નવજીવન ન્યૂઝ. ભાવનગર: ડમીકાંડમાં તોડકાંડ થયાના આક્ષેપો બાદ યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) સહિત તેના સાળાની પણ ધરપકડ કરવામાં આવી છે. સુરતથી પકડાયેલા યુવરાજસિંહના સાળા કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા ઉર્ફે પપ્પુ ગોહીલની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. જેમાં કાનભા (Kanbha)એ પોતાના મિત્ર જીતના ઘરે રાખેલા રૂપિયા 38 લાખની માતબાર રિકવરી ભાવનગર પોલીસે (Bhavnagar Police)કરી છે. પોલીસે આ રકમની રિવકવરી સમયની તપાસ વીડિયોગ્રાફી હેઠળ કરી તેના વીડિયો પણ જાહેર કર્યા છે. ત્યારે આટલી મોટી રોકડ રકમ મળી આવતા યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થશે તેવી સંભાવના છે.
મળતી વિગતો અનુસાર ભાવનગરમાં ડમીકાંડ (Dummykand)ના સમાચાર સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન બિપીન ત્રિવેદીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર ડમીકાંડના કેટલાક આરોપીના નામ છુપાવવા પૈસાનો વ્યવહાર થયો હોવાની વાત હતી. જે ઘટના બાદ પોલીસે ડમીકાંડ કરતા પણ વધારે જોર તોડકાંડની તપાસમાં આપવાની શરૂઆત કરી હતી. ભાવનગર પોલીસે યુવરાજસિંહની સમન્સ બાદ તારીખ 22ના રોજ ધરપકડ કરી હતી તેમજ તેના સાળા કાનભાની પણ સુરતથી ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસની પુછપરછમાં વટાણા વેરી દેતા રૂપિયા 38 લાખ પોતાના મિત્ર જીતના ઘરે રાખ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
યુવરાજસિંહના સાળા કાનભાએ પોલીસ સમક્ષ કબૂલતા આપી હતી કે, પ્રકાશ ઉર્ફે પી.કે. અને પ્રદિપ બારૈયા પાસેથી તેમણે ઘનશ્યામ લાધવા અને બીપીન ત્રિવેદી મારફતે રૂપિયા 1 કરોડ મેળવ્યા છે. સાથે જ પોલીસનું કહેવું છે કે કાનભાની કબૂલાત છે કે તેમણે પોતાના ભાઈ શીવભદ્રસિંહ ઉર્ફે શિવુબાની ઓફિસે તારીખ 5 એપ્રિલની યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સમાં બંનેના નામ નહીં જાહેર કરવાની ડીલ કરી હતી. જે પેટે મળેલા રૂપિયા 1 કરોડ કાનભાએ તારીખ 12 એપ્રિલના રોજ તેના મિત્ર જીત હિતેન્દ્રસિંહ માંડવીયાના રૂપાણી સર્કલ નજીક આવેલા ઘરે મુક્યા હતા.
પોલીસે કાનભાની કબૂલાત પરથી જીત હિતેન્દ્રસિંહ માંડવીયાના ઘરે તપાસ કરતા કાળા રંગનું તાળું લગાવેલું બેગ મળા આવ્યું હતું. જે ખોલી તપાસ કરતા રૂપિયા 38 લાખની માતબાર રકમ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કાનભાએ કબૂલાત આપી હતી કે આરોપી બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવા કે જે વચેટીયાની ભૂમિકા હતા તેને પણ 10 ટકા લેખે કમિશન આપવામાં આવ્યું છે. આમ હવે પોલીસ ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીને મળેલી રૂપિય 10 લાખની કમિશનની રકમની રિકવરી કરવા માટે પ્રયત્નશીલ હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવા પણ તારીખ 29 એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડ પર છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796