Monday, May 18, 2026
HomeNavajivan Cornerસેલિબ્રિટીઝ કામથી અવકાશ : વધુ કાર્યક્ષમનો ઉદ્દેશ કે અંજપો ને થાક ?

સેલિબ્રિટીઝ કામથી અવકાશ : વધુ કાર્યક્ષમનો ઉદ્દેશ કે અંજપો ને થાક ?

- Advertisement -

કિરણ કાપુરે – નવજીવન : સફળતાના શિખર પર હોવ ત્યારે અવકાશ લેવાનું જૂજ વ્યક્તિઓ જ વિચારી શકે છે. આ જૂજ વ્યક્તિઓ અતિ સ્પર્ધાત્મક યુગમાં સફળતાની ટોચ પર રહીને કેવી રીતે અવકાશ લઈ શકે છે તે તો કોયડો (Why do celebrities retire) જ છે. હાલમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ગાયક તરીકે ટોચ પર બિરાજેલા અરીજિતસિંહે (Arijit Singh Singer) પોતાની જાતને ગાયકીમાંથી અવકાશ આપ્યો છે. અરીજિતસિંહ હજુ 38 વર્ષના છે અને તેઓ ગાયકીના ક્ષેત્રમાં એવાં મુકામ પર છે, જ્યાં તેમની કોઈ સ્પર્ધા કરી શકે એમ નથી. અત્યાર સુધી તેમને બે રાષ્ટ્રીય ફિલ્મ સન્માન અને આઠ ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે. 2025માં તેઓ પદ્મશ્રીથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. તેમની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની કારકિર્દીને જોઈએ તો તે માત્ર દોઢ દાયકાની છે. તેમણે 2011માં ‘મર્ડર’ ફિલ્મ (Murder Film) થી પદાર્પણ કર્યુ અને ખૂબ બધાં એવોર્ડ્સ મેળવીને તેમણે અચાનક એવી જાહેરાત કરી કે હવે તેઓ ગાયકીમાંથી અવકાશ લઈ રહ્યા છે. અરજીતસિંહે સોશિયલ મીડિયા પર એક સરળ મેસેજ મૂક્યો અને અવકાશ લઈ લીધો. ચમકદમકની દુનિયામાંથી તેઓ બહાર નીકળીને ખરેખર શું કરવા માંગે છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ જે સ્કીલ તેમણે નાની વયથી હસ્તગત કરવાની શરૂઆત કરી અને યુવાનીકાળમાં તેઓ તેના માહેર બન્યા. અને છેલ્લા પાંચ વર્ષમાં તો અરીજિતસિંહ જે ગીતને કંઠ આપે તે લોકપ્રિય બને તે સ્થિતિ આવી ચૂકી હતી. ઉપરાંત તેઓ દુનિયાભરમાં કોન્સર્ટ કરી ચૂક્યા છે; પરંતુ હવે અરજિતસિંહના કંઠે નવા ગીતો સાંભળવા નહીં મળે.

અરીજિતસિંહની જેમ જાણીતાં સ્ટેજ પર્ફોમર ઝાકીર ખાને પણ પોતાના કામથી અવકાશની જાહેરાત કરી છે. જોગાનુજોગ આ બંનેની ઉંમર એકસરખી છે. ઝાકીર ખાન ‘કોમેડી સેન્ટ્રલ્સ’ (Zakir Khan Comedy Central) સ્પર્ધાથી લોકપ્રિય બન્યા છે. પછી તો તેમણે અનેક સ્ટેન્ડ અપ પર્ફોમન્સ આપ્યાં છે. તેમની કારકિર્દીમાં લોકપ્રિયતા 2012ની આસપાસ જ મળી, તે પછી ઝાકીર સતત સ્ટેન્ડ અપ કોમેડી માટે જાણીતું નામ બનતા ગયા. આજે તેમના યૂટ્યુબ પર સબસ્ક્રાઇબરની સંખ્યા 90 લાખની આસપાસ છે. તેમણે અનેક કોમેડી શૉ હોસ્ટ કર્યા છે. ઝાકીર ખાન પણ તેમની કરીઅરના શિખર પર હતા, પરંતુ તેમણે પોતાના સ્વાસ્થ્ય અને વ્યક્તિગત કારણ દાખવીને પોતાની જાતને તેમનાં વ્યસ્ત કાર્યથી અળગા કરી દીધા છે.

- Advertisement -

આ રીતે અગાઉ વિક્રાંત મેસ્સી (Vikrant Massey) એ પણ 2024માં એવી જાહેરાત કરી હતી કે તેઓ પોતાને અને પરિવારને સમય આપવા માટે બ્રેક લઈ રહ્યા છે. વિક્રાંત મેસ્સી ‘ટ્વેલ્થ ફેઇલ’ અને ‘મિર્ઝાપુર’ ઉપરાંત અનેક ફિલ્મ-વેબસિરીઝથી ખૂબ જાણીતો ચહેરો બન્યા હતા. તેમનું નામ સર્વત્ર ટોચ પર હતું, પરંતુ તેમણે પણ એક દિવસ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી કે તેઓ બ્રેક લેવા માંગે છે. તે વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અને વિક્રાંત મેસ્સીના ફેન ફોલોવર્સને આંચકો લાગ્યો હતો, પરંતુ વિક્રાંત મેસ્સીએ 2025ના વર્ષમાં એ સ્પષ્ટતા કરી દીધી કે તેઓ કાયમી નિવૃત્તિ લેવાના નથી. જે-તે વખતે તેમણે બેક ટુ બેક ફિલ્મ કરી હતી અને અતિવ્યસ્તતાના કારણે થાક અનુભવવાથી બ્રેક લેવા અંગે પોસ્ટ કરી હતી. આ રીતે હાલના સમયમાં એવા અનેક ફિલ્મ સેલિબ્રિટીઝ છે જેમણે પોતાની કારકિર્દીને અચાનક બ્રેક મારી હતી. તેમાં એક બીજું નામ ‘દંગલ’ ફેમ અભિનેત્રી ઝાઇરા વાસીમનું પણ નામ આવે છે. એ પ્રમાણે ફિલ્મ અભિનેતા ઇમરાન ખાન પણ અચાનક સફળતા મેળવ્યા બાદ અચાનક અદૃશ્ય થઈ ગયા હતા.

આવી અનેક સેલિબ્રિટીઝના નામો મળે છે જેમણે પોતાને એક ઝાટકે પોતાને પ્રોફેશનથી સાવ વેગળી કરી દીધી હોય. વિરાટ કોહલી (Virat Kohli) એ પણ બે ફોર્મેટમાંથી નિવૃત્તી લઈ લીધી છે. હવે તેઓ માત્ર દેશ વતી વન ડે જ રમી રહ્યા છે. વિરાટની ફિટનેસ અને પર્ફોમન્સ જોતાં તેઓ હજુ બે-ત્રણ વર્ષ ટેસ્ટ રમી શકતા હતા, પરંતુ તેમણે પણ પોતાની સ્કીલને વધુ નિખારવા બે ફોર્મેટમાંથી નિવૃત્તી જાહેર કરી દીધી. આર. અશ્વિને તો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અધવચ્ચે જ નિવૃત્તી જાહેર કરી દીધી હતી. એવું શું હશે કે પોતાના ફિલ્ડ પર શ્રેષ્ઠ પર્ફોમન્સ આપ્યા બાદ, બધું જ મેળવી લીધા બાદ, પોતાનામાં હજુય ક્ષમતા હોવા છતાં પછી તે એક્ટર હોય કે સ્પોર્ટ્સમેન અચાનક અવકાશ-નિવૃત્તી જાહેર કરી દે છે.

આ અંગે સ્પષ્ટ ઉત્તર તો ક્યારેય મળવાનો નથી. પરંતુ જેઓ આ ક્ષેત્રોને ઓળખે છે અને તેમને નજીકથી જોયા છે તેમનું માનવું છે કે સફળતાના શિખર પર પણ પર્ફોમન્સને લઈને તેઓ સતત દબાણ અનુભવે છે. પર્ફોમન્સના ચક્કરમાંથી પૂરા બહાર ન નીકળો તો તેમાંથી પોતાને ધીરે ધીરે બહાર લાવવું ખૂબ મુશ્કેલ છે, તેથી સદંતર અવકાશ સિવાય કોઈ બીજો વિકલ્પ બચતો નથી. એટલે સેલિબ્રિટીઝ નિવૃત્તી કે અવકાશની જાહેરાત અચાનક કરી દે છે. ઉપર જેમના નામ લખ્યા છે તેઓએ સળતાના શિખર પર પહોંચવા માટે ખૂબ નાની વયથી સંઘર્ષ કરી રહ્યા હતા. તેઓને તે સ્થાન મળી પણ ગયું, પરંતુ તે સ્થાન પર કામ કરીને તેઓ સંભવત્ પછીથી તેઓ અલ્ટીમેટ આનંદ નહીં મેળવી શકતા હોય. અથવા પોતાના જીવનનો ઉદ્દેશ આ સફળતામાં ખોઈ બેસતા પણ હશે. તેથી તેઓ પોતાને સમય આપવા માટે આ રીતે અવકાશ લેતા હશે.

- Advertisement -

આ વિશે મનોચિકત્સક શું માને છે તે પણ જાણવું રહ્યું. ‘એનડીટીવી’ પર મનોચિકત્સક ડૉ. પવિત્રા શંકર આ મુદ્દા અંગે કહ્યું છે કે, આ રીતે સફળતાના શિખરે બ્રેક લેવો તેને નબળાઈની રીતે નહીં પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ તરીકે જોવું જોઈએ. તેઓ આગળ એમ પણ કહે છે કે, અરીજિતસિંહ અને ઝાકીર ખાન જેવી લોકપ્રિયતા ધરાવનારાઓને સતત પર્ફોમન્સનું પ્રેશર હોય છે, તેઓને સતત લોકોની નજરમાં રહેવું પડે છે અને લોકોની અપેક્ષા પર ખરાં ઉતરવાનું હોય છે. આ બધી બાબતો તેમને થકવી નાંખે છે, તેમનામાં ચિંતા અને અંજપો ઊભી કરે છે. જ્યારે તેઓ આ પ્રકારનો બ્રેક લે છે ત્યારે તેઓ પોતાની ગુમાવેલી ક્રિએટીવેટીથી ફરી કનેક્ટ થાય છે. ઉપરાંત કારકિર્દીના ભોગે સંબંધો અને સ્વાસ્થ્યથી દૂર થઈ ગયા હોય છે, પછી તેમાં સમય આપી શકે છે. મનોચિકત્સકનું એવું પણ માનવું છે કે આજના ઝડપી યુગમાં આ રીતે પોતાના ડગ પાછાં લેવા તે એક સારી રણનીતિ છે. ઘણી વાર તો ગંભીર માનસિક સમસ્યાઓથી આ પ્રકારના અવકાશ તમને બચાવી લે છે.

ઝાકીર ખાને જોકે પોતે કેમ બ્રેક લીધો તે અંગે ખુલીને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારના પત્રકાર સાથે વાત કરી છે. તેઓ કહે છે કે, ‘હું રોજની બે-ત્રણ કલાકની માત્ર ઉંઘ લઈને મારા શરીરને નુકસાન કરી રહ્યો હતો. કારણ કે જ્યારે તમે કોઈ શહેરમાં કોન્સર્ટ કે શૉ માટે પહોંચો છો ત્યારે તમે સતત લોકોને મળો છો. એટલે મને મારા સ્વાસ્થ્યની કાળજી લેવાની છે. અમારા પરિવારમાં કેટલીક પારંપરીક બીમારી છે, જે એક નિશ્ચિત ઉંમર પછી દેખા દે છે. તેથી હવે પ્રાથમિકતા નિર્ધારીત કરવા માંગુ છું.’ ઝાકીર એવું જ માનતો હતો કે તે પોતાના કામ સાથે સ્વાસ્થ્યની કાળજી લઈ શકશે, પરંતુ ગત્ વર્ષે જ્યારે ઝાકીરને અમેરિકા જવાનું થયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે અતિવ્યસ્ત શિડ્યૂલમાં સ્વાસ્થ તરફ બેદરકરારી રહે છે. તેથી તેણે તત્કાલ આ નિર્ણય લીધો.

એ રીતે ગાયિકા નેહા કક્કડે (Singer Neha Kakkar) પણ સંબંધો, જવાબદારી અને કામમાંથી મુક્તિ લીધી છે. નેહા કક્કડે તો એવી જાહેરાત પણ કરી દીધી કે તે પાછી ફરશે કે નહીં તે નિશ્ચિત નથી. પોતાના કેરીઅરને સાવ છોડી દેવાનો જાણીતો આવો કિસ્સો વિનોદ ખન્ના (Vinod Khanna) નો પણ છે. વિનોદ ખન્ના પોતાના કરીઅરના પીક પર હતા ત્યારે તેઓ ઓશો રજનીશના શરણે પહોંચ્યા હતા અને પોતાને પાંચ વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી વેગળી રાખી હતી. જોકે તેઓ ફરી પાછાં 1987માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ થયા હતા અને જીવનના આખર સુધી કામ કર્યું હતું. એ રીતે જ શાહરૂખ ખાન, સચિન તેન્ડુલકર કે નરેન્દ્ર મોદી જેવાં પણ વ્યક્તિત્વ છે – જેઓ થાક્યા વિના પોતાના ક્ષેત્રમાં ટક્યા હોય. સચિન તેન્ડુલકર (Sachin Tendulkar) નિવૃત્તિ પછી પણ ખાસ્સા પ્રવૃત્ત દેખાય છે. સેલિબ્રિટીઝના જીવનને ખૂબ નજીકથી જોઈએ ત્યારે તેનો ઠોસ ઉત્તર મળે કે કેવી રીતે તેઓ થાક અનુભવે છે કે નથી અનુભવતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular