત નવજીવન ન્યૂઝના માધ્યમથી સામે આવતા ડીજીપી વિકાસ સહાયનું ધ્યાન તેમના તરફ ગયું હતું. અને આજરોજ ડીજીપી વિકાસ સહાયે તેમનું સન્માન કરતા ભોપાભાઈ અને તેમના પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી. સાથે જ અન્ય પોલીસકર્મીઓ પણ ભોપાભાઈની સાયકલિંગની આદતથી પ્રેરણા લેતા થયા છે.
ભોપાભાઈના ભૂતકાળની વાત કરીએ તો તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સાયણ ગામની નજીક આવેલી સુગર ફેક્ટરીમાં તેમના પિતા સાથે રહે છે. તેઓએ પોતાનો અભ્યાસ પણ પિતાના પશુપાલનના વ્યવસાયમાં મદદ કરી પૂર્ણ કર્યો હતો. હાલ પણ તેઓ ફરજના કલાકો બાદ પોતાના પિતાને પશુપાલનના કામમાં મદદ કરતા જોવા મળે છે. પોલીસની નોકરીમાં સ્વાસ્થયની જરૂરીયાત અને પર્યાવરણને ધ્યાને રાખી તેમણે સાયકલિંગની શરૂઆત કરી હતી. અત્રે મહત્વની વાત છે કે પોલીસકર્મીઓને સાયકલ એલાઉન્સ પેટે પોલીસ વિભાગ રકમ આપી પ્રોત્સાહિત કરતું રહ્યું છે. તેમજ વર્ષ 2020માં ભોપાભાઈ મીરને એકાઉન્ટ રાઈટર તરીકે પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે આ બીજી વખત તેમને સાયકલિંગ માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

સાથે જ નોંધનીય બાબત એ પણ છે કે ભોપાભાઈ છેલ્લા 16 વર્ષથી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે સામાન્ય રીતે પોલીસ વિભાગમાં માનવમાં આવે છે કે શિક્ષાના ભાગ રૂપે જ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવવી પડતી હોય છે. પરંતુ ભોપાભાઈ રાજીખુશીથી પોતાની ફરજ વર્ષોથી હેડક્વાર્ટરમાં બજાવી રહ્યા છે. ત્યારે ભોપાભાઈની આ યાત્રા શિક્ષા માટે જ હેડક્વાર્ટરમાં ફરજ આપવામાં આવે છે તે વાતને પણ ખોટી સાબિત કરે છે.
ભોપાભાઈના સન્માન કાર્યક્રમ સમયે ડીજીપી વિકાસ સહાય તેમજ સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર અને સુરત ગ્રામ્યના પોલીસ વડા હિતેષ જોયસર અને રેન્જ આઈ.જી. પીયુશ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








